180X600.jpg
Jul 26,2016 05:40:03 PM IST
 

સીરિયા @ વોર (દૂરબીન)

Sep 03, 2013 19:49 Supplements >
 
comment     E-Mail     Print    
 
Viewed: 8946
Rate: 4.7
Rating:
Bookmark The Article

દૂરબીન - કૃષ્ણકાંત ઉનડકટ

ન્યુક્લિઅર વેપનના મામલે ઈરાન અને ઉત્તર કોરિયા સામે બૂમબરાડા પાડીને પાણીમાં બેસી ગયેલું અમેરિકા સીરિયા પર આક્રમણ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ વખતે અમેરિકા ખરેખર લડી લેશે? અમેરિકાની જગત જમાદારી દાવ પર લાગી છે. જો યુદ્ધ થાય તો માંડ માંડ પાટે ચડતું અમેરિકાનું અર્થતંત્ર પાછું ગોટે ચડી જશે. પોણા ત્રણ વર્ષથી આંતરિક વિગ્રહનો ભોગ બનેલા સીરિયાના ભાવિ સામે અસંખ્ય પ્રશ્નાર્થો છે. સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદનો અંજામ પણ લીબિયાના કર્નલ મુઅમ્મર ગદ્દાફી જેવો થશે? સીરિયાના વિગ્રહમાં એક લાખથી વધુ લોકોનાં મોત થયાં છે. રાસાયણિક હથિયારોના ઉપયોગે સ્થિતિને વધુ ગંભીર અને ખતરનાક બનાવી દીધી છે. આખી દુનિયા વધુ એક યુદ્ધના કગાર પર ખડી છે. આ યુદ્ધ ભારત માટે પણ આકરું પડવાનું છે.

અમેરિકા, બ્રિટન અને તેના સાથી દેશો સીરિયા ઉપર આક્રમણ કરવાના મૂડમાં છે. સીરિયા પણ લડી લેવાની તૈયારી કરીને બેઠું છે. સીરિયાના આંતરવિગ્રહમાં રાસાયણિક હથિયારોના ઉપયોગે અમેરિકા, બ્રિટન, યુરોપિયન યુનિયનના દેશો સહિત આખી દુનિયા સામે જોખમો ખડાં કરી દીધાં છે. આ લખાય છે ત્યારે (તા. ૩૧ ને શનિવારે) યુનાઇટેડ નેશન્સની ટીમ સીરિયામાં રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ થયો છે કે કેમ? થયો છે તો કોણે કર્યો? તેની તપાસ કરી રહી છે. યુનો કોઈ નિર્ણય ઉપર આવે એ પહેલાં જ અમેરિકાએ એવું જાહેર કરી દીધું છે કે સીરિયામાં આંદોલનકારીઓ ઉપર રાષ્ટ્રપતિ બશર અલ અસદની સરકારે રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ કર્યો છે. સીરિયાએ તેનાં પરિણામો ભોગવવાં પડશે તેવી ચીમકી પણ અમેરિકાએ આપી દીધી છે. બ્રિટને તો યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ સમક્ષ સૈનિક કાર્યવાહીની માંગણી કરતો પ્રસ્તાવ પણ મૂકી દીધો છે. બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર ડેવિડ કેમરૂને તો ત્યાં સુધી કહી દીધું છે કે સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં સહમતિ ન બને તોપણ સૈનિક કાર્યવાહી થવી જોઈએ.

અમેરિકા, બ્રિટન અને સાથી દેશો યુદ્ધ માટે તૈયાર છે ત્યારે રશિયા અને ઈરાને અમેરિકાને ચેતવણી આપી છે કે તમે કંઈ કરશો તો અમે ચૂપ બેસી રહેવાના નથી. આ બધામાં સૌથી કફોડી હાલત સીરિયાના લોકોની છે. યુદ્ધથી બચવા માટે લોકો પલાયન કરી રહ્યા છે. બેન્કો અને એટીએમ સેન્ટર પર લોકોની ભીડ છે. જાણકારો કહે છે કે આ યુદ્ધ હવે નક્કી છે. અમેરિકા માટે આબરૂનો સવાલ થઈ ગયો છે. ઘણા લોકો તો આને વિશ્વયુદ્ધની શરૂઆત પણ કહે છે.

