યોગ ભગાવે રોગ - બાબા રામદેવ
આજકાલ એસિડિટી સામાન્ય બની ગઈ છે. અમ્લપિત્ત (એસિડિટી) કોઈ રોગ નથી, પરંતુ શરીરમાં ઉત્પન્ન થયેલા અન્ય રોગનું પરિણામ છે. આ રોગમાં હોજરીમાં અમ્લરસ વધુ પ્રમાણમાં બનવા લાગે છે. જેથી ખાટા ઓડકાર, અજીર્ણ અને અરુચિ વગેરે વિકારો થઈ જાય છે.
ઔષધીય ઉપચાર
* લીલી કોથમીર, લસણ, પાકાં ટામેટાં અને આદું લઈ તેમાં મીઠું, મરચું નાખી ચટણી બનાવી તેને ખાવાથી પેટના વિવિધ રોગ દૂર થઈ ભૂખ વધે છે. તાવના દર્દીની ભૂખ વધારવા માટે આ ચટણી ઘણી જ ઉપયોગી છે.
* ૫૦ ગ્રામ ડુંગળી કાપી ગાયના તાજા દહીંમાં મેળવી ખાવાથી અમ્લપિત્ત મટી જાય છે.
* ૧ ચમચી આદુંના રસમાં સપ્રમાણ દાડમનો રસ મેળવી પીવાથી અમ્લપિત્ત શાંત થાય છે.
* જમ્યા પછી બંને ટાઈમ એક-એક લવિંગ ચૂસવાથી અમ્લપિત્ત મટી જાય છે.
* દરરોજ જમ્યા પછી નાનકડો ગોળનો ગાંગડો (દસ ગ્રામ) મોંમાં મૂકી ધીરે ધીરે ચૂસો. તેનાથી મોંમાં ખટાશ આવવી બંધ થાય છે. પેટમાં ગેસ બનતો નથી. ગેસ દૂર થાય છે.
પ્રાકૃતિક ચિકિત્સા
* પેટ પર કાળી માટીનો લેપ કરી ઉપરથી પટ્ટી બાંધો. સુકાઈ જાય ત્યારે ફરીથી માટીનો લેપ કરો.
* ખુરશી પર બેસી બાષ્પ સ્નાન કરો.
ભોજન
* ગાયનું દૂધ પીઓ, દાડમનો રસ પીઓ, મોસંબી, દ્રાક્ષ, વરિયાળી, મુનક્કા, આમળાં, અંજીર, જૂના ચોખા, ખીર, બધા રસવાળા પદાર્થ વગેરે લો.
* કારેલાં, દૂધી, તૂરિયાં, ઘઉંનો લોટ, પાંદડાંવાળાં શાક, હરડ, લસણ તથા મધનું સેવન દરરોજ કરો.
ઉપયોગી યોગાસન
ઉત્તાનપાદાસન, હલાસન, પવન મુક્તાસન, કંધરાસન, યોગમુદ્રાસન, મત્સ્યાસન, મર્કટાસન, ભુજંગાસન, એકપાદ-ગ્રીવાસન, ગર્ભાસન વગેરે આસનોનો નિયમિત અભ્યાસ કરવાથી ઉદર વિકારો દૂર થઈ કબજિયાત અને પિત્તના વિકારો દૂર થાય છે.
પ્રાણાયામ
* પ્રાણાયામથી બહુ જ લાભ થાય છે. કપાલભાતિ પ્રાણાયામનો અભ્યાસ દરરોજ પાંચ મિનિટ સુધી કરો.
* ૫થી ૧૦ મિનિટ સુધી દરરોજ અનુલોમ-વિલોમ અને નાડી શોધન પ્રાણાયામનો અભ્યાસ કરવાથી બધા જ પ્રકારના ઉદર વિકાર દૂર થઈ અમ્લપિત્તનો નાશ થાય છે.
* નિયમિત રીતે અગ્નિસાર ક્રિયાનો અભ્યાસ કરવાથી પણ લાભ થાય છે.
* ઉડ્ડિયાન બંધના નિયમિત અભ્યાસથી પેટનું આરોગ્ય વધે છે અને અમ્લપિત્તના વિકારો દૂર થાય છે.