180X600.jpg
Nov 29,2015 07:35:45 PM IST
 

સમર્થ ગુરુના સમર્પિત શિષ્ય

Jul 17, 2013 18:56 Supplements >
 
comment     E-Mail     Print    
 
Viewed: 6731
Rate: 2.6
Rating:
Bookmark The Article

ગુરુ મહિમા - તૃપ્તિ ભટ્ટ

'શીશ દિયે જો ગુરુ મિલે તો ભી સસ્તા જાન' ગુરુની મહત્તા શબ્દથી વર્ણવવી શક્ય નથી. ગુરુ એક એવા પારસમણિ છે જેમના સ્પર્શથી શિષ્યનું જીવન સુવર્ણમય બની જાય છે. રામકૃષ્ણ પરમહંસના સાંનિધ્યે નરેન્દ્રને સ્વામી વિવેકાનંદ બનાવી દીધા અને સમર્થ ગુરુ રામદાસે શિવાજીને દરેક મોરચે લડવાનું સાહસબળ પૂરું પાડયું. ચાણક્યે એક સામાન્ય બાળકને પ્રશિક્ષિત કરી સમ્રાટ ચંદ્રગુપ્ત બનાવી દીધો હતો, આવાં તો અગણિત ઉદાહરણો જોવા મળે છે

ગુરુ રામદાસ અને શિવાજીનું મિલન

ગુરુ અને શિષ્યનો સંબંધ બહુ જ નિરાળો છે. ગુરુ તરફનું શિષ્યનું આંતરિક ખેંચાણ જ તેને ગુરુના સાંનિધ્યમાં લઈ જાય છે. શિવાજી મહારાજે સમર્થ ગુરુ રામદાસ વિશે બહુ સાંભળ્યું હતું. શિવાજીનું રામદાસ તરફ ખેંચાણ હતું, તેથી તેમને ગુરુ રામદાસનાં દર્શન સપનામાં થાય છે. સમર્થ ગુરુ રામદાસ એક સિદ્ધ સંત હતા. તેમણે ભારતનું ભ્રમણ કરીને રાજકારણથી માંડીને સામાજિક, ધાર્મિક સ્થિતિનું અવલોકન કર્યું અને દરેક ક્ષેત્રે સુધારણા કરવા માટે મથુરા, દ્વારકામાં મઠોની સ્થાપના કરી હતી. રામદાસ સ્વામીનાં કાર્યોથી શિવાજી ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેમને ગુરુજીને મળવાની ઝંખના જાગી. શિવાજી રામદાસ સ્વામીને મળવા માટે અનેક જગ્યાએ ગયા, પણ તેમનું મિલન શક્ય ન બન્યું. એક દિવસ શિવાજી ગુરુજીને મળવા પ્રતાપગઢ પહોંચી ગયા. ત્યાં રામદાસ સ્વામીના ઇંતજારમાં જ તે નિદ્રાધીન થઈ ગયા ત્યારે સપનામાં એક ચમત્કાર થયો. તેમને સપનામાં ભગવાં વસ્ત્ર, હાથમાં માળા ધારણ કરેલા રામદાસ સ્વામીનાં દર્શન થયાં. સ્વામીએ તેમને હાથમાં નાળિયેર આપ્યું. જ્યારે સવારે જાગીને જુએ છે તો સાચે જ તેમના હાથમાં નાળિયેર હતું.

આ ઘટના બાદ શિવાજીને ગુરુ તરફની શ્રદ્ધા વધી ગઈ. તો આ તરફ ધર્મના રક્ષક શિવાજીને મળવા રામદાસ પણ આતુર હતાં તેથી તે ખુદ શિવાજી પાસે પહોંચી ગયા. શિવાજીને રામદાસના સાંનિધ્યમાં એટલું સુખ મળ્યું કે શિવાજી બધું જ છોડીને ગુરુજીનાં ચરણની સેવા કરવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે ગુરુજીએ કહ્યું કે "પ્રાણ જાય તોપણ આ ધર્મપથ પરથી ચલિત ન થઈશ. તું જ્યારે પણ મારું ચિંતન કરીશ હું તારી સાથે હોઈશ." શિવાજી જે રીતે સ્વાભિમાન અને તત્પરતાથી હિન્દુ રાષ્ટ્રના રક્ષણ માટે કાર્ય કરી રહ્યા હતા. તેના માટે તેમના ગુરુને પણ શિવાજી પર અભિમાન હતું.

શિવાજીનું મનોબળ જ્યારે પણ તૂટવા લાગતું કે કટોકટીની ઘડી આવતી ત્યારે પથ પથ પર પોતાના શિષ્યનું માર્ગદર્શન કરવા ગુરુજી સતત હાજર રહેતા હતા. કટોકટીના સમયે રામદાસ સ્વામીએ શિવાજીને આપેલ માર્ગદર્શન એટલું મૂલ્યવાન હતું કે 'દાસબોધ' પુસ્તકના રૂપમાં તેમના માર્ગદર્શનનું સંપાદન કરવામાં આવ્યું છે. શિવાજી માટે ગુરુ રામદાસ તેમના પ્રાણવાયુ સમાન હતા અને રામદાસ સ્વામીને પણ શિષ્ય તરીકે શિવાજી પર ઘણો ગર્વ હતો.

