180X600.jpg
Jul 30,2016 05:03:25 AM IST
 

'દગાબાજ સરકાર'- ડી.જી.વણઝારાના પત્રનો સંપૂર્ણ વિસ્તૃત અહેવાલ

Sep 04, 2013 03:55 Ahmedabad >
 
D.G.Vanzara,Resignation Letter,Reasons,Traitor,Gujarat Government,God,Narendra Modi,Police Officers,IPS,Frustration,Jail,Court,CBI Tags:   D.G.Vanzara Resignation Letter Reasons Traitor Gujarat Government God Narendra Modi Police Officers IPS Frustration Jail Court CBI comment     E-Mail     Print    
 
Viewed: 7932
Rate: 2.8
Rating:
Bookmark The Article

ડી.જી.વણઝારા, આઇપીએસ
ડીઆઇજી ઓફ પોલીસ (સસ્પેન્શન હેઠળ)
સાબરમતી સેન્ટ્રલ જેલ,
અમદાવાદ
તા. ૧-૦૯-૨૦૧૩
પ્રતિ,
અધિક મુખ્ય સચિવ
ગુજરાત સરકાર
ગૃહ વિભાગ
સચિવાલય
ગાંધીનગર
વિષય : નિવૃત્તિ પશ્ચાતના તમામ લાભોના ત્યાગ સાથે મારી સેવામાંથી રાજીનામું
સાહેબ શ્રી,

હું નીચે સહી કરનાર, પોલીસ ડીઆઇજી (હાલ સસ્પેન્શન હેઠળ), કાચા કામનો કેદી નંબર ૪૮૨૬, રહે. સરદારયાર્ડ, સાબરમતી સેન્ટ્રલ જેલ, અમદાવાદ આથી નીચે દર્શાવેલા કારણોસર નિવૃત્તિ પશ્ચાતના તમામ લાભો જતા કરીને મારી સેવામાંથી આ રાજીનામું સુપરત કરું છું.

  • ગુજરાત સરકાર પર આરોપોની વણઝાર લગાવતો ડી જી વણઝારાનો ૧૦ પાનાંનો સનસનાટીભર્યો રાજીનામાંનો પત્ર
  • મને નરેન્દ્ર મોદીમાં સૌથી વધારે વિશ્વાસ હતો સૌથી વધારે માન હતું, ગુજરાતનાં માનનીય મુખ્યમંત્રી, કે જેમને હું ભગવાન માનતો હતો. માટે હું ખેદ સાથે કહું છું કે, મારા આ ભગવાન અમિત શાહની દુષ્ટ અસરમાં મને મદદ ના કરી શક્યા.
  • મારું માનવું છે કે આ સરકારનું સ્થાન ગાંધીનગરમાં નહીં પરંતુ તલોજા સેન્ટ્રલ જેલ કે પછી સાબરમતી જેલમાં હોવું જોઇએ...માટે મારા તરફે એકતરફી ઋણ રહેતું નથી કે હું સરકારમાં બેઠેલા ગદ્દારોનું રક્ષણ કરું જેમણે દેશભક્ત પોલીસ અધિકારીઓને મોતનાં જડબામાં ધકેલી દીધા છે
  • એક હાથે આ સરકારની અવગણના અને બીજી તરફ અમિત શાહની વ્હાલા દવલાની નીતિ કે જે ૩૨ જેલમાં પુરાયેલા અધિકારીઓનું ભાવિ નક્કી કરી રહી છે તે એટલી ઘૃણાસ્પદ છે કે વહેલા કે મોડા તે આ સરકારને સ્મશાને પહોંચાડશે.

હું ૧૯૮૦ની બેચનો સીધી ભરતીનો ડીવાયએસપી અને ગુજરાત કેડરનો ૧૯૮૭ની બેચનો આઇપીએસ અધિકારી છું. હું ગુજરાતની પ્રજાને છેલ્લા ૩૩ વર્ષથી વિનમ્ર સેવાઓ આપી રહ્યો છું. વર્ષ ૨૦૦૨થી ૨૦૦૬ના સમયગાળા દરમિયાન મેં શરૂઆતમાં અમદાવાદ સિટીની ક્રાઇમ બ્રાંચમાં નાયબ પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર તરીકે અને પાછળથી એટીએસ, અમદાવાદ ગુજરાત રાજ્યના ડેપ્યુટી ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ તરીકે ફરજ બજાવી હતી.

છેલ્લે, જ્યારે હું બોર્ડર-રેન્જ, કચ્છ-ભુજના ડેપ્યુટી ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ તરીકે ફરજ બજાવતો હતો ત્યારે ૨૪-૪-૨૦૦૭ના રોજ સીઆઇડી ક્રાઇમ, ગુજરાત દ્વારા એટીએસ પોલીસ સ્ટેશન-૧ સીઆર નં-૫/૦૫ (શોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ)માં મારી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી આજની તારીખ સુધી મને સતત સસ્પેન્શન હેઠળ રાખવામાં આવ્યો છે.

મને અન્ય પોલીસ અધિકારીઓ સાથે સાબરમતી સેન્ટ્રલ જેલ, અમદાવાદ, ગુજરાતમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં હું ૨૨-૧૧-૨૦૧૨ના સુધી જેલમાં કેદ રહ્યો હતો. દરમિયાન ૭-૭-૨૦૧૦ના રોજ સીઆઇડી ક્રાઇમ, ગુજરાત દ્વારા અંબાજી પોલીસ સ્ટેશન-૧ સીઆર નં-૧૧૫/૨૦૦૬માં (તુલસીરામ એન્કાઉન્ટર કેસ) પણ મારી ધરપકડ કરવામાં આવી હતી કે જે માટે હું આ જ જેલમાં સોહરાબુદ્દીન એનકાઉન્ટર કેસની કસ્ટડી સાથે આ કેસની કસ્ટડી ભોગવી રહ્યો છું.

