180X600.jpg
Jul 02,2016 05:44:27 AM IST
 

જાસપુર જમીન પ્રકરણમાં લેન્ડ ગ્રેબર સંજુ ભારંભે અને મામલતદાર અંશુ શ્રીવાસ્તવ વિરૂદ્ધ કોર્ટમાં ચાર્જશીટ

May 05, 2013 01:15 Baroda >
 
comment     E-Mail     Print    
 
Viewed: 786
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા તા.૪

પાદરા તાલુકાના જાસપુર ગામની સરકારી અને ખેડુતોની જમીન હડપ કરવાના ગુનામાં આજે પોલીસે અત્રેની સેસન્સ કોર્ટમાં ચાર્જશીટ (તહોમતનામુ) રજુ કર્યુ હતુ. જેમાં લેન્ડ ગ્રેબર સંજુ ભારંભે અને પાદરાના તત્કાલીન મામલતદાર અંશુ શ્રીવાસ્તવની ધરપકડ બતાવવામા આવી છે. જયારે અકરમ સીંધી અને યોગેશ ઠકકરને નાસતા ફરતા બતાવવામા આવ્યા છે.પોલીસે કોર્ટમાં રજુ કરેલી ચાર્જશીટ ૧૫૦૦ પાનાની છે.જયારે ૪૬૧ મુખ્ય પુરાવા છે અને ૩૫ સાક્ષી છે.

  • ૧૫૦૦ પાનની ચાર્જશીટ રજૂ કરવામાં આવી-૪૬૧ મુખ્ય પુરાવા અને સાક્ષી ૩૫

કોર્ટમાં રજુ કરાયેલી ચાર્જશીટમાં જણાવ્યા મુજબ પાદરાના નાયબ મામલતદાર અશ્વિનભાઇ મિસ્ત્રીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતુ કે જાસપુર ગામે બ્લોક નં.૧૦૦૪ પૈકી-૩ તથા બ્લોક નંબર ૧૦૦૪ પૈકી ૪ની જમીન માછી ગંગાબેન વિગેરે ૧૦ની સંયુકત ખાતે તથા નંબર-૨ માછી બબાભાઈ વજાભાઈ અને માછી નાગજીભાઈ પુંજાભાઈના સંયુકત ખાતે રેવન્યુ રેકર્ડ ઉપર ચાલે છે.

જાસપુર બ્લોક નં. ૧૦૦૪ પૈકીની ૩ વાળી નવી અને અવિભાજય શરતની જમીનના ૭-૧૨ના ઉતારા મુજબ કબજેદાર અમરસંગ મેલાભાઈ મોચીએ નિવેદનમાં જણાવ્યું હતં કે, આ જમીન મૌખિક વેચાણથી નાનુભાઈ અમીનને રૂ.૫,૦૦૦ના રોકડેથી આપેલી છે. તેઓએ સંજુ ભારંભેને આપતા ભારંભેએ અમારી પાસેથી જબરજસ્તીથી કબજો ખાલી કરાવ્યો છે. અને બે વર્ષ પહેલાં ઘોડાના તબેલાનું બાંધકામ કર્યુ છે. જમીનનું મહેસૂલ હાલમાં તેઓ પોતે જ ભરે છે પરંતુ કબજો સંજુ ભારંભે પાસે છે.બ્લોક નં.૪ વાળી જમીન જાસપુરના નાગજીભાઈ પુંજાભાઈ માળીની છે. સરકારી રેકર્ડ પ્રમાણે કબજેદાર તરીકે તેમનં નામ ચાલે છે. તેમના પિતા ૫ વર્ષ પહેલાં ગુજરી ગયા હતા. તેમણે આ જમીન મૌખિક વેચાણથી નાનુભાઈ અમીનને આપી હતી. જેના અવેજ પેટે ખેડૂતોને રૂ.5૦૦ આપ્યા હતા. નાનુભાઈ અમીને આ જમીન સંજુ ભારંભેને સોંપતા તેમણે બળજબરીથી જમીનનો કબજો પડાવી લીધો છે.

