180X600.jpg
Jul 23,2016 10:26:56 PM IST
 

OFFICE POLITICS - અવગણો અને આગળ વધો

Sep 02, 2013 21:15 Supplements >
 
comment     E-Mail     Print    
 
Viewed: 3133
Rate: 5.0
Rating:
Bookmark The Article

કવર સ્ટોરી - ડાલી જાની

ઓફિસ પોલિટિક્સ દરેક ઓફિસની નક્કર વાસ્તવિકતા છે, જેને આપણે નકારી નથી શકતાં. ગોસિપ, બેકબિટિંગ, જેલસી જેવા શબ્દો દરેક ઓફિસમાં સાકાર થતા જોવા મળે છે. જ્યાં એક કરતાં વધુ લોકો કામ કરતા હોય ત્યાં પોલિટિક્સ તો રહેવાનું જ છે. અમુક ઓફિસમાં તો પોલિટિક્સ એ હદ સુધી વધારે હોય છે કે ત્યાં કામ કરવું પણ શક્ય નથી હોતું. આવી પરિસ્થિતિમાં મૂંઝવણ પણ વધી જતી હોય છે. ગંદા પોલિટિક્સનો સામનો કરીને કરિયરમાં કઈ રીતે આગળ વધવું એવા પણ સવાલો મૂંઝવતા હોય છે. આગળ વધવા માટે આવા ન્યુસન્સથી દૂર રહેવામાં જ ભલાઈ છે

કોઈ પણ સ્થળ, જ્યાં એક કરતાં વધુ લોકો કામ કરતા હોય ત્યાં કામ કરતા ગોસિપ, બેકબિટિંગ અને એકબીજાને કેવી રીતે ઉતારી પાડવા એના ઉપર વધુ ધ્યાન આપવામાં આવતું હોય છે. ઓફિસ પોલિટિક્સ તો દરેક ઓફિસમાં રહેવાનું જ, પરંતુ જો તમારી આજુબાજુમાં પણ આ પ્રકારનું જ પોલિટિક્સ ચાલી રહ્યું હોય તો એવામાં ઓફિસ પોલિટિક્સથી દૂર રહેવું જોઈએ, જેથી તમારા કામ ઉપર તેની નકારાત્મક અસર ન પડે. કેવી રીતે? ચાલો જાણીએ...

સારા નિરીક્ષક બનો

ઓફિસમાં જુદા-જુદા પ્રકારના લોકો હોય છે, જેની સાથે તમારે દરરોજ કામ કરવાનું હોય છે. એવામાં કઈ વ્યક્તિ શું વિચારે છે અને તેનો સ્વભાવ કેવા પ્રકારનો છે એ જાણવાનો પ્રયાસ કરો. આ સાથે જ તમે તમારા કામમાં એટલા પણ મગ્ન ન થઈ જાવ કે તમારી આજુબાજુમાં શું ચાલી રહ્યું છે તેની પણ તમને જાણ ન હોય. એવું જરૂરી નથી હોતું કે ઓફિસમાં થતી તમામ ગોસિપ વ્યર્થ અને અર્થહીન હોય.

 ક્યારેક ઓફિસ ગોસિપમાંથી ઘણાં એવાં સિક્રેટ્સ પણ જાણવા મળતાં હોય છે. એક સારા નિરીક્ષક તરીકે ઓફિસ ગોસિપનો ભાગ બનો, પરંતુ એની ચર્ચા અન્ય કોઈ પણ જગ્યાએ ન કરવી. ઓફિસ ગોસિપથી તમે તમારી જાતને અપડેટ પણ કરી શકો છો.