ત્યારબાદ નામદાર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના આદેશ અન્વયે શોહરાબુદ્દીન એનકાઉન્ટર કેસની કાર્યવાહી-સુનાવણી મુંબઇ તબદીલ કરવામાં આવી હતી. આથી અન્ય અધિકારીઓ સાથે મને તલોજા સેન્ટ્રલ જેલ, નવી મુંબઇ, મહારાષ્ટ્ર ખાતે ૨૩-૧૧-૧૨ની અસરથી ખસેડવામાં આવ્યો હતો. આમ અન્ય અધિકારીઓ સાથે મને છેલ્લા છ વર્ષ કરતા વધુ સમયથી અમદાવાદ અને તલોજાની જેલમાં રાખવામાં આવ્યો છે.

દરમિયાન નામદાર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના આદેશ અન્વયે તુલસીરામ એન્કાઉન્ટરના કેસ સાથે વિલિન કરી દેવામાં આવ્યો છે. પરિણામે બંને કેસમાં બૃહદ મુંબઇમાં સીબીઆઇના નામદાર સ્પેશિયલ જજ દ્વારા એક જ કાર્યવાહી અને સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે.

સાબરમતી સેન્ટ્રલ જેલથી તલોજા સેન્ટ્રલ જેલમાં મને ખસેડયા બાદ સીબીઆઇએ અમદાવાદ ખાતે બે એન્કાઉન્ટર કેસ-એટલે કે (૧) ડીસીબી પોલીસ સ્ટેશન-૧ સીઆર નં-૩/૨૦૦૩ (સાદિક જમાલ એન્કાઉન્ટર કેસ) અને (૨) ડીસીબી પોલીસ સ્ટેશન-૧ સીઆરનં. ૮/૨૦૦૪ (ઇશરત જ્હા એન્કાઉન્ટર કેસ) ખોલ્યા હતા. ડીસીબી પોલીસ સ્ટેશન-૧ સીઆર નંબર/૨૦૦૪માં (ઇશરત જહા એન્કાઉન્ટર કેસ) તા.૦૪-૬-૨૦૧૩ના રોજ મારી ધરપકડ ઉપરાંત ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ સિટીમાં જેમણે કામ કર્યું હતું એવા અન્ય પોલીસ અધિકારીઓની પણ આ બે એન્કાઉન્ટર કેસમાં ધરપકડ કરવામાં આવી છે અને તેમને સાબરમતી સેન્ટ્રલ જેલની કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. એમાંના કેટલાક અધિકારીઓને ડિફોલ્ટ જામીન પર છોડી મુકવામાં આવ્યા છે.

આમ આજની તારીખે ગુજરાત-રાજસ્થાનના ૯ અધિકારીઓને તલોજા સેન્ટ્રલ જેલમાં રાખવા ઉપરાંત ૨૨ અન્ય અધિકારીઓ/શખસોને ગુજરાત રાજ્યની અમદાવાદ, નડિયાદ, વડોદરા અને પાલનપુરની જુદી જુદી જેલોમાં રાખવામાં આવ્યા છે અને આમ કુલ ૩૨ પોલીસ અધિકારીઓ/શખસો જેલમાં છે, જેમાં ૬ આઇપીએસ અધિકારીઓનો સમાવેશ થાય છે. ૬ વધુ આઇપીએસ અધિકારીઓના નામોનો પણ તુલસીરામ અને ઇશરત જહા એન્કાઉન્ટર કેસની ચાર્જશીટમાં ઉલ્લેખ કરાયો છે.

મારી શ્રેષ્ઠ જાણકારી મુજબ ગુજરાત રાજ્ય સિવાય દેશના કોઇપણ ભાગમાં આટલી મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓની ધરપકડ થઇ નહોતી/નથી અને આટલા લાંબા સમયગાળા માટે જેલમાં સતત રાખવામાં આવ્યા નથી. આ સમગ્ર ઘટનાનો સૌથી નોંધપાત્ર ભાગ એ છે કે આ અધિકારીઓ આ સરકારના વફાદાર સૈનિકો હોવા છતાં અને તેમણે કોઇપણ દુન્યવી પ્રલોભનોની જાળમાં ફસાયા વગર પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદ સામે સંપૂર્ણ પ્રમાણિકતા, વફાદારી અને નિષ્ઠા સાથે સતત લડાઇ લડી હોવા છતાં તેમને આ જેલોમાં સબડવા દેવામાં આવી રહ્યા છે.

મારે અત્યંત સવિનયપૂર્વક જણાવવું છે કે આ સરકાર સામે ભૂતકાળમાં જ્યારે પણ અસ્તિત્વની કટોકટી ઊભી થઇ છે ત્યારે હું અને મારા અધિકારીઓ સરકારની પડખે એક ખડક સમાન ઊભા રહ્યા હતા. જ્યારે હું અને મારા અધિકારીઓ મારી/અમારી જિંદગીમાં આ પ્રકારની કટોકટીનો સામનો કરી રહ્યા છીએ ત્યારે સરકાર પાસે અમારી એવી અપેક્ષા હતી કે સરકાર એટલા જ જોમ અને સંકલ્પ સાથે પ્રતિસાદ આપી મારી અને મારા અધિકારીઓની પડખે દૃઢપણ ઊભી રહેશે, પરંતુ મારા આઘાત અને આશ્ચર્ય વચ્ચે આવું કંઇ બન્યું નહીં.

