180X600.jpg
Jul 27,2016 07:18:29 AM IST
 

આસારામના કરતૂતો સામે ગુજરાત સરકાર ચૂપ કેમ ? (ચીની કમ)

Sep 04, 2013 03:26 Supplements >
 
comment     E-Mail     Print    
 
Viewed: 14149
Rate: 3.5
Rating:
Bookmark The Article

નામ                   :          આસુમલ હરીલાણી

જન્મ                  :          ૧૭ એપ્રિલ, ૧૯૪૧

જન્મસ્થાન          :         બેસણી, જિલ્લા નવાબશાહ, (હાલ પાકિસ્તાનમાં)

માતા                  :          મેહાંગિબા

પિતા                   :          થીઉમલ સીરુમલાણી

પત્ની                  :          લક્ષ્મીદેવી

પુત્ર                     :          નારાયણ સાંઈ

પુત્રી                    :          ભારતી દેવી

કારકિર્દી              :          શરૂઆત અમદાવાદમાં દારૂના ધંધાથી

ગુરુ                    :          સંત લીલા શાહ

શરૂઆત                          :          ૧૯૭૨માં અમદાવાદમાં મોટેરા આશ્રમ સ્થાપ્યો

આશ્રમનો વેપાર     :         આસારામ બ્રાન્ડ તેલ, અગરબત્તી, દવાઓ તથા ઘરગથ્થુ ચીજવસ્તુઓ

સામ્રાજ્ય             :         વિશ્વના ૧૨ દેશોમાં ૪૨૫ આશ્રમો

અનુયાયીઓ         :         બે કરોડ લોકો
સંપત્તિ                 :          રૂ.૧૦,૦૦૦ કરોડ

જીવનશૈલી           :         બીએમડબલ્યુ થી માંડીને ર્મિસડિઝ સુધીની લકઝરીકારોનો કાફલોઃ બિઝનેસકલાસ કે                      ચાર્ટર્ડ વિમાનમાં જ ઉડ્ડયન

જે કામ રાજસ્થાનની પોલીસે કર્યું તે ગુજરાતની પોલીસે કેમ ના કર્યું ?

સંત કે શેતાન ?

ઉપરોક્ત પ્રોફાઈલ વાંચ્યા પછી આસુમલમાંથી આસારામ બનેલા ગૃહસ્થી-કમ વેપારી અને વૈભવી જીવન જીવતા આસારામ બાપુને 'સંત' તરીકે કેટલાક ઓળખે છે. અંગ્રેજી મીડિયા તેમને 'સેલ્ફ મેઈડ ગોડમેન' કહે છે. દેશમાં ઠેર ઠેર તેમની સામે જમીનો હડપવાના કેસો થયેલા છે. તેમના શિષ્યોનાં રહસ્યમય મોત નીપજેલા છે. મોટેરા આશ્રમમાં દિપેશ અને અભિષેક નામનાં બે બાળકોનાં અપમૃત્યુનું રહસ્ય હજુ ઘૂંટાયેલું છે. મધ્યપ્રદેશમાં રૂ.૭૦૦ કરોડની કિંમતની જમીન પર કબજો કરવાનો આરોપ છે. રતલામમાં રૂ.૨૦૦ કરોડની જમીનનો કેસ પણ ઊભો છે. ઉનાળામાં દુષ્કાળ વખતે વોટર જેટ પંપથી લોકો પર પાણી ઉડાડે છે. કોઈ તેમની ટીકા કરે તો કહે છે : ''પાની કિસી સરકાર કે બાપ કા યા મીડિયા કે બાપકા નહીં હૈ'' મીડિયા માટે તે કહે છે : ''પત્રકાર કૂત્તે હૈં ઔર મેં ઉનકે આગે ટૂકડા નહીં ડાલુંગા.'' તેમનું કવરેજ કરતા પત્રકારો પર તેમના બાઉન્સરો હુમલો કરે છે. રાહુલ ગાંધીને તેઓ કમ બુદ્ધિવાલા બબલૂ કહે છે. સ્ટિંગ ઓપરેશન દરમિયાન એક મહિલા પત્રકારને રાત્રે પોતાની સાથે સૂઈ જવાનું કહે છે. ૧૬ વર્ષની નાનકડી સગીરા સામે નગ્ન થઈ તેને ઓરલ સેક્સ કરવા દબાણ કરે છે. પૌરુષત્ત્વની તપાસ દરમિયાન ડોક્ટરો પણ આશ્ચર્ય પામી જાય તેટલા સેક્સ માટે ફીટ જણાય છે. મર્દાનગી વધારવા માટે દૂધમાં સોનું અને ખાખરાના પાનનું બિંદુ નાંખવાની સલાહ આપે છે. આસારામના આશ્રમમાં કામ કરી ચુકેલા અમૃત પ્રજાપતિ કહે છે કે મેં આસારામને તેમની કુટિયાના ખાનગી રૂમમાં ૨૫ વર્ષની એક યુવતી સાથે કંઢગી હાલતમાં જોયા હતા. તેઓ પંદરથી અઢાર વર્ષની છોકરીઓના શોખીન છે.