સંજુ ભારંભેએ આ બન્ને ખેડૂતો તથા સરકારની રૂ ૫ કરોડ ઉપરાંત રકમની આશરે ૧૫ એકર જમીન પર દબાણ કર્યું હોવાની તેમણે પાદરા પોલીસ સમક્ષ કેફિયત આપી હતી. ર ફેબ્રુઆરી ૨૦૧૩ના રોજ સંજુ ભારંભે વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો. ત્યારબાદ પાદરાના તત્કાલીન મામલતદાર અને તત્કાલીન એકસ્ટ્રા ચીટનીશ વડોદરા અંશુ શ્રીવાસ્તવને સંજુ ભારંભે સાથે વાતચીત થતા હોવાના પુરાવા મળ્યા હતા.આથી તહોમતદાર તરીકે અંશુ શ્રીવાસ્તવનો પણ સમાવેશ કરવામા આવ્યો હતો. જયારે પાદરા તાલુકાના જાસુપુરના સંજુ ભારંભેના ફાર્મ હાઉસ પરથી આર ઓ પ્લાન્ટ અને વાસણો હતા.આ સામાન જાસપુર થી સેવાસીના ફાર્મ હાઉસ પર લઇ જવા માટે સંજુએ અકરમ સીંધી નામના વ્યકિતને કહ્યુ હતુ.આ સામાન જાસુપર થી ટેમ્પામાં ટ્રાન્સફર કરવામા આવી રહ્યો હતો.ત્યારે પોલીસે દરોડો પાડયો હતો.પોલીસે ટેમ્પાવાળાની પુછપરછ કરતા અકરમે તેઓને આસામાન ટ્રાન્સફર કરવા કહ્યુ હતુ.આમ અકરમ સીંધીનુ નામ આવતા તેને પણ ત્હોમતદાર તરીકે સામેલ કરવામા આવ્યો હતો. આ ઉપરાંત યોગેશ ઠકકર અને સંજુ ભારંભેએ ભેગા મળી જાસપુરમાં જમીન ખરીદી હતી. અને તેઓ વચ્ચે કલાકો સુધી વાતચીત થતી હતી.આથી યોગેશ ઠકકરને પણ તહોમતદાર તરીકે સામેલ કરવામા આવ્યો હતો.. આજે સંજુ ભારંભે અને અંશુ શ્રીવાસ્તવ વિરૃધ્ધ અત્રેની સેસન્સ કોર્ટમાં તહોમતનામુ પોલીસે રજુ કર્યુ હતુ.જેમાં સંજુ ભારંભેની તા.૯ મી ફેબ્રુઆરી અને અંશુ શ્રી વાસ્તવની તા.૭મી ફેબ્રુઆરીના રોજ ધરપકડ બતાવી છે. જયારે અકરમ સીંધી અને યોગેશ ઠકકરને નાસતા ફરતા બતાવ્યા છે.આ ચાર્જશીટ ૧૫૦૦ પાનાની છે.૪૬૧ મુખ્ય પુરાવા છે અને ૩૫ સાક્ષીઓ હોવાનુ ડી વાય એસ પી ઉષા રાડાએ જણાવ્યુ હતુ.

 આરોપીઓ સામેના પુરાવાઓ

જિલ્લા પોલીસે લેન્ડ ગ્રેબર ભુમાફિયા સંજુ ભારંભે સહિતના આરોપીઓ વિરૂધ્ધ ૪૬૧ પુરાવાઓ મેળવ્યા છે. જેમાં પાદરા તાલુકાના જાસપુરની જમીનોના ખેડુતોએ પોલીસને જણાવ્યુ હતુકે સંજુએ અમારા વડીલોને લાલચ આપી રૂ૫૦૦૦માં જમીન ખરીદી હતી. અને અમને પણ અવારનવાર લાલચ આપતો હતોજયારે જાસપુરની જમીનોનો કબજો સંજુએ બળજબરીપુર્વક લીધો છે. સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કર્યુ છે. જેમાં સર્વે નંબર ૧૦૦૪(અ)વાળી સરકારી જમીન છે.તેની પર સંજુ ભારંભેએ બાંધકામ કરેલુ છે.જાસપુરના ફાર્મ પરથી મળેલા આર ઓ પ્લાન્ટ અને વાસણો પ ર સંજુ ભારંભે નુ નામ લખ્યુ છે. સંજુ ભારંભે અને તત્કાલીન પાદરા મામલતદાર અને તત્કાલીન એકસ્ટ્રા ચીટનીશ અંશુ શ્રીવાસ્તવ વચ્ચેની કોલ ડીટેલ સહિતની વિગતો તેમજ સંજુ અને યોગેશ ઠકકર વચ્ચેની વાતચીતની કોલડીટેલનો સમાવેશ થાય છે. જયારે તત્કાલીન મામલતદાર અંશુ શ્રી વાસ્તવે નવીશરતની જમીન પોતાના હોદ્દામાં નહી આવતુ હોવા છતા તેની જુની શરતમાં ફેરવી હતી તે.અંશુ શ્રીવાસ્તવે પાદરા પોલીસને લખેલા જવાબમાં તેઓ પાદરા મામલતદાર તરીકે આવ્યા હતા તે અગાઉના મામલતદારના હુકમનુ પાલન કરી મેં નવી શરતની જમીન જુની શરતમાં ફેરવી છે. તેવુ કહેતા પોલીસે અગાઉના મામલતદારના હુકમની સહીઓની ખરાઇ કરતા તે હુકમ તેઓએ નહી કર્યો હોવાનુ અને સહીઓ તેઓની સહી પણ નહતી. આ સહિતના પુરાવાઓ પોલીસે ભેગા કર્યા છે.

