180X600.jpg
May 31,2016 01:11:29 PM IST
 

પ્રેમમાં બહુ પીડા સહન કરવી પડી (યૌવનની સમસ્યા)

Sep 03, 2013 19:48 Supplements >
 
comment     E-Mail     Print    
 
Viewed: 20005
Rate: 3.6
Rating:
Bookmark The Article

યૌવનની સમસ્યા - સોક્રેટિસ

હું દેવ સાથે જ લગ્ન કરવા મક્કમ છું ત્યારે માતા-પિતા મને કહે છે કે તેં અમારો વિશ્વાસ તોડયો છે, પણ તમે જ કહો કે કોઈને પ્રેમ કરવો એ શું ગુનો છે? તે મને કહે છે કે તું ખોટી જીદ કરે છે, પણ તેઓ મારી ફીલિંગ્સ નથી સમજતા

સોક્રેટિસજી,

મારું નામ સૌમિલ છે અને જેને હું મારી જિંદગીથી પણ વધુ ચાહુ છું તેનું નામ રેશ્મા છે. અમે બંને રાજકોટના રહેવાસી છીએ. અમારો પરિચય એક ખાનગી કંપનીમાં થયો, જ્યાં અમે બંને નોકરી કરતાં હતાં. પ્રારંભમાં અમારા વચ્ચે સામાન્ય વાતચીત થતી, પરંતુ અમારા સ્વભાવ અને વિચારોમાં ઘણી સામ્યતા છે એટલે અમે ટૂંકા ગાળામાં એકબીજાના અંગત દોસ્ત બની ગયાં. અમારી દોસ્તી દિવસે દિવસે ગાઢ બનતી ગઈ અને અચાનક જ અમને અહેસાસ થવા લાગ્યો કે બન્ને વચ્ચેની લાગણી એ માત્ર દોસ્તી નથી, અમારા હ્ય્દની ધડકન અમને જણાવવા લાગી હતી કે અમે એકબીજાને ચાહવા લાગ્યા છીએ. અમે એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. અમે સાથે સાથે જિંદગી જીવવાનાં ખ્વાબો જોવા લાગ્યા. પણ, અમારાં લગ્ન આડે જો સૌથી મોટી કોઈ સમસ્યા હોય તે અમારી અલગ અલગ જ્ઞાતિ છે. અમારા પ્રેમસંબંધો અંગે જાણતા ઘણા લોકોએ અમારી વચ્ચે ખટરાગ પેદા કરવા કે અમને જુદા પાડવા માટે ઘણી કોશિશો કરી છે, પણ અમારી બન્નેની પરસ્પરની સમજ અને વિશ્વાસને કારણે આજસુધી કોઈ અમને છૂટા પાડી શક્યું નથી.

થોડા મહિના પહેલા રેશ્માની જ્ઞાતિની એક વ્યક્તિ અમારા સંબંધોના સમર્થક તરીકે આગળ આવી હતી. એ ભાઈએ અમને વચન પણ આપેલું કે તમે બંને સાચો પ્રેમ કરો છો તેથી હું કોઈ પણ સંજોગોમાં તમારી મદદ કરીશ. તેમણે સામેથી જ આવી પહેલ કરેલી. અમને હતું કે આ ભાઈ અમને ભવિષ્યમાં જરૂર મદદરૂપ થશે. જોકે, તેમણે ધીમે ધીમે પોતાનો રંગ બદલ્યો. તેમણે રેશ્માના કાન ભંભેરવાનું શરૂ કર્યું કે હું સારો છોકરો નથી. હું એની સાથે પરણવાને લાયક નથી. પરંતુ, રેશ્માને મારા પર પૂરતો વિશ્વાસ હતો. તે પેલા ભાઈની વાતોમાં ન આવી. પેલા ભાઈ રેશ્માને મારા વિરુદ્ધ ચડાવવામાં નિષ્ફળ ગયા પછી તેમણે અમારા સંબંધો પર કુઠારાઘાત કરતું પગલું ભર્યું. તેમણે રેશ્માનાં મમ્મી-પપ્પાને અમારા સંબંધો અંગે પોતે જે કંઈ જાણતા હતા, એ બધી વાત કરી દીધી. તેમણે મારા વિશે પણ એલફેલ જ કહ્યું હશે, એની મને ખાતરી છે. હવે એ ભાઈ રેશ્માના સમાજમાં માન-પાન ધરાવે છે, એટલે તેનાં મમ્મી-પપ્પાએ પણ તેમણે કહેલી બધી વાતોને સાચી માની લીધી છે.

હું સોગંદ ખાઈને કહી શકું છું કે મેં મારી જિંદગીમાં રેશ્મા સિવાય બીજી કોઈ પણ છોકરી વિશે વિચાર્યું પણ નથી અને એ ભાઈની એકેય વાતમાં સત્ય નથી, પણ રેશ્માનાં મમ્મી-પપ્પાને મારી વાત પર તો વિશ્વાસ ક્યાંથી બેસે!