તાજેતરમાં ધરપકડ કરાયેલા/ જુદી ચાર્જશીટસમાં આરોપી તરીકે દર્શાવેલા કેટલાક વરિષ્ઠ અધિકારીઓને બાદ કરતા મોટાભાગના કેદ કરાયેલા પોલીસ અધિકારીઓ/ પોલીસ કર્મીઓએ ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ સીટી, એટીએસ ગુજરાત અથવા બોર્ડર રેન્જ કચ્છ-ભુજ ખાતે ભૂતકાળમાં મારા કાર્યકાળ દરમિયાન મારા જુનિયર્સ તરીકે સેવા બજાવી હતી. હું વરિષ્ઠતમ અધિકારી હોવાના નાતે અને જેલમાં તેમની સાથે હોવાથી હું તેમના તમામ વતી આ સરકારને મને તેમજ મારા અધિકારીઓને કોઇ પ્રકારની મદદ કરવા અને ઉપયોગી થવા માટે સમજાવવાના અવિરત પ્રયાસો કરી રહ્યો છું, પરંતુ સખેદ જણાવવાનું કે મારા પ્રયાસો પ્રત્યે કોઇ ફળદાયી ધ્યાન આપવામાં આવ્યું નથી. આ સરકાર દ્વારા વખતોવખત આપવામાં આવેલા મૌખિક આશ્વાસનો ચોક્કસપણે પોકળ અને ઇરાદાપૂર્વક ગેરમાર્ગે દોરનારા પુરવાર થયા છે.

સમય વીતવાની સાથે મને સમજાયું છે કે આ સરકારને અમારું રક્ષણ કરવામાં તો કોઇ રસ નથી જ, સાથે સરકાર મને અને મારા અધિકારીઓને જેલમાં જ રાખવાના તમામ પ્રયાસો ગુપ્તપણે કરી રહી છે કે જેથી તે એકબાજુ સીબીઆઇ સામે પોતાની જાતને બચાવી શકે અને બીજી બાજુ રાજકીય લાભ મેળવી શકે એક વાત સર્વવિદિત છે. જેલમાં કેદ અધિકારીઓના ભવિષ્ય પ્રત્યે સાવ ઉદાસીન રહીને આ સરકાર ગુજરાતના ગગનમાં એન્કાઉન્ટર કેસોનો ચળકાટ જીવંત રાખીને છેલ્લા ૧૨ વર્ષથી ઘણા રાજકીય લાભ ખાટી રહી છે.

સીબીઆઇ દ્વારા જ્યારે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અમિતભાઇ શાહની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે સરકારે એકાએક ધબકતી બનીને સંનિષ્ઠ સક્રીયતાના દર્શન કરાવ્યા હતાં. અમિતભાઇ શાહ માટે અત્યંત વિદ્વાન, વરિષ્ઠતા અને સૌથી વધુ ફી લેતા ભારતના એડવોકેટ રામ જેઠમલાણીને રોકવામાં આવ્યા હતા. જેઠમલાણી સૌથી નીચલી સીબીઆઇ કોર્ટથી લઇ સ્પેશિયલ, હાઇકોર્ટ અને છેક સુપ્રીમ કોર્ટ સુધી તમામ સ્તરની કોર્ટોમાં તેમના વતી હાજર રહ્યા અને તેમની કેદના ૩ મહિનાના વિક્રમી સમયમાં તેમને નિયમિત જામીન પર છોડાવી દીધા.

તેનાથી તદ્દન ઉલટું જ્યારે સીઆઇડી ક્રાઇમ દ્વારા રાજકુમાર પાંડિયન અને દિનેશ એમ.એન. સાથે મારી ધરપકડ કરવામાં આવી હતી ત્યારે કાનૂની સેવા પૂરી પાડવાની વાત તો એક બાજુ રહી, સરકારમાંથી અમને કે અમારા પરિવારજનોને કોઇએ શાબ્દિક સહાનુભૂતિ દાખવવાની પણ દરકાર કરી નહોતી. ઉલ્ટાનું સીબીઆઇ દ્વારા ગુજરાતના રાજકીય નેતાઓની ધરપકડ ના કરાય કે અમારામાંથી કોઇપણ જામીન પર છૂટે નહીં તે સુનિશ્ચિત કરવા માટે આ સરકાર દ્વારા તમામ કાનૂની અને રાજકીય પ્રયાસો કરાયા હતા જેથી તપાસ ગુજરાત સીઆઇડીના હાથમાંથી કેન્દ્રીય સીબીઆઇના હાથમાં ન જાય.

આ દગાબાજ સરકારનું અત્યંત નિર્દયી અને શરમજનક કૃત્ય તો એ હતું કે જ્યારે દિનેશ એમ. એન. અને નરેન્દ્ર અમીનને તેમના પોતાના પ્રયાસો દ્વારા જામીન પર છોડવામાં આવ્યા ત્યારે વહેલી તકે તેમના જામીન રદ કરાવવામાં આવ્યા અને તેમને ફરીથી સાબરમતી સેન્ટ્રલ જેલનાં સળિયા પાછળ ધકેલવામાં આવ્યા. આ પછી મારા ઓફિસર્સને તેમના કોઈપણ જાતના વાંક ગુના વિના ફરજિયાતપણે જુદીજુદી જેલોમાં પૂરવામાં આવતા રહ્યા, તેમનો એક માત્ર ગુનો, જો તેને ગુનો ગણવામાં આવે તો, તે એ હતો કે તેમણે નિષ્ઠાપૂર્વક તેમની ફરજો બજાવી હતી અને આ સરકારની સીધી સૂચનાઓ હેઠળ તેમના દેશની સેવા કરી હતી.

