Sep 02,2014 02:29:03 AM IST
 

રૂપિયા ૮૦ કરોડની આદિવાસીની જમીન પરવાનગી વિના વેચી મરાઇ

Sep 05, 2013 03:04 Baroda > Baroda City
 
comment     E-Mail     Print    
 
Viewed: 559
Rate: 4.0
Rating:
Bookmark The Article

વડોદરા, તા. ૪

બાપોદની સર્વે નંબર ૫૫૯/૧ની ૩૭,૨૩૧ ચોરસ મીટર જમીન ગણોતીયા શનાભાઇ મેલાભાઇ વસાવાએ ખરીદી હોય અને સરકારી ચોપડે પણ તેના નામે જ બોલી રહી છે. જે જમીનમાં ૭૩ કકના નિયંત્રણોમાં રાજ્ય સરકારની પૂર્વ મંજુરી વિના જમીન વેંચી શકાય નહિ. તેમ છતાં પણ ગણોતીયાને જ અજાણ રાખી પૂર્વ જમીન માલિકના સંતાનો દ્વારા જમીના દસ્તાવેજ કરવામાં આવ્યા હતા. જેમાં સરકારી ચોપડે શ્રી સરકાર થયેલી ૯,૫૧૦ ચોરસ મીટર જમીનનો પણ દસ્તાવેજ કરી દેવામાં આવ્યો છે. સમગ્ર કૌભાંડ બાબતે શનાભાઇના વારસો દ્વારા જિલ્લા કલેક્ટરને અરજી પણ કરવામાં આવી છે.

  • આદિવાસીની જમીન સહિત રૂ. ૨૦ કરોડની સરકારી જમીનનો પણ દસ્તાવેજ કરાયો

કલેકટર કચેરીમાં એક મસ મોટું કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં રૂ. ૮૦ કરોડની જમીન પર ૭૩ કકના નિયંત્રણો લાગેલા હોવા છતાં પણ જમીન જમીનના પૂર્વ માલીકના સંતાનો દ્વારા જમીન ત્રાહિત ઇસમોને વેચી દેવામાં આવી છે.

બાપોદના સર્વે નંબર ૫૫૯/૧ની ૩૭,૨૩૧ ચોરસ મીટર જમીનની હાલની બજાર કિંમત અંદાજે રૂ. ૮૦ કરોડ થાય છે. જે સર્વે નંબરમાં ૫૯૧૦ ચોરસ મીટર જમીન શ્રી સરકાર થયેલી છે, જેની બજાર કિંમત અંદાજે રૂ. ૨૦ કરોડ થાય છે. ઉપરોક્ત જમીનના મૂળ માલીક જોહરાબીબી બન્નુમીયા શેખ હતા. અને સનાભાઇ મેલાભાઇ વસાવા ગણોત હક્ક ધરાવતા હતા. સરકારના ૧૯૫૬-૫૭ના દસ્તાવેજ અનુસાર જમીનના ૭-૧૨માં શના મેલાનું નામ હોવાનું પણ પુરવાર થયું છે. તેમજ ખેડની રીત ૩નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

હુકમ નંબર ૨૦૭૭/૫૨ તા. ૮મી ફેબ્રુઆરી ૧૯૮૦ના રોજ થયો હતો. જેમાં જમીનના માલીક તેમજ કબજેદાર તરીકે પણ સનાભાઇ વસાવાનું જ નામ હતું. ફેરફાર નોંધ નંબર ૨૭૩૭ તા. ૨૧મી એપ્રીલ ૧૯૮૨ના રોજ મંજુર થતા જમીન પર આદિવાસીની જમીન ૭૩(ક)(ક)ના નિયંત્રણો તેમજ ગ.ધા. કલમ ૪૩ લાદવામાં આવી હતી.

સર્વે નંબર ૫૫૯/૧ની જમીનમાં શનાભાઇ વસાવાને મુંબઇ ગણોત વહિવટ અને ખેતીની જમીન બાબતના અધિનિયમ ૧૯૪૮ની કલમ ૩૨(એમ) હેઠળ ખરીદીનું પ્રમાણ પત્ર પણ આપવામાં આવ્યું હતું. ફેરફાર નોંધ નં. ૨૬૧૪ અનુસાર સર્વે નંબર ૫૫૯/૧ની કુલ જમીન પૈકી ૯૫૧૦ ચોરસ મીટર તે સમયે શ્રી સરકાર પણ કરવામાં આવી હતી. શનાભાઇ વાસવાનું અવસાન થતા ૧૯૮૧માં તેમના વારસદારોના નામ દાખલ કરવામાં આવ્યા હતા. તેમ છતાં પણ જમીનના પૂર્વ માલીક જોહરાબીબીની પુત્રી કુબરાબીબીએ ૨૦૦૩માં વેચાણ દસ્તાવેજ કરી મોહંમદ અલી મોહંમદ ઇશાક મેમણને વેંચી હતી. ત્યારબાદ જમીન મુજફ્ફર હુસેન અબ્બાસઅલી સૈયદ અને જુબેર અબ્દુલગાર મેમણને અને ત્યારબાદ ત્રીજી વખત જુબેર અબ્દુલ ગફાર મેમણ, ભવાન રુખડભાઇ ભરવાડ અને પ્રકાશ રતનલાલ શેઠના નામે કરવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત તો એ છેકે, સૌથી પહેલા જમીન વેંચનાર કુબરાબીબી બન્નુમીયા શેખ તો જમીન માલીક પણ ન હતી.

 સરકારી જમીનમાં સંજુ સામે પોલીસ કેસ તો કુબરાબીબી સામે કેમ નહિ?

પાદરાના જાસપુરમાં સરકારી જમીન પચાવી પાડી તેમા ભવ્ય ફાર્મ હાઉસ બનાવનાર સંજુ ભારંભે સામે જિલ્લા કલેક્ટર દ્વારા પોલીસ કેસ કરવામાં આવ્યો હતો. જ્યારે ગરીબ ખેડૂતોને છેતરી જમીન પચાવી પાડનાર બિલ્ડર ચૌહાણ બંધુઓને પાસા કરવામાં આવ્યા હતા. પરંતુ આદિવાસી ગરીબ ખેડૂતની જમીન ખોટી રીતે વેચનાર અને તેની સાથે સરકારી જમીન પણ પચાવી પાડનાર કુબરાબીબી બન્નુમીયા શેખ સામે કોઇ જ પગલા લેવા માટે જિલ્લા કલેક્ટર વિનોદ રાવ તૈયાર કેમ નથી તેવી પણ ચર્ચા કચેરીમાં ચાલી રહી છે. પૂર્વ કોર્પોરેટર હર્ષિત (ગોપી) તલાટી દ્વારા વર્ષ ૨૦૧૩ની શરૂઆતમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, મહેસુલ મંત્રી આનંદીબેન પટેલ તેમજ જિલ્લા કલેક્ટર વિનોદ રાવને લેખીતમાં રજૂઆત કરવામાં આવી હતી.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com