180X600.jpg
Jun 30,2016 02:02:44 PM IST
 

એક્વેરિયમની ABCD

Sep 03, 2013 19:25 Supplements >
 
comment     E-Mail     Print    
 
Viewed: 3358
Rate: 4.4
Rating:
Bookmark The Article

વિશેષ - ડો. યાસર રફીક

માછલીઘરનો શોખ ઘણા લોકોને હોય છે પણ જો હોબીની સાથે તેના યોગ્ય નોલેજને જોડવામાં ન આવે તો આપણો શોખ માછલી માટે જીવલેણ અને આપણા ઘર માટે ભારરૂપ સાબિત થઈ શકે છે. આવો, એના વિશે થોડું જાણીએ અને ઉકેલીએ માછલીઘરની મથામણોને

માછલીઓ પોતે જેમાં રહે છે, તે પાણી એટલે કે ત્યાંના પર્યાવરણ પર તેનું જીવન અવલંબિત હોય છે. પોતે જે પાણીમાં રહે છે તે પાણીમાંથી જ તેણે પ્રાણવાયુ મેળવવાનો હોય છે, પોતાને ટકવા માટેની જરૂરી ઊર્જા તથા હૂંફ પણ આ પાણીમાંથી જ મેળવવાનાં હોય છે અને તેમના શરીરમાંથી રોજબરોજ નિષ્કાસિત થતા કાર્બન અંગારવાયુ અને એમોનિયા વાયુનો કચરો પણ પાણીનો જ એક ભાગ બની રહે છે. સમસ્યા ત્યારે સર્જાય છે જ્યારે માછલીઘરનો શોખ ધરાવનાર દરેક વ્યક્તિ તેની યોગ્ય સારસંભાળની વૈજ્ઞાનિક માહિતી જાણતી નથી હોતી. જો અમુક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો જ માછલીઘર માછલીઓ માટે રહેવા યોગ્ય બનાવી શકાય છે અને આપણે પણ માછલીઘરનો આનંદ મેળવી શકીએ છીએ.

માછલીઘર બાબતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ
૧. માછલી કેટલી મોટી થશે?

માછલીઘર વસાવતી વખતે તમે જે માછલીઓ લો છો તે મોટી થઈને મહત્તમ કેટલા કદની થશે અને માછલીઘરમાં કેટલી માછલીઓ રાખી શકાશે તેની સ્પષ્ટ સમજ હોવી જોઈએ. પેંગાસસ કેટફિશ જેને એક્વેરિયમ અને માછલીનો વ્યવસાય કરનારા શાર્કના નામે વેચે છે, તે ૧ મીટર જેટલી મોટી થાય છે અને તે મોટા ભાગનાં ઘરમાં રાખવાના એક્વેરિયમ માટે સુયોગ્ય માનવામાં આવતી નથી.

૨. માછલીની જાતો અને તેમના સહજીવનની સમજ :

અમુક માછલીઓ તેના વિસ્તારના આધિપત્ય માટે અત્યંત સંવેદનશીલ હોય છે અને પોતાના વિસ્તારમાં અન્ય માછલીને સાંખી શકતી નથી. અમુક શિકારી વૃત્તિ ધરાવતી માછલીઓ અન્ય નાની માછલીઓને ખાઈ જતી હોય છે. વળી, અમુક માછલીઓ એકલી રહેવા તથા અમુક ટોળાંમાં રહેવા ટેવાયેલી હોય છે. જેમ કે, બેટ્ટા કે ફાઇટર તરીકે જાણીતી માછલી પોતાની જાતની જ અન્ય ફિશ સાથે રહી શકતી નથી જ્યારે ટેટ્રા અને બાર્બ જેવી માછલીઓ જૂથમાં રહેવાનું પસંદ કરે છે. તમે કઈ કઈ જાતો એકસાથે રાખી શકો છો તેની સ્પષ્ટ સમજ હોવી જોઈએ.

૩. માછલીઓને કેવી ગુણવત્તાનું પાણી અનુકૂળ રહેશે?

પ્રાકૃતિક અવસ્થામાં માછલીઓ વિવિધ પ્રકારનાં પાણીમાં જોવા મળે છે અને તેમને પ્રાકૃતિક અવસ્થા મુજબનું જ પાણી તથા વાતાવરણ માછલીઘરમાં પણ મળવું જોઇએ. ઉદાહરણ તરીકે ડિસ્કસ નામની માછલી સોફ્ટ (જે પાણીમાં ટીડીએસનું પ્રમાણ ઓછું હોય તેવું) એસિડિક પાણી (જે પાણીમાં પીએચ ૭ કરતાં ઓછું હોય)માં રહે છે અને જો તેમને ભારે પાણીમાં રાખવામાં આવે તો ખનિજો સંગ્રહિત થવાના કારણે તેમની કિડનીને હાનિ પહોંચે છે, જ્યારે માલાવી સીચલીડ્સ અલ્કેલાઇનયુક્ત (જે પાણીમાં ટીડીએસ તથા ૭ કરતાં વધારે પીએચ ધરાવતું પાણી) ભારે પાણીમાં ખૂબ જ મજાથી રહેશે.

