180X600.jpg
Jul 23,2016 10:26:38 PM IST
 

બુલબુલની હાર

Jul 26, 2013 19:16 Supplements >
 
comment     E-Mail     Print    
 
Viewed: 2168
Rate: 3.1
Rating:
Bookmark The Article

સુંદરવનમાં એક સંગીતશાળા હતી. સંગીતશાળાનો શિક્ષક મિકુ મોર દરેક પશુપંખીને ગીત-સંગીત શીખવતો. આ શાળામાં કેસુ કાગડો, ઘેલુ ઘુવડ, રિમી રીંછ, કમુ કોયલ, બબલુ બંદર વગેરે જેવાં અનેક પશુપંખીઓ અભ્યાસ કરતાં હતાં. એક દિવસ ક્યાંકથી એક બુલબુલ ઊડીને આવ્યું. તેને સંગીતશાળા ખૂબ જ ગમી. બુલબુલનો કંઠ ઘણો સારો હતો, એટલે મિકુ મોરે તરત જ તેને શાળામાં પ્રવેશ આપી દીધો. થોડા જ વખતમાં બુલબુલનો કંઠ આખા સુંદરવનમાં સંભળાવા લાગ્યો. દરેક પ્રાણી તેના મીઠા અવાજનાં વખાણ કરવા લાગ્યું. બુલબુલને તો જાણે નવી પાંખો મળી ગઈ. તે રોજ નવાં નવાં ગીતો શીખતું અને ગાતું. એક દિવસ જંગલના પ્રેસિડેન્ટ લવલી લાયન શાળાના નિરીક્ષણ માટે આવ્યા અને તેમણે પણ બુલબુલનાં ખૂબ જ વખાણ કર્યાં. બુલબુલ આમ પ્રખ્યાત બની ગયું. ખ્યાતિ મળવાની સાથે બુલબુલમાં અભિમાન આવવા લાગ્યું. હવે તેણે ગાવાનું ઓછું કરી નાખ્યું. પોતાની મસ્તીમાં ગાવાને બદલે તે કોઈક બહુ જ વિનંતી કરે ત્યારે જ ગાતું. એમાંય વળી, જો કોઈ કાગડા, ચકલીઓ જેવાં નાનાં પંખીઓ કે સસલાં જેવાં નાનાં પ્રાણીઓની વિનંતી તો ગણકારતું પણ નહીં. સંગીતના વર્ગમાં પણ તે અનિયમિત રહેતું અને આવે ત્યારે કેસુ કાગડાને તેમજ બબલુ બંદરને 'કેવો ગંદો અવાજ! તમને કોઈ દિવસ ગાતા નહીં આવડે.' એમ કહીને હેરાન કરતું.

એક દિવસ સંગીતશાળાના શિક્ષક મિકુ મોરે સંગીતસ્પર્ધાનું આયોજન કર્યું. બુલબુલ ઘણા દિવસથી શાળામાં આવતું નહોતું. પોતાના સુરીલા ગળા પર મુસ્તાક બુલબુલને એમ હતું કે તેને તૈયારીની કોઈ જરૂર જ નથી. જે પશુપંખીઓ નિયમિત શાળાએ જઈ રિયાજ કરતાં હતાં તેમની બુલબુલ મજાક ઉડાવતું. છેવટે સ્પર્ધાનો દિવસ આવી ગયો. જંગલનાં બધાં જ પ્રાણી સ્પર્ધાને માણવા માટે હાજર હતાં. બધાં જોરજોરથી 'બુલબુલ...બુલબુલ' બૂમો પાડતાં હતાં અને ચિચિયારીઓ કરતાં હતાં. શિક્ષક મિકુ મોરે નિર્ણાયક તરીકે પધારેલા ઉસ્તાદ સુમન શિયાળનો પરિચય આપ્યો અને સ્પર્ધા શરૂ કરી. વારાફરતી દરેકે ઉસ્તાદ સુમન શિયાળના કહેવા મુજબ ત્રણ-ત્રણ ગીતો સંભળાવ્યાં. ધારણા મુજબ સૌથી વધારે વાહ વાહ અને તાળીઓ બુલબુલને જ મળી. હરીફાઈ પૂરી થતાં ઉસ્તાદ સુમન શિયાળ વિજેતાની જાહેરાત કરવા ઊભો થયો. તેણે કહ્યું, "દરેકે સરસ પ્રયાસ કર્યો છે. કેટલાકનો કંઠ પણ ખરેખર ઘણો જ ગમી જાય એવો હતો. જોકે, આજની સ્પર્ધાનો આશય કંઠ નહીં, પણ સૂર તપાસવાનો હતો. પ્રથમ વિજેતા તરીકે કમુ કોયલ, બીજા નંબરે રિમી રીંછ અને ત્રીજા નંબરે કેસુ કાગડો વિજેતા થાય છે." સુમન ઉસ્તાદની જાહેરાતથી આખી સભામાં સોપો પડી ગયો. બુલબુલને એક પણ ઇનામ ન મળ્યું. આવું કેમ થયું તે કોઈની સમજમાં ન આવ્યું. સમાપન માટે ઊભા થયેલા મિકુ મોરે કહ્યું, "કંઠ સારો કે ખરાબ એ તો કુદરતી હોય છે, પણ સૂરનું યોગ્ય જ્ઞાન અને તેનો સખત રિયાજ એ આપણા હાથની વાત હોય છે. જેમણે પણ સખત મહેનત કરી છે તેમને સફળતા મળી છે. વિજેતા થનારને અભિનંદન! અને જેમને ઇનામ નથી મળ્યું તેઓ વધારે મહેનત કરે તેવી શુભેચ્છાઓ."

- મેહુલ મકવાણા
બોધ
નિયમિત અભ્યાસ વગર કોઈ પણ કૌશલ્ય અધૂરું છે.
 
Share This
 
 
   

 
Columns/Editorial
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com