આવા કહેવાતા સંતના બચાવમાં પહેલાં ઉમા ભારતી આવ્યાં. તે પછી વિશ્વ હિન્દુ પરિષદના વડા અશોક સિંઘલ મેદાનમાં આવ્યા. અશોક સિંઘલ કહે છે કે ૧૬ વર્ષની છોકરીનો આરોપ તે હિન્દુ સંતોને બદનામ કરવાનું કાવતરું છે. આસારામ કહે છે : ''આ તો મા-બેટા (સોનિયા- રાહુલ)ની સાજિશ છે.'' આસારામ તો કાયદાની ચૂંગાલમાં ફસાયા છે. તેથી તે ગમે તે બોલે તે સમજી શકાય તેમ છે, પરંતુ અશોક સિંઘલ જેવા જૈફ હિન્દુ નેતા પણ દિવસને દિવસ અને રાતને રાત કહેવા તૈયાર નથી. તેમના ભગવાં કે શ્વેત વસ્ત્રોની ભીતર કોઈ શયતાન દેખાતો જ નથી. તેમને એક સફેદ દાઢીધારી, સ્ટેજ પર કનૈયાની જેમ નાચતો, સેક્સનો પાવર વધારવાની વાતો કરતો અને જમીનો હડપતો માણસ આરોપી તરીકે દેખાતો નથી, એથી ઉલટું એને બચાવવાની એમને ચિંતા છે. હિન્દુ સમાજના નેતા બની ઉત્તરપ્રદેશમાં ૮૪ કોષી પરિક્રમાના નામે ફલોપ રાજકીય યાત્રા કાઢતા અશોક સિંઘલને ૧૬ વર્ષની એક હિન્દુ બાળાની વેદના સ્પર્શતી નથી. શું તેઓ આસારામ જે કાંઈ કરી રહ્યા છે તેની સાથે સંમત છે? અશોક સિંઘલ અને પ્રવિણ તોગડિયાના કારણે જ અસલી હિન્દુ સંતો ઓજલ થઈ ગયા છે. અને સંતના વેશમાં શયતાનો પ્રગટ થઈ રહ્યા છે. અશોક સિંઘલ અને પ્રવિણ તોગડિયા એ વાત સમજી લે કે તેઓ હવે આઉટ ઓફ ડેટ હિન્દુ નેતાઓ છે. આ દેશનો અસલી હિન્દુ બુદ્ધિશાળી, ઉદાર અને સર્વધર્મ સમભાવમાં માને છે. આસારામ સામે દેશભરમાં જે જનાક્રોશ ફાટી નીકળ્યો છે તે પણ હિન્દુ સમાજનો જ જનાક્રોશ છે.

ગુજરાત સરકાર મૌન કેમ ?

આ પરિપ્રેક્ષ્યમાં સહુથી વધુ નોંધનીય વાત એ છે કે, આસારામે તેમના કારનામાઓની શરૂઆત અમદાવાદમાંથી જ કરી હતી. અમદાવાદ અને સુરતમાં કરોડોની જમીનો હડપ કરી દેવાના તેમની સામે આક્ષેપો છે. બે બાળકોના અપમૃત્યુથી માંડીને બીજા અનેક આરોપો તેમની સામે થયેલા છે. ગુજરાતના અખબારોના માલિકોની હત્યાની સોપારી આપવાના આરોપો પણ આસારામ સામે થયા છે. ગુજરાત સરકાર અખબાર માલિકોની હત્યાની સોપારીના આરોપની એફ.આઈ.આર. લેવા પણ તૈયાર નથી. આસારામ સામે ૧૮ જેટલી બીજી એફ.આઈ.આર. નોંધાયેલી છે છતાં ગુજરાત સરકારના પેટનું પાણી પણ હાલતું નથી. ગુજરાતની પોલીસ માટે આસારામ કોઈ આરોપી નહીં પરંતુ રાજ્ય સરકાર દ્વારા સુરક્ષિત કોઈ વી.વી.આઈ.પી. છે. ગુજરાતની પોલીસ, કલેક્ટરો, મામલતદારો, તલાટીઓ અને ગાંધીનગરમાં બેસતા સચિવો આસારામના ગુલામ જેવા લાગે છે. એકવાર વડોદરામાં આસારામ દ્વારા આયોજિત સત્સંગ રોકવા વહીવટીતંત્રે પ્રયાસ કર્યો ત્યારે આસારામે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આડે હાથે લેતાં કહ્યું હતું કે, ''જે સત્સંગ રોકશે તે સ્વયં નષ્ઠ થઈ જશે.'' દિપેશ, અભિષેકના મૃત્યુ બાદ કેટલાક લોકોએ આસારામનો વિરોધ કર્યો ત્યારે આસારામના સાધકોએ લાકડીઓ લઈ સાબરમતી વિસ્તારમાં નિર્દોષ લોકો પર આતંક ફેલાવ્યો હતો. છતાં આસારામને ગુજરાત સરકાર અને ગુજરાતની પોલીસ સ્પર્શતી નથી. પૂરા દસ વર્ષથી ગુજરાતમાં ખતરનાક કરતૂતો કરી રહેલા આસારામ સામે દેશભરમાં ફાટી નીકળેલા જનાક્રોશ બાદ ગુજરાત સરકાર હમણાં થોડી સળવળી છે, પણ એ પૂરતું નથી.