વિશ્વાસઘાત અને દગાબાજીનાં આવા તમામ કૃત્યો છતાં હું મારી જાતનું આ સરકાર સાથે સમાધાન કરતો હતો, જ્યારે નવી દિલ્હીથી સુપ્રીમ કોર્ટનાં આદેશ સ્વરૂપે શોહરાબુદીન કેસની ટ્રાયલ મુંબઈ ટ્રાન્સફર કરવાનો આદેશ અમારા સૌના માથે સ્કાયલેબની જેમ તૂટી પડયો ત્યારે તે વાત મારી કલ્પના બહારની હતી. ભારતની માનનીય સર્વોચ્ચ અદાલતની ગરિમાને સંપૂર્ણપણે જાળવવા સાથે મારું ગંભીરપણે એવું માનવું છે અને કહેવું છે કે જો અમિતભાઈ શાહે કાનૂની અને રાજકીય કાવાદાવાની રમત ન રમી હોત અને દાવપેચ ન રમ્યા હોત તો શોહરાબુદીન એન્કાઉન્ટર કેસની અને પછીથી તુલસીરામ એન્કાઉન્ટર કેસની ટ્રાયલ ગુજરાત રાજ્યની બહાર ખસેડવામાં આવી ન હોત. આ કેસો રાજ્ય બહાર ખસેડવાનાં નિર્દયી કૃત્યને કારણે એક તરફ જેલમાં પુરાયેલા પોલિસ અધિકારીઓનો રોષ વધ્યો હતો અને બીજી તરફ તેમનાં પરિવારની મુશ્કેલીઓ વધી હતી.

આ આખી બાબતનો સાર એ છે કે ૨૦૧૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ લડવા માટેના પોતાના અંગત હિત ખાતર અમિતભાઈ શાહે કેસની ટ્રાયલ ટ્રાન્સફર કરાવી હતી અને અમે તેમનામાં મુકેલા વિશ્વાસનો ભંગ કર્યો હતો. આમ કરીને એક બાજુ તેમણે અમને તલોજાની સેન્ટ્રલ જેલમાં વધુને વધુ મુશ્કેલીઓ વહોરવા ફરજ પાડી હતી અને બીજી તરફ મુંબઈ કોર્ટમાં અત્યંત ખર્ચાળ ટ્રાયલનો સામનો કરવા ફરજ પાડી હતી. અમારામાંથી કોઈને આ સ્થિતિ પરવડે તેમ નહોતી, આટલું જ પૂરતું ન હોય તેમ અમિતભાઈ શાહ માનનીય ભારતીય સુપ્રીમ કોર્ટનાં આદેશ દ્વારા તુલસીરામ એન્કાઉન્ટર કેસને શોહરાબુદીન એન્કાઉન્ટર કેસ સાથે મર્જ કરાવવામાં સફળ રહ્યા હતા, જેથી તેઓ બીજા કેસમાં તેમની પોતાની ધરપકડ નિવારી શકે અને બાકીના પોલીસ અધિકારીઓ માટે સામાન્ય જામીન મેળવવાના બારણા હંમેશને માટે બંધ થઈ જાય, એટલું જ નહીં બંને કેસને એક કેસમાં ફેરવીને તેમણે બંને કેસને રેર કેટેગરીમાં મુકાવીને તેની ગંભીરતા વધારી દીધી હતી.

આવા સંજોગોમાં હું અને મારા અધિકારીઓ આ સરકાર દ્વારા અમને ધૂત્કારવામાં આવ્યા હોય અને અમારું અપમાન કરવામાં આવ્યું હોય તેવી લાગણી અનુભવીએ છીએ. આથી આ સરકાર પર કે તેમનાં મુખ્ય સ્ટ્રેટેજિસ્ટ અમિતભાઈ શાહ પર વિશ્વાસ રાખવાનું અમારા માટે કોઈ દેખીતું કારણ નથી. ગંભીર એન્કાઉન્ટર કેસને હાથ ધરવામાં તેઓ પોતે તદ્ન સ્વાર્થી રહ્યા છે અને જેલમાં રહેલા અધિકારીઓનાં હિતો જાળવવા લેશમાત્ર દરકાર દર્શાવી નથી. આ રીતે તેઓ ગુજરાત સરકારનાં રાજકીય હિતો જાળવનારા કસ્ટોડિયન માત્ર બની રહ્યા છે. જેલમાં રહેલા પોલીસ અધિકારીઓની ગરિમાના ભોગે તેમણે સરકારનાં હિતો જ જાળવ્યા છે, આવું બધું કરીને તેમણે પોતાનાં અંતરાત્માના સહેજ પણ ડંખ વિના અમારી જિંદગી સાથે ચેડાં કર્યા છે.