 આખરે મામલદાર અંશુ શ્રીવાસ્તવ સામે ચાર્જશીટ કરવા રાજ્ય સરકારની મંજૂરી

પાદરા તાલુકાના જાસપુર ગામે આવેલા કિલ્લા નજીક મહીસાગર નદીના કાંઠે હજારો ચોરસ ફૂટ જમીનમાં ભવ્ય ફાર્મ હાઉસ બનાવવામાં આવેલ હતો.જે ફાર્મ હાઇસના માલિક સંજુ ભારંભે દ્વારા ખેડૂતોની જમીન ઉપરાંત આસપાસની સરકારી જમીનમાં પણ દબાણ કરવામાં આવ્યું હતું.જે વિષેની માહિતી મળ્યા બાદ જિલ્લા કલેકટર દ્વારા ખાસ ટીમ મોકલી ફાર્મ હાઉસની સમગ્ર જમીનની માપણી કરાવવામાં આવી હતી. જેમાં સરકારી જમીનમાં દબાણ મળી આવતા સંજુ ભારંભે સામે લેન્ડગ્રેબિંગનો ગુનો જિલ્લા પોલીસ મથકે દાખલ કરવામાં આવ્યો હતો. જેની તપાસમાં પોલીસ દ્વારા પાદરાના પૂર્વ મામલતદાર અંશુ શ્રીવાસ્તવને પણ આરોપી હોવાના પુરાવા શોધી કાઠવામાં આવ્યા હતા.જેના પગલે કોર્ટમાં ચાર્જશીટ કરવા માટે જિલ્લા પોલીસ દ્વારા રાજ્ય સરકારની મંજૂરી માંગવામાં આવી હતી. જે મંજૂરી માગ્યા બાદ જિલ્લા કલેકટર વિનોદ રાવે પણ પત્ર લખી રાજ્ય સરકારને મામલતદાર અંશુ શ્રીવાસ્તવ સામે ચાર્જશીટ કરવા જિલ્લા પોલીસને મંજૂરી આપવા માટે ભલામણ કરવામાં આવી હતી. આખરે આજે સવારે રાજ્ય સરકાર દ્વારા અંશુ શ્રીવાસ્તવનું નામ ચાર્જશીટમાં દાખલ કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી.

 નાસતા ફરતા આરોપીઓ વિરૂદ્ધની કાર્યવાહી

જાસપુરની જમીન પ્રકરણમાં નાસતા ફરતા આરોપી યોગેશ અરવિદભાઇ ઠકકર (રહે ચંદ્રનગર સોસાયટી સી એચ વિદ્યાલય પાસે હાઇટેન્શન લાઇન સુભાનપુરા)ને પોલીસ સમક્ષ વાંરવાર હાજર થવા માટે સમન્સ મોકલવા છતા હાજર થયા નથી અને ભૂગર્ભમાં ઉતરી ગયા છે.આથી તેઓ વિરૂધ્ધ ડિસ્ટ્રીક કોર્ટમાંથી ૭૦ મુજબનુ વોરન્ટ મેળવેલુ છે.જયારે અકરમ સીંધી વિરૂધ્ધ કોર્ટમાંથી ૭૦ મુજબનુ વોરન્ટ મેળવવાની કાર્યવાહી શરૂ કરવામા આવી છે.

 ફરિયાદમાં કઈ કલમો લાગી

નુકસાન કરવું, ૩૮૪    બળજબરીપૂર્વક પડાવી લેવું, ૪૪૭    ગેરકાયદે પ્રવેશ મેળવવો, ૪૦૯ સરકારી કર્મચારી દ્વારા વિશ્વાસધાત, ૪૬૫, ૪૬૭બોગસ દસ્તાવેજો બનાવવા, ૪૬૮ ઠગાઇના ઇરાદે ખોટા દસ્તાવેજ બનાવવા, ૪૭૧ દસ્તાવેજ ખોટા હોવાનુ જાણવા છતા તેનો સાચા તરીકે ઉપયોગ કરવો, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ની કલમ ૭ ,૧૩/૧ (એ) ૧૩/૧ (બી) ૧૩/૧ (સી) ૧૩/૨ સરકારી કર્મચારી તરીકે કાયદેસરનુ કામ ગેરકાયદે કરી તેના અવેજ સિવાયનો ફાયદો લેવો, લેન્ડ રેવન્યુ કલમ ૩૭-૬૧૧૩/૧ ગણોતધારા કલમ ૪૩ પ્રમાણે.

 સંજુ વિરૂધ્ધ ૮૩ અને અંશુ વિરૂદ્ધ ૮૫ દિવસ બાદ ચાર્જશીટ

પાદરાના જાસપુર જમીન પ્રકરણમાં આરોપી સંજુ ભારંભેની પોલીસે તા.૯મી ફેબ્રુઆરીના રોજ ધરપકડ કરી હતી. આમ સંજુ વિરૂધ્ધ પોલીસે આજે ૮૩ દિવસ બાદ ચાર્જશીટ રજુ કરી હતી. જયારે અંશુ શ્રીવાસ્તવની ધરપકડ ૭મી ફેબ્રુઆરીના રોજ કરવામા આવી હતી. અંશુ શ્રીવાસ્તવ વિરૂધ્ધ ૮૫ દિવસબાદ ચાર્જશીટ રજુ કરવામા આવી હતી.

 
Share This
 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com