આસારામના ગોડફાધર કોણ ?

કોણ છે ગોડમેન આસારામના ગોડફાધર ? કોને બનવું હતું વડાપ્રધાન ?એક આક્ષેપ એવો છે કે આસારામ તેમના જ્ઞાતિબંધુ એલ.કે. અડવાણીને વડાપ્રધાન બનાવવા માંગતા હતા, અને તેમને વડાપ્રધાન બનાવવા બાળકોના બલી ચડાવવાની તાંત્રિક વિધિ કરાવવામાં આવી હતી. ગુજરાતમાં આસારામ સામે અનેક ફરિયાદો હોવા છતાં જે કામ રાજસ્થાનની સરકાર કરી શકી તે કામ ગુજરાત સરકાર કેમ ના કરી શકી ? ઢગલાબંધ એફ.આઈ.આર. છતાં ગુજરાત સરકાર આસારામ પર આટલી મહેરબાની કેમ છે? આસારામની ધરપકડ કરવા માટે ૨૦૦૮માં જ ગુજરાત સરકાર પાસે પૂરતાં કારણો હતાં છતાં તે ચૂપ કેમ રહી? આસારામ પર કોઈ એકલ દોકલ આરોપ થયો નથી, પણ આરોપોની વણઝાર છે, છતાં આસારામ ગુજરાતને પોતાના માટે સહુથી વધુ સુરક્ષિત સ્વર્ગ શા માટે માને છે ? રાજસ્થાનની પોલીસ એક સગીરાની ફરિયાદના આધારે આસારામને સળિયા પાછળ ધકેલી દીધા તે કામ ગુજરાત સરકારે કરી દઈને વહીવટનું શ્રેષ્ઠ મોડેલ દેશ સમક્ષ પ્રસ્થાપિત કરવાની જરૂર હતી. હજુ પણ સમય છે. આસારામ સામેની જે ફરિયાદોમાં વજૂદ હોય તે ફરિયાદોના આધારે આગળ વધવું જોઈએ. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ આ કામ કરી શકે તેમ છે. તેમનામાં હિંમત છે, ઊર્જા છે, નિર્ણય લેવાની શક્તિ છે. તેઓ જો એલ.કે. અડવાણીને ઠેકાણે લાવી શક્તા હોય તો આસારામને કેમ નહીં. મોદી એમ નહીં કરે તો આસારામ સિદ્ધપુરમાં સરસ્વતી નદીમાં નર્મદાના જળ નાંખવાના પ્રસંગે મોદીને પાશમાં લઈ બોલ્યા હતા કે (મારા જેવા) ગુરુ રામદાસને શિવા (શિવાજી જેવો શિષ્ય) મળી ગયો- તેવું તે ફરી બોલશે અને નરેન્દ્રભાઈની ક્લિન ઈમેજને નુકસાન પહોંચાડશે. આસારામ પોતે ગુરુ અને નરેન્દ્ર મોદીને તેમના શિષ્ય તરીકે સ્થાપિત કરવા પ્રયાસ કરી રહ્યા છે, જે મોદીની ભાવિ કારકિર્દીને ભારે નુકસાન પહોંચાડી શકે તેમ છે. દેશના ખૂણામાં બનતી નાની અમથી ઘટના પર પણ ટ્વીટ કરતા નરેન્દ્ર મોદીએ આસારામ અંગે પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કરવો જોઈએ. આસારામ અંગે મોદીએ હવે માત્ર અભિપ્રાય આપીને જ અટકવાનું નથી પરંતુ આસરામ અંગેની તમામ ફાઈલો ખોલીને આસારામ સામે એકશન લેવાની કામગીરી શરૂ કરવી જોઈએ તેવી 'મોદીના ગુજરાત'ની અપેક્ષા છે.

 
Share This
 
 
   

 
Supplements