સિરિયન આંતરવિગ્રહનો આખો ઈશ્યૂ શું છે?

ડિસેમ્બર ૨૦૧૦માં આરબ સ્પ્રિંગની શરૂઆત થઈ. અમુક આરબ દેશોમાં સરકાર સામે વિદ્રોહ શરૂ થયો. સરકારોને ઉખેડી ફેંકવા લોકો મેદાનમાં આવી ગયા. સૌથી પહેલી શરૂઆત ટયુનિશિયાથી થઈ. ટયુનિશિયાની આગ વધુ આરબ કન્ટ્રીઝમાં ફેલાઈ. ઇજિપ્ત, યમન, લીબિયા, અલ્જેરિયા, જોર્ડન, બહેરિન, કુવૈત, લેબેનોન અને સીરિયામાં પણ હિંસક દેખાવો થયા. ટયુનિશિયા, ઇજિપ્ત, લીબિયા અને યમનમાં સરકાર ફેંકાઈ ગઈ. આ સમયથી સીરિયા આંતરવિગ્રહની આગમાં હોમાયેલું છે.

સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદની સરકાર ઊથલાવવા લોકો રોડ પર ઊતરી આવ્યા. સરકારે જરાય નમતું ન જોખ્યું. વિદ્રોહીઓનો સામનો કર્યો. વિરોધી અમ્બ્રેલા ગ્રૂપ દ્વારા અલ્ટરનેટિવ ગવર્નમેન્ટની રચના કરાઈ. વિદ્રોહીઓને અમેરિકા અને બીજા દેશો મદદ કરે છે તેવા આક્ષેપો થયા. આરબ લીગે પણ બશર અલ અસદને રાજીનામું આપવા કહ્યું. બશરે સત્તા ન છોડી એટલે સીરિયાને આરબ લીગમાંથી બાકાત કરાયું.

અમેરિકાને પહેલેથી શંકા હતી જ કે સીરિયા આતંકવાદીઓને મદદ કરી રહ્યું છે. સીરિયા પાસે રાસાયણિક હથિયારો છે. આ હથિયારો આતંકવાદીઓના હાથમાં આવી જાય તો આતંકવાદીઓ ખાનાખરાબી સર્જી શકે છે. યુનાઇટેડ નેશન્સે સીરિયા સામે પ્રતિબંધો લાદ્યા, તોપણ બશર અલ અસદ ટસના મસ ન થયા. સીરિયાના વિદ્રોહમાં એક લાખથી વધુ લોકો માર્યા ગયા છે. સાચો આંકડો તો બહાર આવ્યો નથી.

રાસાયણિક હથિયારોનો ઉપયોગ કોણે કર્યો?

ગઈ ૨૧મી ઓગસ્ટે સીરિયામાં થયેલા હુમલાઓ દરમિયાન રાસાયણિક હથિયારોનો ઉપયોગ થયો. આ હુમલા બાદ સેંકડો લોકો ટપોટપ મરવા લાગ્યા. આખી દુનિયામાં હોબાળો મચી ગયો. એમ તો ગત માર્ચ મહિનામાં પણ સીરિયામાં રાસાયણિક શસ્ત્રનો ઉપયોગ થયો હોવાનું કહેવાય છે. જોકે આ હુમલો વિદ્રોહીઓએ કર્યો છે તેવો બચાવ રાષ્ટ્રપતિ બશરે કર્યો હતો. હવે આ હુમલાનો આરોપ ખુદ રાષ્ટ્રપતિ બશરની સરકાર પર છે. બશર અલ અસદ ના પાડે છે અને અમેરિકા ઉપર સામો આક્ષેપ કરે છે કે અમેરિકા તેને બદનામ કરી રહ્યું છે.