ગુરુએ બનાવ્યા નરેન્દ્રનાથને સ્વામી વિવેકાનંદ

રામકૃષ્ણ પરમહંસે નાસ્તિક નરેન્દ્રમાંથી આસ્થાવાન વિવેકાનંદનું સર્જન કર્યું. આ ગુરુ-શિષ્યના મિલનને લીધે ભારતને સ્વામી વિવેકાનંદ નામનું રત્ન સાંપડયું, સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણનું મિલન પણ એક સુંદર કુદરતી ને વિરલ ઘટના છે. બંનેને જાણે એકબીજાનો આત્મા એકમેક તરફ ખેંચતો હતો અને એક દિવસ તે મિલન શક્ય બની ગયું. નરેન્દ્ર ખૂબ જ કુશાગ્ર બુદ્ધિ ધરાવતા હતા. તે સાક્ષાત્કાર વગર કોઈ વાતનો સ્વીકાર ન કરતા. તેઓ કહેતાં કે, 'ભગવાન છે, પણ મેં તેમને જોયા નથી, તો હું તેમના અસ્તિત્વનો કઈ રીતે સ્વીકાર કરું? બસ આ જ સવાલ તેમને રામકૃષ્ણ પરમહંસ સુધી પહોંચાડે છે. તેમની કોલેજના એક અધ્યાપકે કહ્યું કે "નરેન્દ્ર, તું રામકૃષ્ણ પરમહંસની એક વાર મુલાકાત લે. તારા દરેક સંશય શ્રદ્ધામાં ફેરવાઈ જશે."

નરેન્દ્રનું મન શાંત ન હતું. તેથી બંને તરફના ખેંચાણને લીધે આખરે નરેન્દ્ર રામકૃષ્ણના સાંનિધ્યમાં પહોંચી જાય છે. જ્યારે તે રામકૃષ્ણનાં ચરણમાં મસ્તક ઝુકાવે છે ત્યારે તેમના મસ્તકને રામકૃષ્ણના પગનો અંગૂઠો અડકે છે અને નરેન્દ્રના શરીરમાં જાણે ચેતનાનો સંચાર થઈ જાય છે. નરેન્દ્ર સમાધિ અવસ્થામાં જતા રહે છે. આ ક્ષણે જ તેમને પરમાત્માની ચેતનાની અનુભૂતિ થાય છે. રામકૃષ્ણે નરેન્દ્રને સર્વવ્યાપી પરમ સત્યના રૂપમાં ઈશ્વરની સર્વોચ્ચ અનુભૂતિ મેળવવા માટેનું માર્ગદર્શન આપ્યું. 'માનવ સેવા એ જ પ્રભુ સેવા'ના મંત્ર સાથે ઠાકુરે સ્વામી વિવેકાનંદમાં શક્તિપાત કર્યો અને ત્યારબાદ તેમને પણ સાક્ષાત્ દિવ્યશક્તિની અનુભૂતિ થઈ. ગુરુકૃપાથી જ સ્વામી વિવેકાનંદે શિકાગોમાં યોજાયેલ વિશ્વ ધર્મપરિષદમાં પ્રભાવી વાણીથી સૌને અભિભૂત કરી દીધા.

રામકૃષ્ણને વિવેકાનંદ પર અપાર પ્રેમ હતો. શિષ્યની જુદાઈ તે સહન ન કરી શકતા. વિવેકાનંદ રામકૃષ્ણથી દૂર રહેતા તો ન જાણે કેટકેટલા લોકો સાથે રામકૃષ્ણ સંદેશો મોકલાવી તેને પાસે બોલાવી લેતા. રામકૃષ્ણ કાલીમાતા પાસે વિવેકાનંદની જુદાઈને લીધે રડયા હોય એવું અનેક વાર બન્યું હતું. તો આ બાજુ વિવેકાનંદને પણ તેમના ગુરુ પ્રત્યે અપાર સ્નેહ હતો. એક વાર રામકૃષ્ણે વિવેકાનંદની કસોટી લેવા માટે તેમના પ્રત્યે દુર્લક્ષ સેવવાનું શરૂ કર્યું. વિવેકાનંદ ગુરુજીનાં ચરણ સ્પર્શ કરે અને ગુરુજી મોં ફેરવીને અન્ય લોકો સાથે વાત કરવા લાગે, પણ વિવેકાનંદ વારંવાર તેમનાં ચરણ સ્પર્શ કર્યા કરે છે ત્યારે તેમના ગુરુજી કહે છે કે હું તારું અપમાન કરું છું તોપણ તું કેમ વારે વારે અહીં આવે છે. ત્યારે સ્વામી વિવેકાનંદ કહે છે કે, "તમે મારું અપમાન કરો છો તેના કરતાં મને તમારાં દર્શનથી જે આનંદ મળે છે તે આ માન-અપમાનની ભાવનાથી પર છે. આવો હતો ગુરુ-શિષ્યનો પ્રેમ. જેમાં સિદ્ધ સંત રામકૃષ્ણ પરમહંસ પણ ગળાડૂબ હતા.

 
Share This


 
 
   
 
Columns/Editorial
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com