180X600.jpg
Jun 29,2016 07:58:39 PM IST
 

ચાવીરૂપ વ્યાજદર ઘટતાં હોમ-ઓટોલોન સસ્તી થવાનાં એંધાણ

May 04, 2013 12:58 Business >
 
RBI,Repo Rate,Goverment,Loan,Bank Loan,Home Loan Tags:   RBI Repo Rate Goverment Loan Bank Loan Home Loan comment     E-Mail     Print    
 
Viewed: 2148
Rate: 0
Rating:
Bookmark The Article

મુંબઈ, તા. ૩

ફુગાવાનો દર ઊંચો રહેવાની ભીતિ અને મોંઘવારીનો ખતરો ઇકોનોમી પર તોળાઈ રહેવાની ભીતિ વચ્ચે રિઝર્વ બેન્ક દ્વારા મહત્ત્વના વ્યાજદરોમાં ૨૫ બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આરબીઆઈનાં પગલાંને કારણે હાઉસિંગ લોન અને ઓટોલોન સહિત અન્ય લોન સસ્તી થવાની શક્યતા છે. બેન્કે ચાવીરૂપ વ્યાજદર ઘટાડતાં આર્થિક વિકાસને વેગ મળશે તેવી ધારણા છે, હવે બેન્કો દ્વારા વ્યાજદર ઘટાડવામાં આવે તો જે લોકો લોનના હપ્તા ચૂકવે છે તેમના ઈએમઆઈમાં ઘટાડો થશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.

  • રિઝર્વ બેન્કે રેપોરેટ અને રિવર્સ રેપોરેટ ૨૫ બેસિસ પોઇન્ટ ઘટાડયા
  • સીઆરઆરમાં કોઈ ફેરફાર નહીં
  • જાન્યુઆરી પછી મહત્ત્વના વ્યાજદરમાં ત્રીજી વખત ઘટાડો
  • મે ૨૦૧૧ પછી રેપોરેટ અને રિવર્સ રેપોરેટ નીચલા સ્તરે

જોકે મોંઘવારીનો તોળાઈ રહેલો ખતરો ધ્યાનમાં લઈને નાણાકીય નીતિની સમીક્ષામાં કડક વલણ અપનાવ્યું હતું અને રેપોરેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો હતો, આમ રેપોરેટ હવે ૭.૨૫ ટકા થયો છે જ્યારે રિવર્સ રેપોરેટ ૦.૨૫ ટકા ઘટાડીને ૬.૨૫ ટકા કરવામાં આવ્યો છે, જોકે બેન્કોનાં કેશ રિઝર્વ રેશિયો એટલે કે સીઆરઆરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, તેને ૪ ટકાએ યથાવત્ રાખવામાં આવ્યા છે. આરબીઆઈની નીતિ બજારની અપેક્ષા મુજબની ન હોવાથી મુંબઈ સ્ટોક એક્સ્ચેન્જના બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સમાં ૧૬૦ પોઇન્ટનું ગાબડું પડયું હતું. બજારે વ્યાજદરમાં ઘટાડાને ડિસ્કાઉન્ટ કર્યા હતા.

રિઝર્વ બેન્ક દ્વારા વ્યાપારી બેન્કોને જે વ્યાજદરે ધિરાણ આપવામાં આવે છે તેને રેપોરેટ કહેવામાં આવે છે જ્યારે વ્યાપારી બેન્કો દ્વારા મૂકવામાં આવેલાં નાણાં પર રિઝર્વ બેન્ક જે વ્યાજ ચૂકવે તેને રિવર્સ રેપોરેટ કહેવામાં આવે છે. જાન્યુઆરી પછી મહત્ત્વના વ્યાજદરમાં ત્રીજી વખત ઘટાડો કરવામાં આવ્યો છે. રેપોરેટ અને રિવર્સ રેપોરેટ હાલ મે -૨૦૧૧ પછીનાં સૌથી નીચલા સ્તરે છે.

તાજેતરમાં ફુગાવામાં ઘટાડો થયો હોવા છતાં બજારમાં ફુગાવાનું દબાણ યથાવત્ રહેવાની ધારણાને કારણે રિઝર્વ બેન્કે ઉદાર નીતિવિષયક પગલાં લેવાનું ટાળ્યું હતું. રિઝર્વ બેન્કે તેનાં પોલિસી સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે હાલનાં પગલાંને કારણે આર્થિક વિકાસમાં સુધારો થશે તેવી શક્યતા ઓછી છે. પુરવઠામાં રહેલા અવરોધો દૂર કરીવહીવટમાં સુધારો કરીને અને સરકારી રોકાણમાં વધારો કરીને ઇકોનોમીને વેગ આપી શકાશે.

આરબીઆઈએ જણાવ્યું હતું કે ચાલુ ખાતાની ખાધ ઈકોનોમી માટે સૌથી ચિંતાની બાબત છે જે હાલ ૨.૫ ટકાથી પણ વધુ છે. ઊંચી રાજકોષીય ખાધ આર્થિક વિકાસને અવરોધી શકે છે. ચાલુ નાણાકીય વર્ષમાં દેશનો ગ્રોથરેટ ૫.૭ ટકા રહેવાનો અંદાજ છે જ્યારે સરકારે આર્થિક વિકાસદર ૬.૧ ટકાથી ૬.૭ ટકા રહેવાનું અનુમાન સેવ્યું છે. ગયા નાણાકીય વર્ષમાં ગ્રોથરેટ નીચલા સ્તરે સરકી ૫ ટકા જેટલો રહ્યો હતો.

