180X600.jpg
Jul 01,2016 08:07:33 AM IST
 

પોલીસની જેમ ફાઈનાન્સર પણ રિમાન્ડ લે છે

Sep 05, 2013 02:29 Surat >
 
comment     E-Mail     Print    
 
Viewed: 983
Rate: 3.0
Rating:
Bookmark The Article

સુરત, તા. ૪

ગરજના માર્યા લોકોનું લોહી ચૂસી રહેલા ફાઈનાન્સરો અંગે કેટલીક ચોંકાવનારી હકીકત બહાર આવી છે. પાંડેસરા વિસ્તારના ફાઈનાન્સર તો લેણદાર સાથે રીતસરનું પોલીસ જેવું જ વર્તન કરે છે. જો કોઇ વેપારી કે દુકાનદાર નાણાં ચૂકવવામાં નિષ્ફળ જાય તો તેને ઊંચકી લઇ જઇને પોલીસની જેમ રિમાન્ડ પણ લેવામાં આવે છે. એકાદ વર્ષ પહેલાં અલથાણ વિસ્તારમાં સામૂહિક આત્મહત્યાની ઘટના બની હતી. આ ઘટનામાં પણ ફાઈનાન્સરોનું દબાણ હોવાનું જાણવા મળે છે.

  • અલથાણ વિસ્તારમાં થયેલી સામૂહિક આપઘાતની ઘટના પાછળ પણ ફાઈનાન્સર
  • નાણાં નહીં ચૂકવનારને ઊંચકી લઇ જઇને નોવા કોમ્પ્લેક્સમાં માર મરાય છે

શહેરની સરદાર માર્કેટ, ચૌટાબજાર, પાંડેસરા, ઉધના, વરાછા, કતારગામ, અમરોલી જેવા વિસ્તારોમાં ફાઈનાન્સરોનું નેટવર્ક કરોળિયાની જાળની જેમ ફેલાયેલું છે. એક વખત તેમાં ઘૂસ્યા બાદ માણસ બહાર નીકળી શકતો નથી. જો કે, હવે જે રીતે ફાઈનાન્સર દાદાગીરી કરી રહ્યા છે તે સાંભળીને ભલભલા ચોંકી જાય તેમ છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક ફાઈનાન્સર તો રીતસર પોલીસની જેવી જ ભૂમિકા ભજવી રહ્યા છે.

ગઇકાલે ઉધના પોલીસ મથકમાં જે ફાઈનાન્સરોનો મામલો પહોંચ્યો છે તે બંને લેણદારો સામે પોલીસ જેવું જ વર્તન કરે છે. જેમ પોલીસ રીઢા ગુનેગારોને વન એઇટી કરાવે છે તેવું કરવાની ધમકી હેમંત પટેલ અને આશિત પટેલ ખુલ્લેઆમ લેણદારોને આપે છે એટલું જ નહીં નાણાં ચૂકવવામાં નિષ્ફળ ગયેલા વેપારીઓને નોવા કોમ્પલેક્સની અગાશીમાં લઇ જઇને રિમાન્ડ પણ લેવામાં આવતા હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી છે. ગઇકાલે આ બંને ફાઈનાન્સર સામે પોલીસનું શરણું લેનારા કાપડના વેપારીને અરજી પાછી ખેંચી લેવા વચેટિયા મારફત દબાણ પણ કરાઇ રહ્યું હોવાનું જાણવા મળે છે.

ફાઈનાન્સરો દ્વારા નાણાં પડાવવા માટે કરવામાં આવતા દબાણથી ત્રાસી ભૂતકાળમાં કેટલાક લોકોએ આપઘાત કરી લીધા છે તો કેટલાંક લોકો ઘર છોડીને ભાગી ગયા હોવાના બનાવ પણ બન્યા છે.

 

ભીમરાડના સામૂહિક આપઘાત પાછળ પણ ફાઈનાન્સરો જ જવાબદાર

ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં અલથાણ ભીમરાડરોડ પર આવેલા આકાશ એવન્યુમાં સામૂહિક આત્મહત્યાની ઘટના બની હતી. આ ઘટના પાછળ પણ ફાઈનાન્સરોની ભૂમિકા જ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. અજિત પટેલ નામના વેપારીએ ફાઈનાન્સરો પાસે નાણાં ઉપાડયા હતા પરંતુ તે ચૂકવી નહીં શકતા વ્યાજખોરોએ દબાણ કરવાનું શરૂ કર્યું હતું અને અંતે કંટાળીને આ વેપારીએ અંતિમ પગલું ભરવું પડયું હતું.

 
ઉધના અને પાંડેસરામાં આ લોકોનો ત્રાસ

ઉધના અને પાંડેસરા એવા વિસ્તારો છે કે જ્યાં રહેતા મોટાભાગના લોકો બે ટંકનું ગુજરાન ચાલે તેટલું જ કમાતા હોય છે. આવી પરિસ્થિતિમાં જો કોઇ મોટી માંદગી આવી જાય કે અણધાર્યો ખર્ચ આવી જાય તો તેમની પાસે વ્યાજે રૂપિયા લેવા સિવાય અન્ય કોઇ જ વિકલ્પ બચતો નથી. આ તકનો સીધો જ લાભ ૧૨ થી ૧૫ ટકા જેટલું ઊંચું વ્યાજ વસૂલતા ફાઈનાન્સરો લે છે. એકવાર ફાઈનાન્સરની ચૂંગાલમાં આવી ગયેલી વ્યક્તિ તેમાંથી બહાર નીકળી શકતી નથી. ઉધના અને પાંડેસરામાં પણ આવા ફાઈનાન્સરોનો ભારે ત્રાસ હોવાનું જાણવા મળે છે. હરીનગર ૧-૨-૩ ખાતે પહેલાં મનોજ માલિયાનું નેટવર્ક હતું તો નાગસેનનગરમાં જયસિંગનો દબદબો છે, તેવી જ રીતે પાંડેસરા હાઉસિંગમાં ગૌતમ નામનો ફાઈનાન્સર લોકોનું લોહી ચૂસી રહ્યો છે. ઉધનારોડ નંબર ૧૩ ખાતે સંજય મારવાડીનું વર્ચસ્વ છે, તો ઉધનાના આશાનગરમાં અજય ચૌબે અને વિજય ચૌબેનો દબદબો છે. આ વિસ્તારમાં જ પ્રતાપ દોલતસિંગની એટલી જ દાદાગીરી છે. ઉધનામાં શિવ મિશ્રા અને અજય મિશ્રાનું નેટવર્ક છે, તો પાંડેસરાનો રાજારામ પણ આજ ગોરખધંધામાં જોડાયેલો છે. સિટીલાઇટ રોડના સંતોષ પાંડે સિટીલાઇટ ઉપરાંત ભેસ્તાન અને ઉધનામાં પણ વ્યાજનો ધંધો ચલાવે છે તો ઉધના ઉદ્યોગનગર સંઘનો મુકેશ મારવાડી પણ ગરજવાન લોકોની સ્થિતિનો લાભ ઉઠાવવામાં કોઇ જ કસર બાકી રાખતો નથી.

 
Share This
 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com