૪. માછલીને કેવો ખોરાક જોઈએ?

ચોક્કસ પ્રકારની માછલીઓને ચોક્કસ પ્રકારનો ખોરાક જોઈએ છે અને નાની માછલીઓ પોતાનું મોં નાનું હોવાના કારણે ફૂડની ટીકડીઓ (પેલેટ્સ) ખાઈ શકતી નથી.

પાણીની ગુણવત્તા અને તેનું ફિલ્ટરેશન

એક માન્યતા એવી છે કે માછલીઘરમાં મૂકવામાં આવતી ઇલેક્ટ્રિક મોટરથી પાણીમાં થતો હવાનો ફુવારો પાણીમાં પ્રાણવાયુનું પ્રમાણ વધારે છે, પરંતુ હકીકતમાં તો પાણીમાં તથા આ પરપોટાઓના ફુવારાના કારણે પાણીની સપાટી પર થતું હલનચલન અને ઊથલપાથલ પાણીમાં પ્રાણવાયુ ભેળવવાનું કાર્ય કરે છે. પાણીમાં તળિયેથી સપાટ બંધ પરપોટા પાણીમાં પ્રાણવાયુ ભેળવી શકે તેટલો સમય પાણીના સંપર્કમાં રહેતા જ નથી.

માછલીઘર માછલીઓ માટે એક નાનકડા સ્વતંત્ર પર્યાવરણની ગરજ સારે છે, જેમાં પાણીની ગુણવત્તા જાળવવા અથવા પાણીની ગુણવત્તા બદલવામાં ફિલ્ટરેશન સિસ્ટમ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. માછલીના પેશાબ અને ચુઈ (ગીલ-શ્વાસ લેવાનું અંગ)થી નીકળતા નાઇટ્રોજનથી તથા માછલીઘરમાં રાખવામાં આવેલા છોડવામાં થતા સડા તથા વધારાના ખોરાકના સડાના કારણે પાણીમાં પેદા થતા એમોનિયા, નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ પાણીમાં છૂટે છે જેનું પ્રમાણ વધતાં માછલીઓ માટે જોખમ સર્જાય છે. માછલીઘરમાં આ ત્રણેય વસ્તુના સંતુલન માટે અભ્યાસમાં આવતા નાઇટ્રોજન સાઇકલ મહત્ત્વનો ભાગ ભજવે છે. ફિલ્ટરમાં રહેતા બેક્ટેરિયા આ ત્રણેય તત્ત્વોનું સંતુલન જાળવી રાખે છે.

નાઇટ્રોજનનાં આ ત્રણેય ઉત્પાદન સુયોગ્ય ફિલ્ટરેશન અને નિયમિત રીતે આંશિક પાણી બદલતા રહેવાથી તેનું સ્તર સ્થિર રહે છે. (માછલીઘરનું બધું પાણી બદલી નાંખવાથી ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. માછલીઓને માછલીઘરમાં મૂકતાં પહેલાં માછલીઘરની ફિલ્ટર સિસ્ટમ અને પાણીમાં ડૂબેલી રહેતી તમામ વસ્તુઓ પર જરૂરી બેક્ટેરિયા વિકસી શકે તે માટે અહીં જણાવ્યા મુજબની નાઇટ્રોજન સાઇકલ સ્થાપવી જરૂરી છે. માછલીઘરમાં નાઇટ્રોજન સાઇકલ સ્થપાય તે પહેલાં તેમાં માછલીને મૂકી દેવાથી પાણીમાં એમોનિયાનું પ્રમાણ ખૂબ વધી જશે,જે માછલીઓ માટે ઘાતક એવા ન્યૂ ટેન્ક સિન્ડ્રોમનું નિર્માણ કરે છે.

માછલીઘરમાં યોગ્ય ફિલ્ટરેશનના બે સૌથી મહત્ત્વનાં પાસાં કયાં ગણાય?

૧. ફિલ્ટરને ૨૪ કલાક સાતેય દિવસ એટલે કે કાયમ ચાલુ રાખવું.
૨. નિયમિત રીતે માછલીઘરનું પાણી આંશિક રીતે બદલી નાખવું.

બેક્ટેરિયાને ટકી રહેવા માટે પ્રાણવાયુથી ભરપૂર પાણી જરૂરી છે જેથી ફિલ્ટરને સતત ચાલુ રાખવું જરૂરી છે. બેક્ટેરિયાને જો લાંબો સમય પ્રાણવાયુ મળતો બંધ થઈ જાય તો તેમની સંખ્યા ઝડપથી ઘટી જાય અને ફિલ્ટરેશન પર અવળી અસર ઊભી થઈ શકે છે.