વર્ષ ૨૦૦૨થી હું જોતો આવ્યો છું કે ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન તરીકે અમિતભાઈ શાહ પોલીસ જેવા સંવેદનશીલ વિભાગનો ગેરવહીવટ કરી રહ્યા હતા, ખરેખર તો ગોધરામાં ટ્રેન સળગાવ્યાની ઘટનામાં અને તે પછીના ગોધરાકાંડનાં તોફાનોમાં તેમજ ગુજરાતમાં તે પછી વધેલા જેહાદી ત્રાસવાદનાં સંદર્ભમાં તેમણે આ વિભાગનો વધુ સારી અને કાર્યક્ષમ રીતે વહીવટ કરવાનો હતો તેના બદલે તેઓ તેના સંચાલનમાં નિષ્ફળ ગયા હતા. મારે દિલગીરી સાથે કહેવું પડે છે કે રાજ્યના પોલીસ દળમાં એકસૂત્રતા જાળવી તેનો અસરકારક ઉપયોગ કરવા માટે યોગ્ય નેતાગીરી અને નેતૃત્વ પૂરા પાડવાને બદલે અમિતભાઈ શાહે બ્રિટિશરોની ભાગલા પાડો અને રાજ કરોની અત્યંત હિન નીતિ અપનાવી હતી. ઓફિસર્સનો ઉપયોગ કરીને તેમના માટે ખોટી માહિતી ફેલાવીને તેમને ફેંકી દેવાની ખરાબ નીતિ તેમણે અપનાવી હતી, આવી રીતે તેઓ ઓફિસરોમાં તેમજ સરકારમાં વિશ્વાસની કટોકટી સર્જવામાં સફળ રહ્યા હતા, પરિણામે વિશ્વમાં જેની ગણના થાય છે તેવા ગુજરાત પોલીસમાં રહેલા અંકુશનો ભાંગીને ભુકો થઈ ગયો હતો.

જેના પરિણામે પોલીસ વિભાગમાં એવી કફોડી સ્થિતિ સર્જાઈ હતી કે કોઈ એકબીજાનો વિશ્વાસ કરતા નહીં. દરેક લોકો એકબીજાને એકબીજાનાં જાસૂસ કે હરીફ માનવા લાગ્યા હતા. એકબીજાને હાનિ પહોંચાડવા અને ખતમ કરવા માટે મચી પડયા હતા, આવા સંજોગોમાં પોલીસ અધિકારીઓને રાજ્યનાં ગૃહ મંત્રાલયમાં કે મંત્રાલયને અધિકારીઓમાં વિશ્વાસ રહ્યો નહોતો. પરિણામે ગુજરાત પોલીસમાં યાદવાસ્થળી જેવી સ્થિતિ સર્જાઈ હતી. સીબીઆઈએ તેનો ગેરલાભ ઊઠાવીને આ સરકાર સામે રાજકીય અને કાનૂની દાવપેચ રમવાના દરવાજા ખોલીને બીજી તરફ વફાદાર પોલીસ અધિકારીઓને એન્કાઉન્ટરનાં કેટલાક કેસમાં ફસાવ્યા છે. આના પરિણામો આપણે સૌ જોઈ રહ્યા છીએ. આજે કેટલાક ચુનંદા પોલીસ ઓફિસર્સ જેલની હવા ખાઈ રહ્યા છે, અન્યો માટે કબર ખોદવાનું કામ કરતું ગૃહ મંત્રાલય ખુદ કબરમાં પટકાયું છે.

આ સરકારનો આત્મા ક્યારેક અમારા માટે જાગશે અને કોઈકના હૃદયમાં અમારા માટે લાગણી જન્મશે તેવી આશા વચ્ચે છેલ્લા છ વર્ષથી હું મૌન જાળવી રહ્યો હતો પણ આ સરકારે મારી આશાઓ પર ઠંડું પાણી રેડયું છે. મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે, 'સરકારો હૃદય વિનાનાં મશીન છે...સરકારો પાસે અંતરાત્માનો અવાજ હોતો નથી' તેમનું આ વાક્ય આજે મને ખરેખર સાચું લાગી રહ્યું છે. આમ આ સરકારે મારા મૌનને ગુણ ગણવાને બદલે તેને મારી નબળાઈ ગણીને મારી અવગણના કરવાની કુચેષ્ટા કરી છે, વધુ દુખની વાત એ છે કે આ તમામ વર્ષોમાં સરકારે મારી અને મારા અધિકારીઓ સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું છે.

પાછલ છ વર્ષની મારી ચુપકીદી દરમિયાન મેં મારા અને અન્ય અધિકારીઓ માટે આ સરકાર પાસેથી ન્યાય મેળવવાની તમામ રીતે કોશિષ કરી પરંતુ અમને નિરાશા જ હાથ લાગી. છેવટે મેં અને મારા ઓફિસરો માટે માત્ર એક ધર્મનો જ માર્ગ ખુલ્લો હતો જે શીખ ધર્મનાં ગુરુ ગોવિંદે આપ્યો છે. જે તેમનાં અનુયાયીઓને કહે છે, જ્યારે ન્યાય મેળવવાનાં તમામ માર્ગો બંધ થઇ જાય છે ત્યારે માત્ર તલવાર ઉઠાવ્યા સિવાય કોઇ વિકલ્પ રહેતો નથી. માટે મારી પાસે આ એન્કાઉન્ટર માટે જવાબદાર અસલી ગુનેગારોને ખુલ્લા પાડવાનો નૈતિક અધિકાર છે.

માટે હું સ્પષ્ટ રીતે કહેવા માંગુ છું કે ક્રાઇમ બ્રાંચનાં અધિકારીઓ, એટીએસ અને બોર્ડર રેન્જે ૨૦૦૨ થી ૨૦૦૭ દરમિયાન જે કામગીરી કરી છે અને ફરજ અદા કરી છે તે માત્ર આ સરકારની નીતીઓ આધારિત જ હતી.

