180X600.jpg
Jul 28,2016 11:44:46 PM IST
 

લેક ટિટિસીનું અતાગ ઊંડાણ અને ધમધોકાર ધોધ ર્હાઈન ફોલ્સ

Aug 31, 2013 21:05 Supplements >
 
comment     E-Mail     Print    
 
Viewed: 3510
Rate: 4.2
Rating:
Bookmark The Article

પ્રવાસ - ડો. ભારતી રાણે

બ્લેક ફોરેસ્ટના લેક ટટિસીના ઊંડાણ વિશે અનેક વાયકા અને મતમતાંતર છે.

 ૭૫ ફૂટ ઊંચેથી એક સેકન્ડમાં પચ્ચીસ હજાર ઘનફૂટ પાણી ફેંકતો યુરોપનો ર્હાઈન ફોલ્સ શ્વાસને થંભાવી દે તેટલો ભવ્ય છે!

યુગો પહેલાંની વાતઃ બ્લેક ફોરેસ્ટનું જંગલ ત્યારે અતિશય દુર્ગમ હતું. તેમાં વસતા જૂજ વનવાસીઓ ને રડયાખડયા તપસ્વી સાધુઓ સિવાય બીજો કોઈ કાળા માથાનો માનવી એમાં પ્રવેશતાં થરથરતો. કોઈ સેવાભાવી પાદરીએ આ ઘનઘોર બિહામણા વનની છેક અંદર એક મઠની સ્થાપના કરી. પછી તો આ મઠની આસપાસ એક નગરી વસી. નગરીનું ઐશ્વર્ય અજોડ હતું. ત્યાં વસતા લોકો ખૂબ સમૃદ્ધ હતા. ધનવાન હોવાની સાથેસાથે જ એ લોકો પરમ સદાચારી હતા. સૌ ઈશ્વરથી ડરીને ચાલતા ને નીતિનિયમનું પાલન કરતા. પછી એક સમય એવો આવ્યો કે ધીરે ધીરે લોકોમાં ઘમંડ આવવા લાગ્યો. તુમાખીમાં ને તુમાખીમાં ભાન ભૂલેલા એ લોકોએ એક દિવસ અન્નદેવતાનો અનાદર કર્યો. એમણે રોટલાને પગરખાંના આકારમાં કાપીને પગમાં પહેર્યાને બાકીના ટુકડા પશુઓને ખાવા નાખ્યા. અન્નના આવા અનાદરથી કુદરત કોપાયમાન થઈ ગઈ. ગામમાં અનરાધાર વરસાદ વરસવો શરૂ થયો. સર્વત્ર જળબંબાકાર થઈ ગયો. વણથંભી આ અતિવૃષ્ટિમાં માણસો, પશુ સહિત આખું ગામ, સીમ, ઘર, બાર, દેવળ, દેવળના મિનારા બધું પાણીમાં ડૂબી ગયું અને ઘનઘોર જંગલની વચ્ચે એક અતાગ ઊંડાણવાળું સરોવર રચાયું. બસ, આ સરોવર તે જ લેક ટિટિસી. અલબત્ત, આ તો એક લોકવાયકા છે. અનેક લોકવાયકાઓથી વધુ રહસ્યમય બનતું આ સરોવર એટલું ઊંડું છે કે હજી હમણાં સુધી તો એના ઊંડાણને માપી જ શકાયું નહોતું. એનું ઊંડાણ માપવાની કોશિશ કરનાર પર સરોવર નારાજ થઈ જાય છે, એવો વહેમ પણ પ્રવર્તતો હતો. આજે ટેક્નોલોજીના વિકાસ પછી પણ વિદ્વાનોમાં એનાં ઊંડાણ અંગે મતમતાંતર છે. આમ તો દક્ષિણ બ્લેક ફોરેસ્ટના પર્વતીય પ્રદેશમાં અનેક નાનાં મોટાં સરોવર રચાયેલાં છે, પણ ફેલ્ડબર્ગની હિમનદીએ કોતરેલી ખીણમાં ચાર પર્વતો ને ચાર ખીણોથી ઘેરાયેલું, બે કિલોમીટર લાંબું ને ૭૫૦ મીટર પહોળું, આ લેક ટિટિસી અત્યંત લોકપ્રિય છે. રોજ પ્રવાસીઓનાં ટોળેટોળાં અહીં ઉમટી આવે છે. કહેવાય છે કે રોમન સરસેનાપતિ ટાઇટસે આ સરોવરને તીરે પડાવ કર્યો, ત્યારથી આ ટાઇટસના નામ પરથી સરોવરનું નામ લેક ટિટિસી પડયું. અમે પણ એક દિવસ શ્યામ અરણ્યને ખૂંદતાં-ખૂંદતાં આ ભૂરાભૂરા સરોવરને કિનારે જઈ ચડયાં. પર્વતોના ઢોળાવો પર અંકાયેલી તડકાની કાંસાવરણી કેડી પરથી ફેરફુદરડી ફરતી દોડી આવતી હવાની લહેરખીઓ સરોવરનાં પાણી પર કુંડાળાં પાડતી હતી. કિનારાને વીંટળાયેલા રસ્તે દૂર સુધી એકેય માણસ દેખાતો નહોતો. કિનારે ઠેરઠેર લાકડાનાં નાનાં નાનાં ઘરો હતાં, જેમની બારીની છાજલીઓમાં ને ગેલેરીની ક્યારીઓમાં રંગબેરંગી ફૂલો ઉગાડેલાં હતાં. હજી માણસ ઊઠયો નથી, તેની ખુશીમાં નિશ્ચિત ફૂલો જાણે પ્રફુલ્લિત હતાં. આખા સરોવરની પ્રદક્ષિણા કરવી હોય તો દોઢેક કલાક લાગે. કહે છે કે, સરોવર કિનારે દૂર એક કિલ્લો છે એના ઉત્તર તરફના પ્રાંગણમાં, કોંક્રિટની ફરસ પર, એક પગલું અંકાયેલું છે. આ પગલાનીય અનેક વાયકા છે. એક દંતકથા છે કે, એક વાર આ કિલ્લામાં ભયંકર મોટી આગ લાગેલી. આગમાં લપેટાયેલા કિલ્લામાંથી રાજકુમારીને બચાવનાર એક દરબારીનું એ પગલું છે. તો કોઈ વળી કહે છે કે, એ તો રાણીને કોઈ સાથે પ્રેમ થઈ ગયેલો. એક વાર રાજા ત્યાં જઈ પહોંચતાં રાણીનો પ્રેમી બારી કૂદીને ભાગ્યો, તેનું પગલું છે આ! કિલ્લા સુધી જવું શક્ય નહોતું. અમે તો બસ, બે એક કિલોમીટર ચાલીને જેટ્ટી પર પાછાં ફર્યાં. સરોવરનાં પાણી હવે નૌકાઓને આવકારવા તૈયાર હતાં. સહેલાણીઓની ભીડ નહોતી, એટલે સરોવરને નિરાંતે મળાયું. હરિયાળા પર્વતોના પડછાયા ઝીલતાં સ્વચ્છ નીલ જળ અને કિનારે લંબાતી કેડીની સુંદરતા સાથે આ પહેલી ને છેલ્લી જ મુલાકાત! બીજી વાર ટિટિસી ગયાં ત્યારે તો સહેલાણીઓનો એવો મેળાવડો જામેલો હતો કે, બાંકડે બેસવાનીય ઇચ્છા ન થઈ! આ કુદરતનેય માણસનો ભાર કે ભય નહીં લાગતો હોય?

