180X600.jpg
Jul 28,2016 03:59:31 PM IST
 

આપણે શિક્ષકોને કેટલા 'અસાધારણ' રહેવા દીધા છે? (એકસ્ટ્રા કોમેન્ટ)

Sep 04, 2013 22:46 Supplements >
 
comment     E-Mail     Print    
 
Viewed: 2923
Rate: 2.0
Rating:
Bookmark The Article

એક્સ્ટ્રા કોમેન્ટ - કૃષ્ણકાંત ઉનડકટ

આજે શિક્ષકદિવસ છે. દરેક વ્યક્તિના જીવનમાં માતા-પિતા પછી સૌથી મહત્ત્વની કોઈની ભૂમિકા હોય તો એ શિક્ષક છે, જો કે હવે બધું જ બદલાઈ ગયું છે, શિક્ષક હવે પહેલાં જેવા નથી રહ્યા. તેનું કારણ એ છે કે, શિક્ષણ પણ હવે પહેલાં જેવું નથી રહ્યું. મોર્ડનાઈઝેશન અને કોર્મિશયલાઈઝેશને શિક્ષણની પણ વાટ લગાડી છે. શિક્ષક હવે 'ભણાવવા' નહીં, પણ નોકરી કરવા આપે છે. વાંક માત્ર શિક્ષકનો નથી, પણ સિસ્ટમનો છે. શિક્ષકનો ઘટતો આદર અને શિક્ષણનો બદલાયેલો નજરિયો માત્ર ડિગ્રીધારીઓને જ પેદા કરી શકે છે, સારા માણસને નહીં !

શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો ! શિક્ષકની કોઈ વાત હોય કે શિક્ષક દિવસ હોય ત્યારે ચાણક્યએ સદીઓ પહેલાં કહેલી આ એકની એક વાત વારંવાર ટાંકવામાં આવે છે. એ સિવાય બીજું કંઈ સૂઝતું જ નથી? ના, સાવ એવું ય નથી, પેલો શ્લોક છે ને, ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ... આમ તો આ શ્લોક પણ પ્રાચીન છે. નવું શું છે ? સમથીંગ લેટેસ્ટ, ઇનોવેટિવ, એનકરેજિંગ, ઇન્સ્પાયરિંગ... કંઈ જ નહીં ! સરસ મજાના એરકન્ડિશન્ડ સ્ટોરમાંથી એક બ્યૂટીફૂલ કાર્ડ ખરીદવાનું, તેના પર એક ફૂલ ચોંટાડવાનું, સર કે મેડમને જઈને આપવાનું અને કહેવાનું કે હેપી ટિચર્સ ડે ! સેલિબ્રેશન ઓવર ! અને જો ટિચર દૂર હોય તો ટેક્સ્ટ કરી દો ! જુદી જુદી ટયૂન પર ઇઝી અવેલેબલ છે, સર, સર ઓ સર, વી લવ યુ...

જમાનો ફાસ્ટ છે. બધું જ બદલાયું છે. શિક્ષક પણ બદલાયો છે. આપણી નોકરી ભલી અને આપણું કામ ભલું. પિરિયડ પત્યો પછી તું કોણ અને હું કોણ ! એક શિક્ષકે કહ્યું કે, હવે બહુ ઇન્વોલ્વ થવા જેવું નથી, જસ્ટ ડુ યોર ડયૂટી એન્ડ યોર જોબ ઈઝ ડન ! ક્લાસ પૂરતાં જ સંબંધ ! હવેના શિક્ષકો ફક્ત નોકરી કરવા આવે છે, ભણાવવા નહીં. આવું જ થવાનું છે, જેટલા સારા શિક્ષકો છે એ પણ આવી વાતો કરનાર જ બની જશે, જો બધું આ રીતે જ ચાલ્યું તો ! શિક્ષકો પ્રત્યે લોકોને અગાઉ જેવો આદર હતો એવો આજે છે ? નથી. તો પછી તમે આજના શિક્ષક પાસે અગાઉના શિક્ષક જેવી અપેક્ષા કેવી રીતે રાખી શકો ?

એક વિદ્યાર્થીને પૂછવામાં આવ્યું કે, શિક્ષકની ભૂમિકા શું છે ? એ વિદ્યાર્થીએ કહ્યું કે, શિક્ષક અમને ભણાવે છે. જેવી રીતે અમારો ડ્રાઈવર ગાડી ચલાવે છે, અમારો ધોબી કપડાં ધોઈ-ઈસ્ત્રી કરીને આપી જાય છે, અમારો કૂક જમવાનું બનાવી આપે છે, અમારો વોચમેન ઘરની સંભાળ રાખે છે એમ શિક્ષક અમને ભણાવે છે. મારા ડેડી એને પે કરે છે અને એ અમને ટીચ કરાવે છે !

