Nov 01,2014 07:21:02 PM IST
 

જ્ઞાતિ બહાર લગ્ન કરો અને રૂ. ૭૫ હજારનું ઇનામ મેળવો

May 05, 2013 00:13 National
 
Tags:   Love Mararge Goverment Himachal Pradesh Love Marrage comment     E-Mail     Print    
 
Viewed: 4719
Rate: 5.0
Rating:
Bookmark The Article

શિમલા, તા. ૪

હરિયાણામાં એક તરફ જ્યારે ખાપ પંચાયતો જ્ઞાતિ બહાર લગ્ન કરવા સામે રોજેરોજ નવા ફતવાઓ બહાર પાડે છે અને તેમને સજા ફટકારે છે ત્યારે તેનાં પડોશી રાજ્ય હિમાચલપ્રદેશમાં જ્ઞાતિ બહાર લગ્ન કરનાર દંપતીને રૂ. ૭૫,૦૦૦ ઇનામ આપવાનું નક્કી કરાયું છે.

રાજ્યના યુવક અને યુવતીઓ જ્ઞાતિબંધનો તોડીને લગ્નો કરે તે માટે હિમાચલપ્રદેશના મુખ્યપ્રધાન વીરભદ્રસિંહની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં તેમને રૂ. ૨૫,૦૦૦થી રૂ. ૭૫,૦૦૦ સુધીનું ઇનામ આપવાની જાહેરાત કરાઇ છે. આ ઇનામ એવાં દંપતીને અપાશે જેમાંથી એક વ્યક્તિનો અનુસૂચિત જાતિમાં સમાવેશ થતો હોય.

જ્ઞાતિ બહાર લગ્નો માટે પ્રોત્સાહિત કરવા હિમાચલ સરકારનો નવતર પ્રયોગ

સામાજિક બાબતોના સાંસદ સૂદે જણાવ્યું હતું કે, અમે છેલ્લાં કેટલાંક વર્ષોથી જોઈ રહ્યા છીએે કે રૂ. ૨૫,૦૦૦નું ઇનામ હવે ખાસ આકર્ષક રહ્યું નથી, આથી હવે અમે આ રકમ વધારવાનું નક્કી કર્યુ છે. સરકારી આંકડા અનુસાર છેલ્લાં ચાર વર્ષોમાં માત્ર ૧,૧૧૩ લગ્નો જ્ઞાતિ બહાર કરાયાં હતાં. હિમાચલપ્રદેશની સરકારે આ યોજના વર્ષ ૧૯૯૪માં બહાર પાડી હતી. સૂદે વધુમાં જણાવ્યું હતું કે, અમને આશા છે કે હવે વધુને વધુ યુગલો ખાસ કરીને યુવતીઓને જ્ઞાતિનાં બંધનો તોડવાનું પ્રોત્સાહન મળશે.

શિમલાનું નવપરિણીત યુગલ અનીષ અને તેની પત્ની શ્વેતા જણાવે છે કે લગ્નનો અંતિમ નિર્ણય સ્ત્રી અને પુરુષે લેવાનો હોય છે. અનીષ અનુસૂચિત જાતિમાંથી આવતો યુવાન છે જ્યારે શ્વેતા બ્રાહ્મણ જ્ઞાતિમાંથી આવતી યુવતી છે. અનીશ જણાવે છે કે, આખરે વ્યક્તિએ તેના પાર્ટનર સાથે આખું જીવન વિતાવવાનું હોય છે, માતા-પિતા સાથે નહીં.

સુપ્રીમ કોર્ટે પથદર્શક ચુકાદો આપ્યો હતો

સુપ્રીમ કોર્ટેના ભૂતપૂર્વ ન્યાયધીશ માર્કેન્ડેય કાત્જુ અને જ્ઞાનસુધા મિશ્રાએ વર્ષ ૨૦૧૧માં પથદર્શક ચુકાદો આપતાં જણાવ્યું હતું કે, જ્ઞાતિવ્યવસ્થા સમગ્ર દેશ માટે અભિશાપ છે અને તેનો જેમ બને તેમ જલદી નાશ કરવો દેશ માટે લાભકારી છે જ્યારે દેશે પડકારોનો સામનો કરવા એક થવાની જરૂર છે ત્યારે જ્ઞાતિપ્રથાને કારણે દેશ વિભાજિત થઈ રહ્યો છે. જ્ઞાતિ બહાર લગ્નો દેશનાં હિતમાં છે અને તેને કારણે જ્ઞાતિવ્યવસ્થા નાબૂદ કરી શકાશે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com