180X600.jpg
Jul 27,2016 01:20:24 AM IST
 

હરેન પંડયાની હત્યાના સૂત્રધાર સુફિયાનને લાવવા CBI સક્રિય

Sep 05, 2013 03:26 Ahmedabad >
 
comment     E-Mail     Print    
 
Viewed: 2606
Rate: 0
Rating:
Bookmark The Article

અમદાવાદ તા ૪

પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી હરેન પંડયાની હત્યામાં મુખ્ય આરોપી અસગરઅલી સહિત તમામને છોડી મુકતી વેળા ગુજરાત હાઈકોર્ટે સીબીઆઈ તપાસની આકરી ટીકા કરી હતી.

  • હરેન હત્યા કેસથી વાકેફ સિંઘલ-વણઝારાના રાજીનામાંથી અનેક તર્ક વિતર્ક
  • રાજકીય સ્તરે કેસને રિવ્યૂ કરવા માટે સમિતિ રચાઈમાહોલ ગરમાયો

જેના કારણે લોકોમાં એવી ચર્ચા જાગી હતી કે જો આ આરોપીઓ નિર્દાષ છે તો અસ્સલ ગુનેગારો કોણ છે. હવે જ્યારે હરેન પંડયા હત્યા કેસની હકીકત જાણતા જી એલ સિંઘલ અને ડી જી વણઝારા જેવા, એન્કાઉન્ટર કેસના આરોપીઓએ પોલીસની નોકરીમાંથી રાજીનામા આપવા માંડયા છે ત્યારે શું આ આરોપીઓ હરેન હત્યા કેસ પરથી પરદો ઊંચકાશે તેવા પ્રશ્નો પૂછાવવા લાગ્યા છે. બીજી બાજુ હરેન પંડયા હત્યા કેસના મુખ્ય સૂત્રધાર મનાતા ફરાર આરોપી મુફતી સુફિયાનને ભારત લાવવા માટે સીબીઆઈએ પ્રક્રિયા તેજ કરી દીધી છે. એટલું જ નહીં પરંતુ હરેન પંડયા હત્યા કેસના આરોપીઓને ભારત લાવવા માટે સીબીઆઈએ ઊભા કરેલા ખાસ વિભાગના અધિકારીઓ અને રાજકીય સ્તરના કેટલાક નેતાઓની સમિતિ રચાઈ હોવાના અહેવાલે ગુજરાતના રાજકીય વાતાવરણમાં ગરમાવો લીધો છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે આ સમિતિ હરેન પંડયા હત્યા કેસના તથ્યો ચકાસી તે બાબતે અહેવાલ આપશે.

સુફિયાન શારજાહમાં છૂપાયો હોવાના ગુપ્તચર અહેવાલ

સીબીઆઈ સૂત્રોએ કહ્યું હતું કે માર્ચ ૨૦૦૩માં હરેન પંડયાની હત્યા થઈ તે પછી મુફતી સુફિયાન અને તેનો પરિવાર બાંગ્લાદેશના રસ્તે પાકિસ્તાન ભાગી ગયો હતો. મુફતી સુફિયાનના ઘર પાસે ક્રાઈમ બ્રાન્ચના તત્કાલીન અધિક પોલીસ કમિશનર ડી જી વણઝારાની ટીમ વોચમાં હોવા છતાં તેનો પરિવાર નાસી છૂટવામાં સફળ રહ્યો હતો હવે કેન્દ્રીય ગુપ્તચર વિભાગે એવો અહેવાલ આપ્યા છે કે મુફતી સુફિયાન શારજાહમાં તેના પરિવાર સાથે રહે છે. જેના આધારે સીબીઆઈએ તેને ભારત લાવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.

હરેન હત્યા કેસમાં ચૂડાસમાને CBIની મદદમાં મૂકાયા હતા

હરેન પંડયા હત્યા કેસની તપાસ ભલે સીબીઆઈએ કરી હોય પરંતુ તેના પ્રથમ પાંચ આરોપીઓની ધરપકડ ક્રાઈમ બ્રાન્ચે કરી હતી. તે સમયે ગુજરાતમાં ભાજપની સરકાર હતી અને કેન્દ્રમાં ભાજપના નેતૃત્વ હેઠળ એન ડી એની સરકાર હતી. એલ કે અડવાણી તે સમયે ગૃહ મંત્રી અને નાયબ પ્રધાન મંત્રી હતા. આવા સંજોગોમાં કેસની તપાસ સીબીઆઈને સોંપાઈ હતી અને અમિત શાહની અત્યંત નજીકના મનાતા અધિકારી અભય ચૂડાસમાને તે સમયે સીબીઆઈની મદદમાં મૂકાયા હતા.

હરેન પંડયાની પત્ની અસગરઅલીને જેલમાં મળ્યા હતા

તાજેતરમાં જ હરેન પંડયાના પત્ની જાગૃતિબહેન અસગરઅલીને વિશાખાપટનમ્ જેલમાં મળ્યા હતા. હરેન પંડયા હત્યા કેસમાં છૂટ્યા બાદ આંધ્રપ્રદેશ પોલીસે આર્મસ એકટના ગુનામાં અસરગરઅલીની ધરપકડ કરતા તેને વિશાખાપટનમ્ જેલમાં મૂકાયો હતો. જાગૃતિબહેન અને અસગરઅલી વચ્ચેની આ મુલાકાતને પણ આ કેસ સાથે સંકળાયેલા રહસ્યો સાથે જોડીને જોવામાં આવે છે.

ભારતના કયા ગુનેગારોને અત્યાર સુધી લવાયા

ઘણા સમયથી વિદેશમાં છૂપાઈને રહેતા ઘણા આરોપીઓને ભારત સરકાર પરત લાવવામાં સફળ રહી છે. જેમાં પહેલી કડી હતો ઝબીઉદ્દીન અન્સારી ઉર્ફે અબુ જુંદાલ કે જે મુંબઈ હુમલા તથા અમદાવાદ રેલવે સ્ટેશને થયેલા વિસ્ફોટનો આરોપી છે. તે પછી આંતરાષ્ટ્રીય આતંકી અબ્દુલ કરીમ ટુંડા અને છેલ્લે ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકી યાસીન ભટકલ છેલ્લી કડી હતી. હવે મુફતી સુફિયાન, રસૂલખાન પાટી, શરીફખાન અને દાઉદ ઈબ્રાહીમ લિસ્ટમાં મોખરે છે. જોવાની ખૂબી છે કે આ તમામ આરોપીઓ સીધી કે આડકતરી રીતે ગુજરાત અને તેમાંય કોઈને કોઈ રીતે અમદાવાદ સાથે સંકળાયેલા છે.

 
Share This