ગોઝારો ગોધરા કાંડ અને ત્યારબાદ થયેલા એટલા જ ગોઝારા એવા કોમી તોફાનોએ પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠનો એલઇટી, જેઇએમ અને ડી ગેંગ કે જેઓ આઇએસઆઇની સીધી દેખરેખ હેઠળ દુનિયાભરનાં મુસ્લિમોને ઉશ્કેરીને ગુજરાતને બીજુ કાશ્મીર બનાવવા માંગતા હતા. અને એટલા માટે જ ત્રાસવાદી ઘટનાઓની વણઝાર તે સમયે જોવા મળી જેમ કે રથયાત્રાને ઉડાવી દેવાનું કાવત્રુ, એએમટીએસ બસમાં બોંબ ધડાકા, ગોધરા, દેરોલ , મેહલોલ અને લુણાવાડામાં થયેલા બોંબ વિસ્ફોટો, મેમ્કો સ્કુટર બ્લાસ્ટ, નેહરુનગર સાઇકલ બ્લાસ્ટ, વડોદરામાં નીરજ જૈન પર ફાયરીંગ, સુરતમાં લાલીવાલ પર ફાયરીંગ, અમદાવાદમાં જયદીપ પટેલ પર ફાયરીંગ, જગદીશ તિવારી પર ફાયરીંગ અને હરેન પંડયાની હત્યા, અક્ષરધામ પર થયેલો ફિદાયીન હુમલાથી ગુજરાતની જનતામાં એક જાતનો ડર પેદા થયો હતો.

આમ જેહાદી ત્રાસવાદ રાજ્યમાં દાવાનળની જેમ ફેલાતો ગયો. દરેક જગ્યાએ પોલીસ સાવ દિશાશૂન્ય હતી અને રાજ્યમાં એક રીતે અરાજકતા તરફ ધકેલાઇ રહ્યું હતું. પાકિસ્તાન સાથે સમુદ્દી અને જમીની સરહદ હોવાથી ગુજરાત બીજુ કાશ્મીર બનવાની દિશા તરફ હતું. અને એટલા માટે જ

ગુજરાત સરકારે ત્રાસવાદ માટે ઝીરો ટોલરન્સની નીતી અખત્યાર કરી હતી.

સરકારની આ નીતિનો સામાન્ય રીતે ગુજરાત પોલિસ દ્વારા અને ખાસ કરીને ક્રાઈમ બ્રાન્ચ તેમજ એટીએસ દ્વારા તેમની ફરજો બજાવવામાં અસરકારક અને અત્યંત કાર્યક્ષમ રીતે અમલ કરવામાં આવ્યો હતો અને તેનાં દ્વારા ત્રાસવાદને લગતા તમામ ગુનાઓને શોધી કાઢવામાં આવ્યા હતા. આ ઉપરાંત ત્રાસવાદીઓનાં કેટલાક રાષ્ટ્રીય સ્તરનાં અને આંતરરાષ્ટ્રીય સ્તરનાં નેટવર્કને પકડી પાડવામાં આવ્યા હતા જેમાં કેટલાક એન્કાઉન્ટરનાં કેસોનો પણ સમાવેશ થાય છે. ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસનાં તમામ ઓફિસર્સ અને કર્મચારીઓ દ્વારા રાત દિવસ જે લોકોએ ભારત સામે યુધ્ધ છેડયું હતું તેવા લોકોને હંફાવવા અને પરાસ્ત કરવા માટે તેમની સામે અથાગ રીતે યુધ્ધ છેડવામાં આવ્યું હતું. રાજ્યનાં, સમાજનાં અને દેશનાં એકમાત્ર અને એકમાત્ર વિશાળ હીતમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ તેમનાં સ્વાસ્થ્યની, તેમની સલામતીની અને તેમનાં પરિવારની પરવા કર્યા વિના વર્ષો સુધી ત્રાસવાદ સામે લડત ચલાવી હતી.

મારે ગૌરવ સાથે કહેવું જોઈએ કે મારા અધિકારીઓ તેમજ મારી સાથેનાં કર્મચારીઓએ સફળતાપૂર્વક માત્ર ગુજરાતને બીજું કાશ્મીર બનતા જ અટકાવ્યું નથી પણ રાજ્યમાં કાયમી શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ સ્થાપવામાં પણ તેમણે મહત્વનું પ્રદાન કર્યું છે. જેને પરિણામે તેમણે એક તરફ આ સરકારની પ્રતિષ્ઠા વધારી છે અને બીજી તરફ વિકાસનો માર્ગ પણ કંડાર્યો છે. હું મારી પૂર્ણ નમ્રતા સાથે કહું છું કે રાજ્યમાં પ્રારંભિક અસ્થિરતા દૂર કરવામાં મેં અને મારા અધિકારીઓએ મોટો ભોગ આપ્યો છે જેનાં વિના સરકાર રાષ્ટ્રીય સ્તરે ગૌરવ પૂર્વક 'ગુજરાતનાં વિકાસ મોડેલ'નું નિદર્શન અને દાવો કરી રહી છે તે શક્ય બન્યું ન હોત.