સીરિયા એવા સાત દેશોમાં સામેલ છે જે ૧૯૯૭ની રાસાયણિક હથિયારો પર પ્રતિબંધ લગાવવાની સમજૂતીમાં જોડાયું નથી. સીરિયા પાસે ખતરનાક રાસાયણિક મસ્ટર્ડ ગેસ અને સરીન નર્વ ગેસનો ભંડાર છે. આ શસ્ત્રોના દુરુપયોગનો ભય અમેરિકાને સતાવે છે. હવે સીરિયાના લોકો ઉપર જ રાસાયણિક શસ્ત્રોના ઉપયોગનો આરોપ મૂકીને અમેરિકા લડવા ઉપર ઊતર્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ એક વર્ષ અગાઉ જ ચેતવણી આપી હતી કે જો સીરિયામાં રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ થયો તો તેનાં પરિણામ સારાં નહીં આવે. સીરિયા કહે છે કે અમેરિકાના આક્ષેપો ખોટા છે. કોઈ દેશ પોતાના નાગરિકો ઉપર જ રાસાયણિક હથિયારોનો ઉપયોગ ન કરી શકે. યુનોની ટીમ સત્ય શોધવા તપાસ કરી રહી છે. જોકે હવે અમેરિકા અને બ્રિટન યુનોને ગણકાર્યા વગર લડી લેવાની તૈયારી કરી રહ્યા છે.

યુદ્ધ થાય તો કોણ કોના પક્ષે?

રશિયાએ અમેરિકાને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે જો સીરિયા પર હુમલો કર્યો તો અમે ચૂપ નહીં બેસીએ. યુગોસ્લોવિયા અને ઇરાક પર હુમલા વખતે અમે ચૂપ રહ્યા હતા, પણ હવે જો તમે એમ સમજશો કે અમે કંઈ નહીં કહીએ તો એ તમારી ભૂલ હશે. સીરિયાએ પણ કહ્યું છે કે અમેરિકા સીરિયાને લીબિયા ન સમજે. ઈરાને પણ અમેરિકાને યુદ્ધથી દૂર રહેવા ચેતવ્યા છે.

અમેરિકા સાથે બ્રિટન, યુરોપિયન યુનિયનના દેશો અને બીજા સાથી દેશો છે, તો સીરિયા સાથે રશિયા, ઈરાન અને બીજા થોડાક મિત્ર દેશો છે. ચીનની પણ સીરિયા પ્રત્યે કૂણી લાગણી છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે સીરિયા રશિયા અને ચીન પાસેથી મોટા પ્રમાણમાં હથિયારોની ખરીદી કરે છે. અમેરિકા પાસે સીરિયા તો બચ્ચું ગણાય, પણ તેની સાથે ઊભેલા દેશો અમેરિકા માટે ઉપાધિરૂપ સાબિત થઈ શકે છે. રશિયાએ તો ત્યાં સુધી કહ્યું છે કે જો અમેરિકાએ હુમલો કર્યો તો આખી દુનિયામાં આતંકવાદમાં ઉછાળો આવશે અને તેની સૌથી વધુ કિંમત અમેરિકાને ચૂકવવી પડશે.

અમેરિકા માટે આબરૂનો સવાલ

અમેરિકાનું અર્થતંત્ર કારમી મંદી પછી માંડ માંડ પાટે ચડી રહ્યું છે. બ્રિટનની હાલત પણ સારી નથી. યુરોપિયન યુનિયનના દેશોના અર્થતંત્ર તો ડચકાં ખાઈ રહ્યાં છે. અમુક દેશોએ તો સત્તાવાર રીતે દેવાળું ફૂંક્યું છે. નાણાંની બચત થાય એટલા માટે તો અમેરિકાએ ઇરાકમાંથી પોતાની સેનાને પાછી ખેંચી લીધી. અફઘાનિસ્તાનમાંથી પણ ૨૦૧૪માં હટી જવાની જાહેરાત કરી દીધી છે. અમેરિકાએ અર્થતંત્રને બચાવવા સૈન્ય ખર્ચમાં વધુ ખર્ચ ન થાય તેની તકેદારી રાખી છે.

છેલ્લા થોડાક સમયમાં બે દેશોએ અમેરિકા સામે બાંયો ચડાવી હતી. ઈરાન ન્યુક્લિઅર શસ્ત્રો બનાવી રહ્યું છે એવું કહી અમેરિકાએ ધમપછાડા કર્યા અને યુદ્ધની વાતો પણ કહી. ઉત્તર કોરિયા સાથે પણ આવું જ થયું. ઉત્તર કોરિયા તો પાછું સામે લડવા તૈયાર થઈ ગયું. અમેરિકા સામે મિસાઇલ્સ પણ તાકી દીધી તોપણ અમેરિકા ગમ ખાઈ ગયું. અમેરિકા સમજે છે કે જો યુદ્ધ થશે તો હાલત ખરાબ થઈ જશે. મંદીનો માર પાછો લાગશે અને હવે અમેરિકા એ સહન નહીં કરી શકે.