આંશિક રીતે નિયમિત ધોરણે પાણી બદલવાથી પાણીમાં જોખમી એવા એમોનિયા, નાઇટ્રેટ અને નાઇટ્રાઇટનું પ્રમાણ ઓછું થઈ જાય છે.

માછલીઘરની સારસંભાળમાં થતી સામાન્ય ભૂલો

૧. એક સાથે ૫૦ ટકા કરતાં વધારે પાણી બદલવું : તેના કારણે પાણીના PH લેવલમાં ભયજનક ઊથલપાથલ થઈ શકે છે ને તેના લીધે માછલીઓને નકારાત્મક અસર પહોંચી શકે છે. માછલી માછલીઘરના પાણીમાં આવેલા PH લેવલના તફાવતથી દૂર રહેવા માટે અત્યંત ઝડપથી તરતી જોવા મળે તે તેની વર્તણૂકમાં જોવા મળતું એક સામાન્ય પરિવર્તન છે, પરંતુ લોકો એવું માની બેસે છે કે નવું પાણી મળવાથી માછલીઓ ખુશખુશાલ છે અને પોતાનો આનંદ પ્રર્દિશત કરી રહી છે!

૨. ફિલ્ટરની અંદરની સ્પંજને તાજા પાણીમાં ધોવી : નળના તાજા પાણીમાં ક્લોરિન હોવાથી અને તાજા પાણીમાં ફિલ્ટરની સ્પંજ ધોવાથી પાણીના પી.એચ. ફેક્ટરમાં અચાનક આવતા બદલાવથી તેની અંદર વિકસેલા મોટા ભાગના બેક્ટેરિયાનો નાશ થાય છે. આંશિક પાણી બદલતી વખતે માછલીઘરમાંથી કાઢવામાં આવેલા પાણીથી જ ફિલ્ટરની અંદરની સ્પંજ એટલે કે ફિલ્ટર મીડિયાને સાફ કરવું જોઇએ.

૩. માછલીઘરમાં નળનું પાણી સીધું ભરવું : આમ કરવાથી પાણીમાં રહેલું ક્લોરિન માછલીની ગિલ (પાણીમાંથી ઓક્સિજન તારવવાનું કામ કરતું અંગ)ને નુકસાન થાય છે. નળના પાણીને ૨૪ કલાક માટે એક મોટા વાસણમાં ભરી રાખવાથી તેમાંનું ક્લોરીન ઊડી જાય છે અને શક્ય હોય તો તેમાં ક્લોરીન હટાવતું કેમિકલ પણ નાખી શકાય જે મોટાભાગનાં માછલીઘરનું વેચાણ કરતી દુકાનોમાં મળી જશે.

૪. માછલીઓને વધુ પડતો ખોરાક આપી દેવો : માછલીઓને એક દિવસમાં વધુમાં ૨-૩ વાર તેઓ ૩-૫ મિનિટમાં ખાઈ શકે તેટલી માત્રામાં જ ખોરાક આપવો જોઈએ, કારણ કે વધારાનો ખોરાક પાણીમાં પડી રહીને સડો પેદા કરશે અને તેનાથી પાણીમાં નાઇટ્રેટ, એમોનિયાનું પ્રમાણ વધી જશે.

૫. માછલીઘરની અંદરના ફિલ્ટરની ક્ષમતા કરતાં વધારે માછલીઓ મૂકવી : માછલીઘરના ફિલ્ટરને જો માત્ર એક માછલી માટે મેચ્યોર કરવામાં આવ્યું હોય તો જો એ જ કદની બીજી વધારાની માછલી મૂકવામાં આવે તો ફિલ્ટરની અંદરના બેક્ટેરિયા પરનો બોજ બમણો થઈ જશે અને તેઓ પાણીમાંના બગાડને કાબૂમાં રાખી શકશે નહીં અને નાઇટ્રોજન સાઇકલ પડી ભાંગશે.

૬. બાઉલમાં માછલી રાખવી : બાઉલમાં ફિલ્ટર સિસ્ટમ રાખી શકાતી નથી અને આવા બાઉલમાં માછલી વધુ સમય જીવતી રહેતી નથી. ઉદાહરણ તરીકે એક ગોલ્ડ ફિશનું આયુષ્ય સામાન્ય રીતે ૨૦ વર્ષ જેટલું હોય છે, પરંતુ આ જ ગોલ્ડ ફિશ જો બાઉલમાં હોય તો તેનું આયુષ્ય માત્ર ૨-૩ વર્ષનું જ રહેશે.

yasserafique@gmail.com
 
Share This
 
 
   

 
Columns/Editorial
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com