ગુજરાત જ્યારે જેહાદી ત્રાસવાદની આગમાં સળગી રહ્યું હતું ત્યારે મારા પર ગાંધીનગરથી અનેક પ્રધાનો અને નેતાઓનાં દરરોજ અનેક ફોન કોલ્સ આવતા હતા. જેઓને મારામાં અને મારા અધિકારીઓમાં તેમનાં તારણહાર જોવા મળતા હતા. પણ સમય જતા હું અને મારા અધિકારીઓ તેમના માટે નકામા થઈ ગયા હતા અને મારી તેમજ મારા અધિકારીઓની ઉપયોગિતા તેમના માટે પૂરી થઈ ગઈ હતી અને આ સરકારનાં ઈશારે સીઆઈડી તેમજ સીબીઆઈ દ્વારા અમારી ધરપકડ કરવામાં આવી હતી. અમે ક્યાં છીએ અને કેમ છીએ તે પુછવાની પણ કોઈએ પરવા કરી નહોતી. આ બાબતમાં સરકારે જે રીતે વર્તવું જોઈએ તેમ વર્તી નથી. સરકાર વતી અને સરકાર માટે યુધ્ધનાં અગ્રીમ મોરચે રહીને સરહદ પારનાં ત્રાસવાદ સામે લડનાર અમારા જેવા વફાદાર સૈનિકો અને અધિકારીઓને રક્ષણ આપવામાં સરકાર સરેઆમ નિષ્ફળ ગઈ છે અને નકામી પૂરવાર થઈ છે. આમ આ અનૈતિક સરકાર તમામ રીતે ગાંધીનગરમાં એટલે કે જેની સાથે વિશ્વનાં સૌથી મુઠ્ઠી ઉંચેરા માનવી મહાત્મા ગાંધીનું નામ ગૌરવપૂર્વક સંક્ળળાયેલું છે તેવા શહેરમાં સત્તા સ્થાને બેસવાનાં તમામ અધિકારો ગૂમાવી ચૂકી છે.

કહેવાતા બનાવટી એન્કાઉન્ટર કરવા માટે અમને જવાબદાર ઠેરવીને ગુજરાતની સીઆઈડી તેમજ કેન્દ્રનાં સીબીઆઈ દ્વારા જુદાજુદા એન્કાઉન્ટરનાં કેસમાં મારી અને મારા અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. જો આ સાચું હોય તો સીબીઆઈનાં તપાસ અધિકારીઓએ એન્કાઉન્ટરનાં તમામ ચાર કેસો સોહરાબુદીન, તુલસીરામ, સાદિક જમાલ અને ઈસરત જહાનાં કેસોમાં નીતિનાં ઘડનારાઓની પણ ધરપકડ કરવી જોઈએ. એક ફિલ્ડ ઓફિસર્સ તરીકે અમે તો આ સરકારની નીતિનો જ અમલ કર્યો હતો જે અમારા માટે પ્રોત્સાહક હતી અને સરકાર અમારા કામ પર ખૂબ જ નજીકથી ધ્યાન આપતી હતી, માર્ગદર્શન આપતી હતી. અને એટલા માટેજ મારું માનવું છે કે આ સરકારનું સ્થાન ગાંધીનગરમાં નહીં પરંતુ તલોજા સેન્ટ્રલ જેલ કે પછી સાબરમતી જેલમાં હોવું જોઇએ.

સાચુ જ કહેવાયું છે કે, ધર્મો રક્ષતિ રક્ષિતહ - અર્થાત કે જે લોકો ધર્મની રક્ષા કરે છે તેમની રક્ષા ધર્મ કરે છે. આજ રીતે એન્કાઉન્ટર કેસમાં પણ કહી શકાય, પ્રહરી રક્ષતિ રક્ષિતહ - અર્થાત જે લોકો પોલીસની રક્ષા કરે છે તેમની રક્ષા પોલીસ કરે છે. આવા કેસોમાં સરકાર અને પોલીસ વચ્ચે અરસપરસનાં વ્યહવારનો વણલખ્યો કરાર હોય છે. સરકાર સદંતર રીતે એન્કાઉન્ટર કરનાર પોલીસનું રક્ષણ કરવામાં નિષ્ફળ નીવડી છે. માટે મારા તરફે એકતરફી ઋણ રહેતું નથી કે હું સરકારમાં બેઠેલા ગદ્દારોનું રક્ષણ કરું જેમણે દેશભક્ત પોલીસ અધિકારીઓને મોતનાં જડબામાં ધકેલી દીધા છે.

આની પાછળનો તર્ક ખૂબ જ સરળ છે. ઉદાહરણ તરીકે સરકાર અને પોલીસ અધિકારીઓ એક જ હોડીમાં સફર કરી રહ્યા છે જેમાં ડુબવું કે તરવું એ સહીયારું છે. કોઇએ પણ કોઇના ભોગે વધારે હોંશિયાર બનીને તરી જવાનું નથી હોતું, નહીં સરકારે કે નહીં પોલીસ અધિકારીઓએ. માટે હું એકદમ સ્પષ્ટ રીતે કહેવા માંગુ છું કે, આ સરકાર અમિતભાઇ શાહની ગંદી યુક્તિઓ થકી પોતે તરી ગઈ અને તમામ રીતે સમૃધ્ધ બનતી રહી, તેમણે પોલીસ અધિકારીઓને દગો આપ્યો તેમને ડુબવા દીધા અને અકુદરતી એવા મોત તરફ તેમને ધકેલી દીધા. આવા આત્મઘાતી પગલાઓ ભરી આ સરકાર પોતાને પણ લઇ ડુબશે એ બાબતે હું ખાત્રીપૂર્વક કહું છું.

હાલની સરકાર ગુજરાતની ગાદીએ આવી તે પહેલા ગુજરાત પોલીસ દેશમાં એક ઉત્તમ પોલીસ તરીકે દેશમાં ખ્યાતનામ હતી. હવે આજે આ જ ગર્વ અનુભવતી પોલીસ પાછલા છ વર્ષમાં જેલમાં પુરાયેલા અધિકારીઓ અને સરકારનો દગો જોઇને એકદમ નિરુત્સાહ અને નિરાશ થઇ ગઇ છે.