મેં રેશ્માને જીવનસાથી બનાવવા માટે ખૂબ જ મહેનત કરી છે. અમારો પ્રેમસંબંધ બંધાયો ત્યારે તો હું ટેમ્પરરી જોબ કરતો હતો, કારણ કે હું ત્યારે એન્જિનિયરનો અભ્યાસ કરતો હતો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મેં ખૂબ જ મહેનત કરી છે અને એક જ વર્ષમાં સારી કંપનીમાં જોબ મેળવી લીધી છે, જેથી રેશ્માનાં પપ્પા-મમ્મી અમારાં લગ્ન માટે રાજી થઈ જાય. રેશ્માએ પણ તેના ઘરે અમારા સંબંધો અંગે પેટછૂટી વાત કરી દીધી છે. મેં પણ મારાં ઘરે રેશ્મા સાથેના સંબંધોની વાત કરી છે. મારા ઘરેથી રેશ્માને સ્વીકારવામાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ રેશ્માનાં મમ્મી-પપ્પા અમારું કંઈ સાંભળવા તૈયાર નથી.

હું જેમ રેશ્માને મારી જિંદગીથી પણ વધુ ચાહુ છું તેમ જ તે પણ મને એટલો જ પ્રેમ કરે છે. અમે એકબીજા સાથે લગ્ન કરીને જિંદગી વિતાવવા માગીએ છીએ, પરંતુ અમે બંને કોર્ટ મેરેજ કરવા નથી માગતાં. અમે વડીલોની ઇચ્છાથી જ લગ્ન કરવા માગીએ છીએ. હું રેશ્માના વગર રહી શકતો નથી અને તે મારા વગર જીવી શકે એમ નથી, પણ આવા સંજોગોમાં શું કરવું તે જ સમજમાં નથી આવતું. હું રેશ્માનાં મમ્મી-પપ્પાને મનાવીને જ લગ્ન કરવા માગું છું. અલબત્ત, તેમને હું કઈ રીતે મનાવી શકું, એની મને સમજ જ નથી પડતી. મેં અને રેશ્માએ અમારા પ્રેમસંબંધો બાબતે બહુ જ પીડા સહન કરી છે. હવે અમારે શું કરવું? યોગ્ય સલાહ આપો.

- લિ. સૌમિલ,
પ્રિય સૌમિલ,

સંઘર્ષ વિના સફળતા મળતી નથી. કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે, કોઈ સિદ્ધિ હાંસલ કરવા માટે તમારે મહેનત કરવી પડે છે અને કેટલીક પીડાઓ પણ સહન કરવી પડે છે. પ્રેમના મામલામાં તો આપણા સમાજની માનસિકતા અને માહોલ હજી જૂનવાણી છે. એમાંય તો બે પ્રેમી જુદી જુદી જ્ઞાતિના હોય તો તો પૂરું થઈ ગયું! પરિવાર જ નહીં આખો સમાજ વિલનગીરી શરૂ કરી દેતો હોય છે. આપણા સમાજમાં જ્ઞાતિના વાડા પહેલાં કરતાં વધારે મજબૂત બન્યા છે. લોકોની માનસિકતા ઉદાર અને નિખાલસ બનવાને બદલે સંકુચિત અને દંભી બની છે, જેના કારણે માતા-પિતાની મુશ્કેલીઓ પણ વધી જતી હોય છે. તમે બન્ને સમજદાર છો અને મમ્મી-પપ્પાને નારાજ કરવા માગતા નથી, એ સારી વાત છે. દરેક દીકરા-દીકરીએ પોતાના પ્રેમ ખાતર માતા-પિતાને સહન કરવું પડે, એવું કશું ન જ કરવું જોઈએ. દીકરા-દીકરીને તો કોઈ કશું કહેતું નથી, પણ સમાજ તેમનાં કૃત્યોની સજા તેમનાં માતા-પિતાને આપતો હોય છે. તમારે પોતે જ રેશ્માના મમ્મી-પપ્પાને મળવું જોઈએ અને તેમને વિશ્વાસમાં લેવા જોઈએ કે તમે કોઈ પણ સંજોગોમાં ભાગીને લગ્ન નહીં કરો અને તમે જ્યાં સુધી સંમતિ નહીં આપો ત્યાં સુધી કુંવારા રહેશો. તેમને એકવાર ખાતરી થઈ જશે કે તેમની દીકરી પોતાના નિર્ણય પર મક્કમ છે, પછી તેઓ થોડા ઢીલા પડી શકે છે. વળી, એવું પણ બને કે રેશ્માનાં નાનાં ભાઈ કે બહેનનાં લગ્ન બાકી હોય તોપણ તેમને તેની ચિંતા હોઈ શકે એટલે તમે તેમનાં લગ્ન સુધી રાહ જોવાની પણ બાંહેધરી આપી શકો છો. કેટલાક જટિલ પ્રશ્નોનો ઘણી વાર સાવ સરળ ઉપાયોથી ઉકેલ આવી જતો હોય છે.

તમારા પ્રેમમાં દૃઢતા હશે અને તમે સમજદારીપૂર્વક આગળ વધશો તો એક દિવસ રેશ્માનાં માતા-પિતા જરૂર માની જશે અને જો છેલ્લે સુધી નહીં જ માને અને પછી તમે જો ભાગીને લગ્ન કરશો તોપણ તમારો તેમાં કોઈ દોષ નહીં ગણાય!                    

socrates.sandesh@gmail.com
 
Share This
 
 
   

 
Supplements
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com