હવે સીરિયાના મુદ્દે અમેરિકા સામે નવી ચેલેન્જ આવી છે. અમેરિકા અને બ્રિટને લડવાની તૈયારી ભલે કરી લીધી હોય પણ અંદરખાને તો અમેરિકાને પણ ચિંતા છે જ કે અર્થતંત્ર પાછું ખાડામાં ઊતરી જશે. જોકે હવે સવાલ અમેરિકાની આબરૂનો થઈ ગયો છે. દર વખતે હાકલ પડકારા કરીને પાણીમાં બેસી જાય તો અમેરિકાનું સુપર પાવરના દાવાઓનું સુરસુરિયું થઈ જાય. પોતાની ધાક કાયમ રાખવા પણ અમેરિકા યુદ્ધનું જોખમ લે તેની પૂરી શક્યતાઓ છે.

સીરિયા અને તેના રાષ્ટ્રપતિ બશર અલ અસદ

સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદની સ્થિતિ પણ આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી જેવી જ થઈ હતી. રાજીવની જેમ બશરને પણ રાજકારણમાં આવવું જ ન હતું. નસીબ તેને રાજકારણમાં ઢસડી લાવ્યું. બશરને તો આંખના ડોક્ટર થવું હતું, પણ બની ગયા રાષ્ટ્રપતિ.

બશરના ફાધર હાફેદ અલ અસદ પચીસ વર્ષ સુધી સીરિયાના રાષ્ટ્રપતિ રહ્યા. પિતા હાફેદે મોટા દીકરા બસેલને જ પોતાના રાજકીય વારસદાર તરીકે તૈયાર કર્યા.

બશરે તો પોતાના દેશમાં જ મેડિકલનો અભ્યાસ કરી ડોક્ટરની પદવી મેળવી હતી. આર્મીમાં ડોક્ટર તરીકે સેવા પણ આપી. લંડનની વેસ્ટર્ન આઈ હોસ્પિટલમાં બશર પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા ગયા હતા.

આ દરમિયાનમાં ૧૯૯૪માં એક કાર દુર્ઘટનામાં બશરના મોટાભાઈ બસેલનું મોત થયું. પિતાએ બશરને પાછો બોલાવી લીધો અને રાજકારણમાં લઈ આવ્યા. બશરે બાય પાર્ટીનું નેતૃત્વ કર્યું. આખી દુનિયાના દેશોમાં ફરી રાજકીય નેતાઓને મળ્યા. ૨૦૦૦માં પિતા હાફેઝ અલ અસદના મૃત્યુ પછી બશર સીરિયાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી માંડીને આજ દિવસ સુધી એ સત્તા પર છે.

સીરિયામાં જ બશરના વિરોધીઓની કમી નથી. બશર રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેની છાપ સુધારાવાદી તરીકે સ્થાપિત થઈ હતી. બશરે રાજકીય કેદીઓને મુક્ત કર્યા. વિરોધીઓ સાથે વાટાઘાટ કરી. મીડિયાને સ્વતંત્રતા આપી. જોકે પક્ષના લોકોને તેનું આવું વલણ ગમતું ન હતું. બીજો એક પ્રોબ્લેમ એ હતો કે રાષ્ટ્રપતિ બશર શિયા સમુદાયની અલાવી જાતિના છે અને સીરિયાની બહુમતિ પ્રજા સુન્ની છે. એટલે સુન્નીઓ પણ બશરની વિરુદ્ધમાં ઊભા થયા છે. સીરિયાની રાજધાની દમિરકનો અમુક હિસ્સો વિદ્રોહીઓના કબજામાં છે. વિદ્રોહીઓને બશરના વિરોધી દેશો શસ્ત્રો પૂરાં પાડે છે અને તેની મદદથી જ વિદ્રોહીઓ સરકાર સામે લડી રહ્યા છે. સીરિયામાં આતંકવાદી સંગઠન જિબ્હતુન્નસ્ત્ર એક્ટિવ છે અને તેને અલકાયદાનો જ એક યુનિટ ગણાય છે. થોડા સમય અગાઉ જ એવા ખબર આવ્યા હતા કે તુર્કીના રસ્તે વિદ્રોહીઓ માટે ચારસો ટન હથિયારોની ખેપ સીરિયા પહોંચી છે.