વધારે અગત્યનું એ છે કે આ નિરાશાનો વાઇરસ કે જે આ સરકારે ગુજરાત પોલીસનાં દાખલ કર્યો છે તે માત્ર ગુજરાત પુરતો જ સિમીત નથી રહ્યો. ગુજરાત સરકાર દ્રારા જાણીજોઇને પોલીસને નિરુત્સાહ કરવામાં આવી રહી છે અને હવે આ રીત દેશનાં ખૂણે ખૂણા સુધી પહોંચી છે. આમ ગુજરાત સરકાર દ્રારા પોલીસ અધિકારીઓનો તોડાવામાં આવતો જુસ્સો એ માત્ર ગુજરાત રાજ્યની નહીં પરંતુ દેશ આખાની કુસેવા કરી રહ્યું છે.

ગુજરાતનાં માનનીય મુખ્યમંત્રીએ ભારતમાતાનું ઋણ ચુકવવાની વાત યોગ્ય કહી હતી. આમ તો આ દરેક નાગરિકનો ધર્મ છે. એટલે એમને અત્યારે આ કહેવું એ સાવ અસ્થાને નથી કે દિલ્હી તરફ કુચ કરવાની ઉતાવળમાં તેઓ જેલમાં કેદ અધિકારીઓનું ઋણ ચુકવવાનું ભૂલી ગયા છે કે જેમણે તેમના ચહેરા પાછળનો તેજપુંજ એવા બહાદુર મુખ્યમંત્રીનો ખિતાબ અપાવ્યો કે જે અન્ય કોઇ મુખ્યમંત્રીની પાછળ નથી આમ મારું એવું માનવું છે કે અધિકારીઓની મદદ કરવી એ પણ ભારતમાતાનું ઋણ ચુકવવા બરાબર જ છે. માટે અત્રે મારી આટલા લાંબા વખતની ગર્વભેર ચુપકીદી વિશે હું ઓન રેકોર્ડ કહી રહ્યો છું કે, મને નરેન્દ્ર મોદીમા સૌથી વધારે વિશ્વાસ હતો સૌથી વધારે માન હતું, ગુજરાતનાં માનનીય મુખ્યમંત્રી, કે જેમને હું ભગવાન માનતો હતો. માટે હું ખેદ સાથે કહું છું કે, મારા આ ભગવાન અમિત શાહની દુષ્ટ અસરમાં મને મદદ ના કરી શક્યા. અમિત શાહે સફળતાથી તેમની આંખો અને કાનનો કબજો લઇ લીધો છે અને તેઓ છેલ્લા બાર વર્ષથી મોદીને અયોગ્ય માર્ગદર્શન આપીને ક્યારેક બકરીને કુતરો ને ક્યારેક કુતરાને બકરી સાબિત કરી રહ્યાં છે. રાજ્યનાં તંત્ર પર તેમની આ અપવિત્ર પકડ એટલી મજબૂત છે કે જાણે તેઓ જ રાજ્ય સરકાર ચલાવી રહ્યા છે. એક હાથે આ સરકારની અવગણના અને બીજી તરફ અમિત શાહની આ વ્હાલા દવલાની નીતિ કે જે ૩૨ જેલમાં પુરાયેલા અધિકારીઓનું ભાવિ નક્કી કરી રહ્યા છે તે એટલું ઘૃણાસ્પદ છે કે તે વહેલા કે મોડા આ સરકારને સ્મશાને પહોચાડશે.

આમ ઉપર મુજબ કહેવા સંજોગો પ્રમાણે મારું મન ના માનતું હોવા છતા આ સરકારના લીધે મારે અધિકારીઓનાં ભલા માટે આ પગલું લેવું પડયું છે.અને એટલા માટે જ હું સ્પષ્ટ રીતે કહેવા માંગુ છું કે, આ કરોડરજ્જુ વગરની ગુજરાત સરકાર કે જે માત્ર બોલવામાં જ માને છે અને કરવાની વાત આવે ત્યારે તે સાવ ડરપોક અને નપુંસક છે. માટે આ સરકારે મને નોકરીમાં રાખવા માટેનું કોઇ કારણ નથી અને મારા માટે પણ આ સરકારમાં એક દિવસ પણ નોકરીએ રહેવાનું કોઇ કારણ નથી.

માટે મારા અંતરરાત્માના અવાજ પ્રમાણે હું અહીંયા મારી ફરજમાંથી નિવૃત્ત બાદ મળતા તમામ હકોને ત્યાગીને રાજીનામું આપું છું. આ કાગળ મળે ત્યારથી મારું રાજીનામું મંજુર કરવું. આ પ્રમાણે હું મારી જાતને આ તારીખથી કે પછી તમારી તરફથી આવનાર ઔપચારીક ઓર્ડર બાદ આ ફરજમાંથી મુક્ત થયેલો સમજું છું

આમ આજે હુ મારા દેશપ્રેમનાં લીધે ગુજરાતની અને મહારાષ્ટ્રની વિવિધ જેલોમાં મારા જીવનનું સાતમા વર્ષનું બલિદાન આપી રહ્યો છું અને આ જ પ્રેમનાં લીધે હું નિવૃત્તિ બાદ મળતા તગડા લાભોનું પણ બલિદાન આપી રહ્યો છું.

અને આ પત્ર સાથે હું ગુજરાત પોલીસને ગુડ બાય કહું છું કે જેનો હું છેલ્લા ૩૩ વર્ષથી એક ગર્વિત સભ્ય હતો....

તમારો
ડી જી વણઝારા
ઇન્સપેક્ટર જનરલ ઓફ પોલીસ
અંડર સસ્પેન્શન
 
Share This