કોઈનો પક્ષ ન લો

ઓફિસમાં ક્યારેય પણ કોઈનો પક્ષ ન લેવો. દરેક વ્યક્તિ સાથે એકસરખો અને સંતુલિત વ્યવહાર રાખો. ભવિષ્યમાં કઈ વ્યક્તિ તમારી બોસ બની તમારી સામે આવી જાય અને તમારે કોની સાથે કામ કરવું પડે એ કોઈને ખબર નથી હોતી. જીવનમાં દરેક વ્યક્તિ સાથે સારા સંબંધો બનાવીને રાખો. કોઈ પણ વ્યક્તિની વધુ પડતી સાઇડ ન લો. આવું કરવાથી તમે માત્ર તમારા દુશ્મનોની સંખ્યામાં વધારો જ કરો છો. દરેક વ્યક્તિ સાથે સારા સંબંધ બનાવવાનો અર્થ એવો પણ નથી કે તમે બધાની ચાપલૂસી કરવા લાગો, પરંતુ બિનજરૂરી વાણી-વર્તનથી બચવું કારકિર્દી માટે હિતાવહ છે.

પ્રોફેશનલ વલણ અપનાવો

કોઈ પણ ઓફિસમાં કામ કરવા માટે ઓફિસ એટિટયૂડ અપનાવવું જરૂરી છે. ઓફિસમાં કોઈ બનાવ અથવા ઘટના બનતી હોય તો એને ક્યારેય તમારા અંગત જીવન સાથે ન જોડો. ઓફિસમાં તમારો એટિટયૂડ પ્રોફેશનલ હોવો બહુ જ જરૂરી છે. ઓફિસ પર કારણ વિનાની ચર્ચાથી દૂર રહેવાની કોશિશ કરો, જેથી તમે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના ઓફિસ વિવાદમાં સંડોવાવ નહીં. ઓફિસમાં કોઈ તમારા હિતેચ્છુ નથી, બધા જ માત્ર કામ કરવા આવ્યા છે, માટે કોઈ ઉપર વિશ્વાસ કરી અન્ય કોઈ પણ પ્રકારની ખોટી ચર્ચાઓ ન કરો.

ગોસિપથી દૂર રહો

ઓફિસના વાતાવરણને જો કોઈ ખરાબ કરતું હોય તો તે માત્ર ને માત્ર ઓફિસ ગોસિપ જ છે એટલે બને ત્યાં સુધી ઓફિસ ગોસિપથી દૂર રહેવાનો પ્રયત્ન કરો. જો તમે ઓફિસ ગોસિપને અવોઇડ ન કરી શકતા હોવ તો જ્યારે તમારા અન્ય સહકર્મી ઓફિસના ફ્રી અવરમાં આજુબાજુના લોકોની ગોસિપ કરી રહ્યાં હોય ત્યારે તમે ગોસિપના મુદ્દાને બદલવાનો પ્રયાસ કરો. જેમ કે, જો તમારા સહકર્મીઓ તમારા કોઈ અન્ય સહકર્મીની વ્યક્તિગત સમસ્યા વિશે વાત કરી રહ્યાં હોય ત્યારે તમે એને એન્જોય કરવાની જગ્યાએ એ સહકર્મીક ને કેવી રીતે મદદરૂપ બની શકાય તેના વિશે ચર્ચા કરો. આવું કરવાથી તમે ગોસિપથી અમુક હદે દૂર રહી શકશો.

અસલામતી ન અનુભવો

ઘણા લોકો ઓફિસમાં પોતાના સહકર્મીઓની પ્રગતિ જોઈ અસલામતી અનુભવતા હોય છે. એના લીધે બધાથી દૂર રહેવા લાગે છે અને જે તે વ્યક્તિની પીઠ પાછળ તેના વિશે ખોટી અફવાઓ ફેલાવતા હોય છે. અસલામતીની ભાવનામાં કોઈનામાં ખામી ન શોધો. દરેક વ્યક્તિમાં અલગ-અલગ પ્રતિભા હોય છે.