ક્યાંક ચૂક થાય છે, બંને પક્ષે. વિદ્યાર્થી અને મા-બાપના પક્ષે અને સામે ટીચરના પક્ષે પણ. હવે તો શિક્ષક દિવસ જુદી રીતે ઉજવવાની જરૂર છે. ટીચર-સ્ટુડન્ટ રિલેશન, સ્ટેટસ ઓફ ટીચર ઈન સોસાયટી વિશે થિંકિંગ, રીથિંકિંગ, એનાલિસિસ એન્ડ સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન કરવાની જરૂર છે. તમને થશે કે આ શું આટલા બધા અંગ્રેજી શબ્દો ? પણ યુ સી, હવે તમે આદર્શો, સિદ્ધાંતો, મૂલ્યો, આત્મનિરીક્ષણ જેવી વાતો કરો તો આઉટડેટેડ લાગે છે, એવું જ પ્રાચીન જેવા શિક્ષકો અને તેમના પ્રત્યેનું સન્માન એક સમયે હતું.

શિક્ષકના અવમૂલ્યનનું સૌથી મોટું જો કોઈ કારણ હોય તો એ છે, એજ્યુકેશનનું કર્મિશયલાઈઝેશન. બધું રૂપિયાના આધારે જ સરખાવવામાં આવવા લાગ્યું છે. એક આલિશાન સ્કૂલની મુલાકાતે જવાનું થયું ત્યારે ત્યાંના એડમિનિસ્ટ્રેટરે કહ્યું કે, અમારે ત્યાં તો ટીચર્સ માટે પણ પંચિંગ સિસ્ટમ છે ! જે ટીચર મોડા આવે એને પણ સ્ટુડન્ટ્સની જેમ જ ફાઈન થાય ! બોલો લો, એક તો એ સવાલ કે તમને તમારા શિક્ષક માથે જ ભરોસો નથી અને બીજી વાત એ કે જો ખુદ શિક્ષકો જ ડિસિપ્લીનમાં ન સમજે તો પછી સ્ટુડન્ટ્સ ક્યાંથી સમજવાના ?

બધું જ કેટલું બધું બદલાઈ ગયું છે ? મા-બાપ પણ ટયૂશનિયા શિક્ષકો પાસે જઈને એવું કહે છે કે, ફી ગમે એટલી થાય, નો પ્રોબ્લેમ, મારા ચાઈલ્ડનો રેન્ક આવવો જોઈએ ! ક્યારેક તો એવું લાગે છે કે, અત્યારના સમયમાં 'આઈડેન્ટિટી ક્રાઈસીસ' છે, ટીચર્સની આઈડેન્ટિટી, એજ્યુકેશનની આઈડેન્ટિટી અને સ્ટુડન્ટ્સની આઈડેન્ટિટી ! ભણવાનો બોજ લાગવા માંડે ત્યારે સમજવું કે એજ્યુકેશન ખોટા રસ્તે છે.

ટીચર્સ પણ હવે હોશિયાર વિદ્યાર્થીઓ પ્રત્યે જ વધુ ધ્યાન આપવા લાગ્યા છે. મારા સ્ટુડન્ટ્સનો બોર્ડમાં નંબર આવે છે! બોર્ડમાં નંબર આવે તો જ સ્કૂલને સારા વિદ્યાર્થીઓ મળે છે અને શિક્ષકને સારા ટયૂશન્સ ! વિદ્યાર્થીઓને પણ હવે સ્કૂલના ટીચર્સ કરતાં ટયૂશનના ટીચર્સ વધુ વહાલા લાગવા માંડયા છે, કારણ કે એ લોકો ભણાવે છે.

ખાનગી શાળાના ટીચર્સ અને સરકારી ટીચર્સ વળી જુદી જુદી ખાસિયતો ધરાવે છે. એક તરફ શાળાનું સ્ટ્રીક્ટ મેનેજમેન્ટ શિક્ષકની પિદુડી કઢાવી નાખે છે તો બીજી તરફ સરકારી શિક્ષકોને લીલાલહેર છે. વિદ્યાસહાયકો પોતે જ અસહાય છે એટલે એ બધા જૈસા દામ વૈસા કામ જેવું જ વલણ અપનાવે છે !

