Nov 24,2014 11:11:15 PM IST
 

અજમેર બ્લાસ્ટમાં સંડોવાયેલા બેસ્ટ બેકરીના વોન્ટેડ પિતા-પુત્રની ધરપકડ

May 05, 2013 01:17 Baroda > Baroda City
 
comment     E-Mail     Print    
 
Viewed: 585
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા,તા. ૪

ઈ.સ. ૨૦૦૭ માં અજમેર ખાતે થયેલા આતંકી હુમલામાં સંડોવાયેલા મનાતા શહેરના ડભોઈ રોડ વિસ્તારના બેસ્ટ બેકરી કાંડના ભાગેડું પિતા-પુત્રની આજે વહેલી સવારે એન.આઈ.એ.ની ટીમે વાઘોડિયા તાલુકાના કાશીપુરા ગામમાંથી ધરપકડ કરી હતી.અજમેર બ્લાસ્ટમાં આ પૂર્વે વડોદરાના હર્ષદ રાવજીભાઈ સોલંકી તથા મફત ઉર્ફે મેહુલ ગોહિલની ધરપકડ થઈ હતી.જેઓ પણ બેસ્ટ બેકરી કેસના વોન્ટેડ આરોપીઓ હતા.

ગોધરા કાંડ પછી તા. ૧-૩-૨૦૦૨ ના રોજ શહેરના ડભોઈ રોડ હનુમાન ટેકરી ઉપર બનેલાં બેસ્ટ બેકરી કાંડમાં ૧૪ વ્યક્તિના મોતથી દેશભરમાં ખળભળાટ મચાવી મૂકયો હતો.વડોદરા પોલીસે આ ગુના હેઠળ કુલ ૨૧ આરોપીઓની ધરપકડ કરી હતી.જે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો અદાલતે હુકમ કર્યો હતો.આ હુકમની સામે થયેલી રિટ પિટિશનના પગલે મુંબઈની ખાસ અદાલતમાં આ કેસની રિટ્રાયલ ચલાવવાનો સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો હતો.

  • બેસ્ટ બેકરી કાંડના ૪ આરોપીઓ ગિરફતાર થઈ જતાં વોન્ટેડ આરોપીઓનો ચોપડો બંધ

નવેસરથી શરૂ થયેલી ટ્રાયલ વખતે ૨૧ પૈકીના કુલ ૧૭ આરોપીઓ પકડાયા હતા.જયારે જયંતી જામસીંગ ગોહિલ, તેમનો પુત્ર રમેશ ગોહિલ (બન્ને રહે, સૂર્યનગર પદમ તળાવ પાસે,ગાજરાવાડી), તથા હર્ષદ રાવજી સોલંકી અને મફત ઉર્ફે મેહુલ ગોહિલ આ ચાર જણાં વોન્ટેડ હતાં.જયંતીભાઈ મ્યુનિ. કોર્પોરેશન, ગાજરાવાડી સુએજ પંપિંગ સ્ટેશનમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતાં. પકડાયેલા ૧૭ પૈકીના ૯ આરોપીઓને મુંબઈની કોર્ટે જનમટીપની સજા કરી હતી. બાકીનાઓને નિર્દોષ છોડી મૂકયા હતા.સજા પામેલા ૯ આરોપીઓએ મહારાષ્ટ્રની હાઈકોર્ટમાં અપીલ કરી હતી. ૯ પૈકીના ૪ જણાંને સજા કાયમ રાખીને બાકીના ૫ આરોપીઓને નિર્દોષ છોડી મૂકાયા હતા.

  • એન.આઈ.એ.ની ટીમે એક મહિના પહેલા મફત ગોહિલ નામના વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો હતો

બેસ્ટ બેકરીના વોન્ટેડ આરોપીઓની સને ૨૦૦૭ માં અજમેર ખાતે થયેલા બ્લાસ્ટના કેસમાં સંડોવણી છતી થઈ હતી. કેન્દ્રની નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ સમગ્ર મામલાની તપાસ સંભાળી લીધી હતી. રાજસ્થાન એ.ટી.એસ.ની ટીમે ગત નવેમ્બર ૨૦૧૦ માં આરોપી હર્ષદ રાવજી સોલંકીની ધરપકડ કરી હતી.જયારે મફત ઉર્ફે મેહુલ તાજેતરમાં ગત માર્ચ માસની ૭ મી તારીખે પકડાયો હતો.આ બન્ને આરોપીઓ હાલમાં જયપુરની જેલમાં છે.બાકી રહેલા વોન્ટેડ આરોપી પિતા જયંતી જામસીંગ ગોહિલ તથા પુત્ર રમેશ ગોહિલ વાઘોડિયા તાલુકાના કાશીપુરા ગામમાં રહે છે.તેવી એન.આઈ.એ.ની ટીમને બાતમી મળી હતી.