દિવસ હજી બાકી હતો. કોઈ કલ્પનાલોક જેવા વિસ્મયકારક એ વનપ્રદેશ વિશે કેટકેટલી વાતો સાંભળી હતી! સાંભળ્યું હતું કે, આજે જ્યાં કિર્ચેનઝાર્ટેન ગામ છે, ત્યાં એક જમાનામાં દુર્ગમ જંગલો હતાં અને ત્યાં એક રેલવે સ્ટેશન હતું. હિમ્મેર્લેઇચ (હેવન) અર્થાત્ સ્વર્ગ! ફોલ્કેન્સ્ટેઇગ દુર્ગના ધ્વસ્ત અવશેષ પાસે 'સ્ટેગ્ઝ લીપ' નામની એક જગ્યા છે, જ્યાં સીધી દીવાલ જેવી ઊંચી કરાડ પર હરણનું બ્રોન્ઝમાંથી બનાવેલું શિલ્પ ઊભેલું છે. ખરેખર તો એ પૂતળું, એક હરણ મહાશયે અહીંથી સાચેસાચ મારેલા કૂદકાની યાદમાં મૂકવામાં આવેલું છે!

નકશો કહી રહ્યો હતો કે, સ્વિટર્ઝલેન્ડની સરહદ પણ ખાસ દૂર નહોતી. ર્હાઇનનું રૌદ્ર રૂપ જોવું હોય તો આજે જ સ્વિટર્ઝલેન્ડના શોફફહોસન સુધી જઈ શકાય તેમ હતું. આમ મહાબળવાન ધોધ-ર્હાઇન ફોલ્સની મુલાકાત પણ અંતે થઈ જ ગઈ! ૧૪૦૦૦થી ૧૭૦૦૦ વર્ષ પૂર્વે અંતિમ હિમયુગમાં રચાયેલો આ જળપ્રપાત યુરોપનો સૌથી મોટો ધોધ છે. ર્હાઇનની વિપુલ જળરાશિ અહીં ભીષણ પ્રપાતરૂપે પછડાય છે. ૭૫ ફૂટ ઊંચેથી એક સેકન્ડમાં પચ્ચીસ હજાર ઘનફૂટ પાણી ફેંકતો આ ધોધ શ્વાસને થંભાવી દે તેટલો ભવ્ય છે! ધસમસતાં વહી જતાં પાણીને અનુભવવા માટે ધોધની તળેટીમાં પાણીની સાવ નજીક એક વ્યૂંઇગ ગેલેરી બનાવેલી છે. અહીંથી ધોધની ઉપર તોળાતો કિલ્લો-શ્લોશ લોફેન, જળશીકરોએ ઉછાળેલા ધુમ્મસમાં તરતું ગામ અને નીચે ફરી ડાહીડમરી થઇને વહી જતી ર્હાઇન એક અનુપમ ચિત્ર રચે છે.

brr@dzinerholidays.com
 
Share This
 
 
   

 
Columns/Editorial
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com