સમથીંગ ઈઝ મિસિંગ. આજે ટીચર્સ ડે શા માટે છે કેટલા લોકોને ખબર છે કે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન કોણ હતા ? કોઈની પરીક્ષા લેવા જેવું નથી,કારણ વગરની પોલ છતી થઈ જાય. હવે કોઈને કોઈ પ્રશ્ન પૂછો તો એ કહે છે કે, જસ્ટ અ મિનિટ, મોબાઈલ કે ટેબ કાઢીને તરત ગુગલમાં સર્ચ મારે છે... જવાબ હાજર છે. જવાબ મળી જાય છે, પણ શિક્ષણ ક્યાં છે ? સ્મરણ ક્યાં છે ? સંસ્કાર ક્યાં છે ?

શિક્ષકોની જવાબદારી ભણાવવાની સાથે ગણાવવાની પણ હતી. જૂના જમાનાના શિક્ષકો સોટી મારતા તો પણ માતા-પિતા તેને વંદન કરતા હતા. તેને ખબર હતી કે શિક્ષક જે કંઈ પણ કરશે એ અમારા સંતાનના ભલા માટે જ હશે. હવે તો શિક્ષક જ બિચારો બીવા લાગ્યો છે. એમાંય એક-બે શિક્ષકો અડપલા કરતાં કે છોકરાને મારતા પકડાય એટલે શિક્ષકોની આખી કોમ બદનામ થાય છે.

શિક્ષકોની ટીકા કરવી બહુ જ આસાન છે, દરેકે પોતે પણ એની તપાસ કરવાની જરૂર છે કે, આપણે શિક્ષક માટે જે કરવું જોઈએ એ કરીએ છીએ ખરા ? તમે યાદ કરો, તમારા જીવનમાં કયા શિક્ષકની ભૂમિકા અત્યંત મહત્ત્વની છે ? તમે ક્યારેય તેને યાદ કરો છો ખરા ? શિક્ષક બિચારા ક્યારેક છાપામાં નામ-ફોટા જોઈ કે ટેલિવિઝન પર જોઈને એમ કહેતા હોય છે કે એ મારો સ્ટુડન્ટ હતો હોંકેટલા લોકો શિક્ષકોને યાદ રાખે છે. ગુરુ પરંપરા હવે માત્ર નૃત્ય અને સંગીતની દુનિયામાં થોડી સચવાઈ છે. આદર, પૂજનીય ભાવ, સન્માન ક્યાં ગાયબ થઈ ગયા છે ?

હા, શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો, પણ એને અસાધારણ જ બનાવી રાખવાની જરાકેય જવાબદારી સમાજની ખરી કે નહીં ? માસ્તર 'માસ્ટર' જ રહેવો જોઈએ. શિક્ષકોને દોષ ન દો, શિક્ષકનું મૂલ્ય તો જ જળવાશે જો આપણે તેના અવમૂલ્યનનું કારણ ન બનીએ.

સ્ટુડન્ટ ટીચર્સને કાર્ડ-ગિફ્ટ આપીને ભૂલી જાય છે અને સરકાર શ્રેષ્ઠ શિક્ષકનું ઈનામ આપીને ! એની વે, તમારાથી કંઈ થઈ શકે તો કરજો અને બીજું કંઈ ન થઈ શકે તો શિક્ષકને આદર આપતાં તો શીખજો જ. માત્ર આપણા સંતાનોના ટીચરને જ નહીં, બધા જ શિક્ષકને, આપણા બાળકોના ટીચર તો આપણને સારા જ લાગતા હોય છે, કારણ કે એની પાસેથી આપણને ઘણી બધી અપેક્ષા હોય છે. ઓવરઓલ, ટીચર માટે જે રિસ્પેક્ટ હોવું જોઈએ એ તમને છે ? કોઈ એમ કહે કે હું ડોક્ટર છું, એન્જિનિયર છું, સાયન્ટિસ્ટ છું, તો આપણે કહીએ છીએ કે, અચ્છા, ગ્રેટ ! પણ કોઈ એમ કહે કે, હું શિક્ષક છું ત્યારે આપણો પ્રતિભાવ કેવો હોય છે ? લાગે છે ને કે સમથીંગ ઇઝ મિસિંગ ! હે વિશ્વના તમામ શિક્ષકો, તમને દિલથી વંદન !

 
Share This
 
 
   

 
Supplements