180X600.jpg
Jun 28,2016 01:46:48 AM IST
 

રકતદાન કરનાર કોલેજિયનોને ફ્રી સ્ટડી મટીરિયલ્સ પૂરું પાડો

May 04, 2013 00:09 Ahmedabad >
 
comment     E-Mail     Print    
 
Viewed: 1187
Rate: 3.0
Rating:
Bookmark The Article

અમદાવાદ, તા.૩

રાજ્યની કોમ્પોઝિટ બ્લડ બેંકો બ્લડમાંથી જરૂરી ઘટક તત્ત્વો છૂટા પાડયા બાદ બીજા ઉપયોગ અર્થે તેને વેચી દઇ માત્ર નફાખોરી કરી શકે નહીં એ મતલબનું ગંભીર અવલોકન અને ર્ગિભત ચેતવણી સાથેનો નિર્દેશ આજે ગુજરાત હાઇકોર્ટે બ્લડ બેંકોના કેસમાં કર્યો હતો. લોહીના વ્યાપારીકરણ અને નફાખોરી સામે કડક પગલાં ભરવા દાદ માગતી જાહેરહિતની રિટ અરજીમાં ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે ચુકાદો જાહેર કર્યો હતો અને રાજ્ય સરકાર, બ્લડ બેંકો, એનસીસી સહિતના સત્તાવાળાઓને ઉદ્દેશીને કેટલાક મહત્ત્વના નિર્દેશો જારી કર્યા હતા. હાઇકોર્ટે સરકારને નિર્દેશ કર્યો હતો કે, સૌથી વધુ રકતદાન વિદ્યાર્થીઓ અને કોલેજિયનો કરતા હોય છે, તેથી સરકારે તેઓને ચાલુ શૈક્ષણિક સત્ર માટેનું સ્ટડી મટીરિયલ્સ ફ્રી પૂરા પાડવા જોઇએ.

  • ઉનાળામાં લોહીની અછત નિવારવા બ્લડ ડોનેશન કેમ્પ્સ યોજવા પણ આદેશ

ખંડપીઠે ઉનાળા દરમિયાન લોહીની અછત નિવારવા શહેર સહિત રાજ્યભરમાં બ્લડ ડોનેશન કેમ્પ્સ યોજવા સંદર્ભે પણ રાજ્ય સરકાર સહિતના સંબંધિત સત્તાવાળાઓને નિર્દેશ કર્યો હતો અને આ માટે લોકજાગૃતિ કેળવવા તેમ જ જાહેરજનતાને અપીલ કરવા પ્રસાર માધ્યમોમાં જાહેરાત આપી રકત એકત્રિકરણની પ્રક્રિયા હાથ ધરવા જણાવ્યું હતું. હાઇકોર્ટે પોતાના ચુકાદામાં એ પણ સ્પષ્ટ કર્યું કે, વિદ્યાર્થીઓ, કોલેજિયનો સહિતના રકતદાતાઓ માટે પ્રોત્સાહક યોજના સરકારે લાગુ કરવી જોઇએ કે જેથી રકતદાતાને પોતે જે બ્લડ ડોનેટ કરે છે તે નફાખોરી માટે ઉપયોગ નહીં થાય

તેવી ખાતરી કે ભરોસો થાય તે જરૂરી છે. હાઇકોર્ટે રાજયની તમામ બ્લડ બેંકોના કિસ્સામાં લાયસન્સ સહિતની શરતો અને સંબંધિત તમામ કાયદાકીય જોગવાઇઓનું ચુસ્તપણે પાલન કરવા પણ સ્પષ્ટ તાકીદ કરી હતી. જરૂરિયાતમંદ દર્દીઓને બ્લડ કે પ્લાઝમા પર્યાપ્ત માત્રામાં મળી રહે તે બાબતની ખાસ તકેદારી રાખી ત્યારબાદ પ્લાઝમાનું વિતરણ કે વેચાણ રાજ્ય સરકારના નિરીક્ષણ હેઠળ થવું જોઇએ. હાઇકોર્ટે સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, બ્લડ બેંકો બ્લડમાંથી પ્લાઝમા છૂટું પાડયા બાદ માત્ર તેનું નફાખોરી માટે વેચાણ કરવું જોઇએ નહીં.