આરબીઆઈના ગવર્નર ડી. સુબ્બારાવે કહ્યું હતું કે રેપોરેટમાં કરાયેલો સાધારણ ઘટાડો હાલનાં સ્તરે યોગ્ય છે. માત્ર નાણાકીય નીતિથી આર્થિક વિકાસદરને ગતિશીલતા બક્ષી શકાતી નથી, આને માટે પુરવઠામાં રહેલા અવરોધો, વહીવટમાં સુધારા તેમજ જાહેર રોકાણમાં વધારો કરવો અનિવાર્ય છે. સુબ્બારાવે કહ્યું હતું કે ફુગાવાનો દર આ વર્ષે માર્ચમાં ત્રણ વર્ષની નીચી સપાટીએ આવ્યો હતો પણ પેટ્રો પેદાશોના ભાવમાં વધારો કરવામાં આવતાં નજીકનાં ભવિષ્યમાં તેમાં વધારો થાય તેવી ભીતિ સેવાઈ રહી છે, જો આવનારા સમયમાં ફુગાવો ઘટે તો વ્યાજદરમાં વધુ ઘટાડાને અવકાશ છે તેવા સંકેતો તેમણે આપ્યા હતા. ચાલુ વર્ષે જીડીપી ૫.૭ ટકા અને ફુગાવો ૫.૫ ટકા રહેવાનો અંદાજ તેમણે રજૂ કર્યો હતો. આરબીઆઈની પોલિસીએ બજારને નિરાશ કર્યું હતું જેને કારણે સ્ટોકમાર્કેટ અને રૂપિયામાં ઘટાડો જોવાયો હતો.

વ્યાજદરમાં ઘટાડાને મુદ્દે સરકાર અને આરબીઆઈમાં મતભેદો

સરકાર તેના આર્થિક સુધારાને કારણે ગ્રોથરેટ વધશે તેવી અપેક્ષા વચ્ચે વ્યાજદરમાં વધુ ઘટાડાને અવકાશ હોવાનો પુનરોચ્ચાર કરતી રહી છે ત્યારે રિઝર્વ બેન્ક ફુગાવાના ઊંચા દરને કારણે વ્યાજદર ઘટાડવાની સરકારની માગની અવગણના કરતી રહી છે. આર્થિક બાબતોના સચિવ અરવિંદ મયારામે આ અંગે સરકારનો મત દર્શાવતાં કહ્યું કે ઉદ્યોગોમાં મૂડીરોકાણ વધારવા અને ઈકોનોમીમાં પ્રાણ પૂરવા સરકારે શ્રેણીબદ્ધ આર્થિક સુધારા કર્યા છે જ્યારે ઊંચી રાજકોષીય ખાધ અને ચાલુ ખાતાની ખાધ તેમજ ફુગાવાના દરમાં ધારણા કરતાં ઓછા ઘટાડાને ધ્યાનમાં લઈને રિઝર્વ બેન્ક વ્યાજદરમાં તત્કાળ મોટો ઘટાડો કરવાનું ટાળી રહી છે.

બેન્કોનો 'થોભો અને રાહ જુઓ'નો વ્યૂહ

આરબીઆઈ દ્વારા રેપોરેટ અને રિવર્સ રેપોરેટમાં ૨૫ બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હોવા છતાં બેન્કો તત્કાળ લોનના વ્યાજદર ઘટાડવાના મૂડમાં નથી. સ્ટેટ બેન્કના ચેરમેન પ્રતિપ કારે આ અંગે કહ્યું હતું કે બેન્કો દ્વારા ધિરાણદરમાં ઘટાડો કરવાને હાલ કોઈ અવકાશ નથી. દરમાં ઘટાડો કરી શકાય તેવું કંઈ પોલિસીમાં નથી જ્યાં સુધી ડિપોઝિટ્સના દર ઘટાડવામાં આવે નહિ ત્યાં સુધી બેન્કો માટે ધિરાણદર ઘટાડવાનું મુશ્કેલ બનશે.

રિઝર્વ બેન્કના મતે વિકાસ આડેના ચાર પડકારો

-સૌથી મોટું જોખમ ચાલુ ખાતાની ખાધમાં વધારાનું છે જે હાલ ૨.૫ ટકાથી વધુ છે.

-વૈશ્વિક અર્થતંત્રમાં નરમાઈને કારણે દેશમાં મૂડીપ્રવાહમાં ઘટાડો.

-દેશના બિઝનેસ કોન્ફિડન્સ ઇન્ડેક્સમાં નરમાઈ.

-ખેતપેદાશોના ટેકાના ભાવ તેમજ પગારમાં વધારાને કારણે અન્ન ફુગાવાનો ઊંચો દર.

આરબીઆઈ શું કહે છે

-રેપોરેટ ૨૫ બેસિસ પોઇન્ટ ઘટાડી ૭.૨૫ ટકા.

-રિવર્સ રેપોરેટ ૨૫ બેસિસ પોઇન્ટ ઘટાડી ૬.૨૫ ટકા.

-સીઆરઆર ૪ ટકાના દરે યથાવત્.

-વર્ષ ૨૦૧૩-૧૪માં જીડીપી દર ૫.૭ ટકા રહેવાની ધારણા.

-ફુગાવો ચાલુ વર્ષે ૫.૫ ટકા રહેવાનો અંદાજ.
 
Share This

 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com