સીરિયાના લોકો જીવ બચાવવા પડોશી દેશ તરફ પલાયન કરી રહ્યા છે. વેસ્ટર્ન એશિયાના દેશ સીરિયાની બોર્ડર લેબેનોન, તુર્કી, ઇરાક, જોર્ડન અને ઇઝરાયેલ સાથે જોડાયેલી છે. ૧ લાખ ૮૬ હજાર ૪૭૫ ચોરસ કિલોમીટરમાં પથરાયેલા સીરિયાની વસતિ ૨ કરોડ ૨૬ લાખ જેટલી છે. આ બધા જ લોકો અત્યારે જીવ બચાવવા ફાંફાં મારે છે.

ભારત અને દુનિયાના અન્ય દેશો પર યુદ્ધની અસર

જો સીરિયા ઉપર હુમલો થાય તો આખી દુનિયાના દેશોને નાની-મોટી અસર થવાની છે. સીરિયા પાસે રશિયા પાસેથી ખરીદેલાં હથિયારો અને ચીન પાસેથી ખરીદેલાં રડાર છે. યુદ્ધ કેટલું લંબાય તેના પર તેની અસરોનો આધાર છે. જો રશિયા અને ઈરાન યુદ્ધમાં કૂદે તો પરિણામો કલ્પના બહારનાં હોઈ શકે છે.

ભારતની હાલત ઓલરેડી પતલી છે. ડોલર સામે આપણો રૂપિયો પાતળો પડી રહ્યો છે. અર્થતંત્ર સામે સવાલો છે. સોનું ગિરવે મૂકી અર્થતંત્રને પ્રાણવાયુ પૂરો પાડવાની વાતો થાય છે. હવે જો સીરિયા વોર થાય તો ઓઇલના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવે. આરબ દેશોની વ્યવસ્થા ખોરવાઈ જાય. આપણા દેશમાં પેટ્રોલ, ડીઝલના ભાવ વધી જાય અને અર્થતંત્ર માટે પડયા પર પાટુ જેવી સ્થિતિ પેદા થાય.

યુદ્ધનો ઇતિહાસ કહે છે કે યુદ્ધથી ક્યારેય કોઈને ફાયદો થયો નથી. છતાં યુદ્ધો ક્યારેય અટક્યાં નથી અને અટકવાનાં પણ નથી. અમેરિકાને વધુ એક વખત શૂરાતન ચડયું છે અને પોતાની શૂરવીરની છાપ બચાવવા પણ એ યુદ્ધ ખેલે એવું લાગી રહ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું અત્યાર સુધીનું વલણ તો યુદ્ધથી દૂર રહેવાનું જ રહ્યું છે. આ લખાઈ રહ્યું છે ત્યારે પણ ઓબામાએ એમ તો કહ્યું જ છે કે અમે હજુ સુધી યુદ્ધનો નિર્ણય કર્યો નથી. છતાં બધા વિકલ્પો ખુલ્લા છે. આ બધા વિકલ્પોમાં સૌથી વધુ જોખમી વિકલ્પ યુદ્ધનો છે. સવાલ એ પણ છે કે જે દેશના આંતરિક વિગ્રહમાં રાસાયણિક હથિયારોનો ઉપયોગ થતો હોય એ દેશ ખરેખર યુદ્ધ વખતે કઈ હદ સુધી જઈ શકે? અત્યારે મળતા અણસાર તો સારા દેખાતા નથી. ભલે થોડાક દેશો લડે, પણ જો કંઈ થયું તો આખી દુનિયાની હાલત ખરાબ થઈ જવાની છે એ નક્કી છે.

[email protected]
 
Share This
 
 
   

 
Supplements