પીઆઇએલની સુનાવણીમાં બ્લડ બેંકોની નફાખોરીનો પર્દાફાશ થયો હતો

જાહેરહિતની રિટની સુનાવણી દરમિયાન રાજ્યની કોમ્પોઝિટ બ્લડ બેંકો બ્લડમાંથી જરૂરી ઘટક તત્ત્વો છૂટા પાડયા બાદ બીજા ઉપયોગ અર્થે તેને વેચી દેતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયા બાદ રાજ્ય સરકાર તેમજ અરજદારપક્ષ દ્વારા રજૂ કરાયેલા સોગંદનામામાં બીજી એવી મહત્ત્વની હકીકત સામે આવી હતી કે, બ્લડ બેંકો પ્લાઝમાના વેચાણ થકી વર્ષેદહાડે કરોડો રૂપિયાનો નફો રળી રહી છે. કોમ્પોઝિટ બ્લડ બેંકો દ્વારા બ્લડ/પ્લાઝમાના વેચાણ થકી આશરે ૧૧ કરોડથી પણ વધુની રકમ છેલ્લા ત્રણ વર્ષમાં આવક પેટે રળવામાં આવી હોવાની હકીકત હાઇકોર્ટના ધ્યાન પર મૂકાઇ હતી. ખુદ ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે બ્લડ બેંકોની આવકના આંકડા જોઇ આશ્ચર્ય વ્યકત કર્યું હતું. હાઇકોર્ટે કેસની સુનાવણી દરમ્યાન એવો મૌખિક નિર્દેશ કર્યો હતો કે, બ્લડ બેંકોએ તેમને લીઝ પર અપાયેલી જમીન કે અન્ય બાબતોમાં જે કોઇ શરતો નક્કી થઇ હોય તે મુજબ તેનું પાલન કરવું જોઇએ. એટલે કે, પ્રથમા બ્લડ બેંકને અમ્યુકો દ્વારા અમુક શરતોને આધીન જમીન લીઝ પર અપાઇ છે અને તે મુજબ, ૧૦ ટકા બ્લડ ફ્રી ઓફ કોસ્ટ વીએસ હોસ્પિટલને અને ૩૦ ટકા બ્લડ રાહત દરે દર્દીઓને આપવાની શરત છે, આવી જુદી જુદી શરતો કે નિયમો અલગ- અલગ બ્લડ બેંકોમાં હોવાથી અરજદારપક્ષ દ્વારા તેના પાલન માટેની માગણી કરવામાં આવી હતી. બ્લડ બેંકોની આવકના આંકડા જોઇ હાઇકોર્ટે એવો પણ નિર્દેશ કર્યો હતો કે, બ્લડ બેંકો જો વર્ષેદહાડે કરોડો રૂપિયાની આવક રળતી હોય તો તેઓએ જાહેરહિત કે સમાજપયોગી કાર્યો પાછળ પણ થોડા નાણાં ખર્ચવા જોઇએ.

બ્લડબેંકો સામે થયેલી જાહેરહિતની રિટ શું છે?

રાજ્યની વિવિધ બ્લડ બેંકોમાં ડોનર પાસેથી લોહી લેવાયા બાદ તેને મૂળ સ્વરૂપમાં પૂરું પાડવાને બદલે કેટલીક બ્લડબેંકો તેમાંથી પ્લાઝમા સહિતના ઘટક તત્ત્વો છૂટા પાડી પાછળથી નફાખોરી રળતી હોવાનો આક્ષેપ કરતી જાહેરહિતની રિટ દાખલ કરાઇ છે. જેમાં એવા મુદ્દા ઉપસ્થિત કરાયા હતા કે, એક વખત બ્લડ લેવાય અને બ્લડમાંથી પ્લાઝમા એકત્ર કરાય એટલે પ્લાઝમાં લોહીમાંથી છૂટું પાડી તેને માઇનસ ૩૦ ડિગ્રી સેન્ટિગ્રેડ પર સંગ્રહ કરવાનું હોય છે. ઘણીવાર બ્લડકેમ્પ દૂર યોજાતા હોવાથી એકત્ર કરાયેલા લોહીને ઘટક તત્ત્વો છૂટા પાડવા કે સંગ્રહ કરવા માટે છ કલાકમાં લેબ સુધી પહોંચી શકતું નથી અને તેનો ફાયદો ઉઠાવીને બ્લડ બેંકોવાળા એવું કહેતા હોય છે કે, પ્લાઝમા આરોગ્યપ્રદ હવે રહ્યું નથી અને દર્દીના વપરાશ માટે તે યોગ્ય નથી એમ કહી લોહીનો કે તેના ઘટક તત્ત્વો દવા કે બીજા કોઇ હેતુ માટે વેચાણ કરી દેવાય છે અને આમ કરી લોહીનું વ્યાપારીકરણ કરી નફાખોરી રળવામાં આવી રહી છે. આ સંજોગોમાં હાઇકોર્ટે જરૂરી હુકમો કરવા જોઇએ.

 
Share This
 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com