આરોપી પિતા પુત્રની આજે વહેલી સવારે કાશીપુરામાંથી ધરપકડ કરવામાં આવી હતી. શહેરના ડભોઈ રોડ વિસ્તારમાં રહેતા આરોપી જયંતીભાઈના ભત્રીજા જશવંત ગોહિલને એન.આઈ.એ. દ્વારા સવારે ધરપકડ અંગે સત્તાવાર રીતે જાણ કરવામાં આવી હતી. એન.આઈ.એ.ના અધિકારી આરોપીઓને અત્રેની કોર્ટમાં રજૂ કરીને ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને દિલ્હી લઈ જશે જયાં તેઓની પૂછપરછ કર્યા બાદ જયપુર ખાતેની હકુમત ધરાવતી કોર્ટમાં રજૂ કરશે.ઉલ્લેખનીય છે કે, સાંજે ૭ વાગ્યા સુધી આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા નહોતા, જેઓને ન્યાયાધીશના નિવાસસ્થાને રજૂ કરીને ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવામાં આવે તેની શકયતા છે.

 ભાણીના લગ્નમાં આવ્યા અને પકડાઈ ગયાં

છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતાં જયંતી જામસીંગ ગોહિલ અને પુત્ર રમેશ ગોહિલ ગુજરાતના વિવિધ ગામડાઓમાં ડેરા નાંખીને રહેતા હતા. છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા પિતા-પુત્ર વાઘોડિયા તાલુકાના કાશીપુરા ખાતે રહેતી ભાણીના લગ્નમાં મહાલવા માટે ગઈકાલે મોડીરાતે ૧૧-૩૦ વાગે આવ્યાં તાં.એન.આઈ.એ.ની ટીમ તથા પેરોલ ફર્લો સ્કવોડે બાતમીના આધારે છાપો મારીને બન્ને જણાંની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.

 હર્ષદ અને રમેશે વિસ્ફોટકો પેકિંગ કર્યા અને મફતે પ્લાન્ટ કર્યાનો આરોપ

બેસ્ટ બેકરી કાંડના વોન્ટેડ ચારેવ વોન્ટેડ આરોપીઓ ઝડપાઈ ચૂકયા છે. આ પૂર્વે હર્ષદ રાવજી સોલંકી તથા મફત ઉર્ફે મેહુલ ગોહિલને ઝડપી પાડવામાં આવ્યા હતા. એન.આઈ.એ.ના આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેસ્ટ બેકરીના વોન્ટેડ આરોપીઓ મધ્ય પ્રદેશના દેવાસમાં સુનીલ જોષી પાસે ગયા હતા.જયાં આશરો લઈને તેમની સાથે મળીને કાવતરૂ ઘડયું હતું.અજમેરમાં થયેલા બ્લાસ્ટના પ્રકરણમાં હર્ષદ તથા રમેશ સામે વિસ્ફોટકોનું પેકિંગ કરવાનો આરોપ છે. જયારે મફત ઉર્ફે મેહુલ સામે બોમ્બ પ્લાન્ટ કરવાનો આરોપ છે.

 જયંતીના પરિવારજનોની હાલત કફોડી

આરોપી જયંતી જામસીંગ ગોહિલના કૌટુંબિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે જયંતીભાઈ ગાજરાવાડી સુએજ પંપિંગ સ્ટેશનમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતાં. જયારે તેમનો પુત્ર રમેશ છૂટક મજૂરી કરતો હતો. છેલ્લાં કેટલાક વર્ષોથી વોન્ટેડ પિતા પુત્રનો તેમની પરિવાર સાથે સંપર્કો તૂટી ગયા છે. જયંતીભાઈની પત્ની અને બીજા પુત્રની હાલત કફોડી છે. જયંતીભાઈની પત્ની બંગલાઓમાં કામ કરે છે. જયારે બીજો પુત્ર બૂટ ચંપલની દુકાનમાં મજૂરી કરે છે. ટૂંકી આવકમાં તેમનું ઘર ચાલે છે. તેમના મકાનના પતરા પણ સડી ગયા છે. ઉનાળામાં તડકો સીધો ઘરમાં આવે છે અને ચોમાસામાં પાણીની ધાર વહે છે.પરિવારમાં કોઇ કમાનાર રહ્યું નહીં હોવાથી બે ટંક ખાવાના પણ ફાંફા પડી રહ્યાં છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com