ગુપ્તચરોથી સાવધાન

મોટી-મોટી ઓફિસોમાં અને કંપનીઓમાં બોસ પોતાના જ સ્ટાફમાંથી કોઈ એક વ્યક્તિને ઓફિસની તમામ ગતિવિધિઓ ઉપર નજર રાખવા માટે કહેતા હોય છે. બોસનો આ ગુપ્તચર સ્ટાફના તમામ લોકો કામ સિવાય અન્ય કઈ કઈ અને કયા કયા પ્રકારની વાતો અને ચર્ચાઓ કરતા હોય છે તેની માહિતી બોસ સુધી પહોંચાડવાનું કામ કરતો હોય છે. આ ગુપ્તચર ઓફિસમાં કેવી ગોસિપ અને પોલિટિક્સ થાય છે તેની વિગતો બોસને સમયે સમયે આપતો રહે છે. જો તમે પણ ઓફિસમાં થતી ગોસિપનો ભાગ બનતા હોવ તો અત્યારે જ સાવધાન થઈ જાઓ. ક્યાંક એવું ન થાય કે તમારા બોસનો આ ગુપ્તચર તમારા અંગેની કોઈ એવી ગોસિપ તમારા બોસ સુધી પહોંચાડી દે, જેનાથી તમારી જોબ મુશ્કેલીમાં મુકાઈ જાય.

છેલ્લે તો કામ જ બોલશે!

ઓફિસમાં ગમે તેટલું પોલિટિક્સ ચાલતું હોય, લોકો એકબીજાની પીઠ પાછળ ખોદણી કરતા હોય, ઈર્ષ્યા કરતા હોય અથવા તમને કારકિર્દીમાં આગળ વધવા માટે બાધા બનતા હોય, પણ છેલ્લે તો તમારું કરેલું કામ જ બોલવાનું છે. કોઈ કવિએ કહ્યું છે, "મુદ્દતે લાખ બુરા ચાહે તો ક્યા હોતા હૈ, વહી હોતા હૈ જો મંજૂરે ખુદા હોતા હૈ." કોઈ તમારું ગમે એટલું ખરાબ કરવાની કોશિશ કરે છેલ્લે તો તમારી મહેનત અને કામ જ રંગ લાવશે.

ઓફિસ પોલિટિક્સથી બચવા આટલું કરોઃ

ઓફિસ પોલિટિક્સને રોકવું અસંભવ છે, પરંતુ જો તમે તમારા વાણી-વ્યવહારમાં થોડા ઘણા ફેરફાર કરો તો તમે આ ઓફિસ પોલિટિક્સથી દૂર રહી શકો છો. ઓફિસ પોલિટિક્સ અથવા ઓફિસ ગોસિપ કારકિર્દી ઉપર એક નકારાત્મક અસર ઊભી કરે છે, માટે એનાથી દૂર રહેવું જ સલાહભર્યું છે. જો તમે પણ ઓફિસ પોલિટિક્સથી દૂર રહેવા ઇચ્છતા હોવ તો નીચે આપેલી આ ટિપ્સ અપનાવી જુઓ.

- તમારા બોસ અને તમારા સહકર્મીઓ સમક્ષ તમારા કામને ઉજાગર કરવાથી ક્યારેય ન ડરવું.

- પ્રતિસ્પર્ધી સહકર્મી ઉપર કાયમ નજર રાખવી, પરંતુ તેનાથી અસલામતી ન અનુભવવી.

- તમે જેવા છો એવા જ બનીને રહો તેમજ દરેક સહકર્મી સાથે સારા સંબંધો વિકસાવો.

- અન્ય સહકર્મીઓના કામમાં રોકટોક કરવાને બદલે પોતાના કામને વધુ સારું કેવી રીતે બનાવી શકાય તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો.

- તમારી આજુબાજુની ગતિવિધિઓ ઉપર નજર રાખો.

- ઓફિસની સિસ્ટમને બદલવાની ક્યારેય કોશિશ ન કરો, કારણ એક વ્યક્તિથી સિસ્ટમ નથી બદલાતી. જો તમે ઓફિસના વાતાવરણમાં કોશિશ કરવા છતાં મિક્સ ન થઈ શકતા હોવ તો તમે તમારી જોબ બદલી પણ શકો છો, જેથી ઓફિસના વાતાવરણની નકારાત્મક અસર તમારા ઉપર ન પડે.

dali.jani12@gmail.com
 
Share This
 
 
   

 
Columns/Editorial
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com