ઇન્ટિમસી - કામિની મોટવાણી
ઘણી વાર એવું થાય છે કે એક પાર્ટનર સેક્સ ઇચ્છે છે, જ્યારે બીજાને તેમાં રસ હોતો નથી. એવામાં કેટલાંય અઠવાડિયાં-મહિનાઓ સુધી કપલ્સ સેક્સલાઇફને એન્જોય કરી શકતાં નથી. જો તમે પણ આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં હો તો તમારે કામેચ્છામાં કમી આવવાનાં કારણો અને વાસ્તવિકતા વિશે જાણકારી રાખવી જોઈએ
સંબંધોમાં સમાગમ જ મુખ્ય છે. તેના ઉપર જ સંબંધો ટકે છે
પરિણીત યુગલો હંમેશાં આવું જ માનતા-વિચારતા હોય છે અને તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. એક પાર્ટનર સમાગમની ના પાડે તો બીજો પાર્ટનર નારાજ થઈ જાય છે અને આ જ નારાજગીને કારણે તેમની વચ્ચે અંતર વધવા લાગે છે. સમાગમ એ સંબંધોમાં સુવાસ ભેળવવાનું કામ કરે છે, પરંતુ સંબંધોને ટકાવી રાખવા માટે આ સિવાય પણ ઘણી બાબતો જરૂરી હોય છે, જેમ કે બંને પાર્ટનર વચ્ચે ભાવનાત્મક જોડાણ, એકબીજાની જરૂરિયાતનું ધ્યાન રાખવું, એકબીજા પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ પણ સંબંધોને મધુર બનાવે છે.
એક પાર્ટનરની કામેચ્છામાં કમીને લીધે બીજાનો પ્રેમ ઓછો થઈ જાય છે
આ માત્ર એક ભ્રમ છે. એવું કશું હોતું નથી. સમસ્યાનો ઉકેલ મેળવવા માટે સૌથી પહેલાં એ બાબતની જાણકારી મેળવવી જોઈએ કે પાર્ટનરની કામેચ્છામાં ઘટાડો થવાનું કારણ શું છે? સ્ત્રીઓ લગ્નનાં કેટલાંક વર્ષ પછી અથવા બાળકના જન્મ પછી જાડી એટલે કે સ્થૂળ થઈ જાય છે, જેને કારણે તેમનો આત્મવિશ્વાસ ઘટી જાય છે. તેમને એવું લાગે છે કે હવે તેમનું શરીર આકર્ષક નથી રહ્યું. પોતાનું બેડોળ શરીર જોઈને પાર્ટનર શું વિચારશે? આવા નકારાત્મક વિચાર જ તેમની કામેચ્છામાં ઘટાડો કરે છે. ઘણી વાર મોટાપાને કારણે પુરુષોને પણ સમાગમમાં મુશ્કેલી થાય છે. આ સિવાય પોતાના લિંગના કદને લઈને પણ તેઓ ચિંતિત રહે છે. તેમને એવું લાગે છે કે તેઓ પોતાના પાર્ટનરને સંતુષ્ટ નહીં કરી શકે. તેને કારણે તેમની કામેચ્છામાં ઘટાડો થાય છે. ડાયટ અને નિયમિત એક્સરસાઇઝ કરવાથી સ્થૂળતાને નિયંત્રણમાં રાખી શકાય છે. આ સિવાય નકારાત્મક વિચારો ઓછા કરવા જોઈએ.
તણાવને કારણે કામેચ્છા ઘટે છે
આ વાત સંપૂર્ણ સાચી નથી. કામનું ભારણ, પ્રેઝન્ટેશનનું પ્રેશર અને વધતાં કામને કારણે તણાવમાં વધારો થાય છે અને આ જ તણાવને કામેચ્છામાં ઘટાડાનું કારણ માની લેવામાં આવે છે, પરંતુ તેને કારણે પાર્ટનરના મનમાં ખોટી ધારણાઓ ઘર કરી જાય છે. તેને એવું લાગે છે કે તમે તેને પહેલાં જેટલો પ્રેમ નથી કરતા અને તમને તેનામાં રસ રહ્યો નથી. બસ, આ જ બાબતે ઝઘડા શરૂ થઈ જાય છે અને તે બધાનું પરિણામ એ આવે છે કે પુરુષ પોતાના સેક્સ્યુઅલ પાવર પર શંકા કરવા લાગે છે, જેને કારણે સ્થિતિ આનાથી પણ વધારે બગડે છે. લગ્નજીવનમાં સમાગમની તીવ્ર ઇચ્છામાં વધારે ઘડાટો થતો રહે છે. તેથી દોષનો ટોપલો તણાવના માથે ન ઢોળી દેવાય. તણાવ સિવાય વ્યસ્તતા, ખાનપાનની ખોટી ટેવ પણ સેક્સ લાઇફ પર નકારાત્મક પ્રભાવ પાડે છે. આ સિવાય કમ્યુનિકેશન ગેપ પણ પાર્ટનર વચ્ચેનું અંતર વધારે છે, તેથી પોતાના પાર્ટનરની સાથે એ વાત જરૂર કરો જે તમને પરેશાન કરી રહી હોય. તેને કારણે તણાવ ઘટશે અને તમે આરામ અનુભવશો. તેનાથી સેક્સ લાઇફ ફરીથી પહેલાં જેવી થઈ જશે.
કામેચ્છા વધારવા દવા કેટલી ઉપયોગી?
દવાઓને હંમેશાં છેલ્લા વિકલ્પ તરીકે રાખવી જોઈએ, કારણ કે ઘણી વાર તેની આડઅસર પણ થાય છે, તેથી સૌથી પહેલા સમસ્યાના મૂળ સુધી પહોંચો અને તેને દૂર કરવાના પ્રયત્નો કરો. આજની ર્વિંકગ મહિલાએ પર્સનલ અને પ્રોફેશનલ લેવલ પર પોતાને સાબિત કરી બતાવવી પડે છે.
ઓફિસમાં બોસ અને કામનો તણાવ, ઘરમાં બાળકો સંભાળવાં તથા ગૃહસ્થીની જવાબદારી. આ બધાંને બેલેન્સ કરતાં કરતાં તે એટલી થાકી જાય છે કે સમાગમની ઇચ્છા કોઈ એક ખૂણામાં દબાઈ જાય છે. એવામાં જો પાર્ટનર થોડી ઘણી જવાબદારી ઉઠાવે અને વધુ પ્રેમ આપે તો સમસ્યા સરળતાથી ઉકેલી શકાય છે, પરંતુ તેના માટે ધીરજ રાખવી જરૂરી છે. દવાનો આડેધડ ઉપયોગ વાજબી નથી અને જરૂર લાગે તો તબીબની સલાહ લઈને જ દવા લેવી.
દાંપત્યજીવનમાં સમાગમનો ગ્રાફ ઉપર નીચે તો થતો જ રહેવાનો, પરંતુ તેને કારણે કોઈ ખોટી ધારણા ન બાંધતાં તેનાં કારણો જાણીને તેને દૂર કરવાના પ્રયત્ન કરવા જોઈએ.