હેલ્થ રિસર્ચ
આજના સ્પર્ધાત્મક યુગમાં ટકવા માટે માણસે સતત દોડ દોડ કરવું પડે છે. આ ભાગદોડમાં માણસ નથી પોતાના શરીરને પૂરતું પોષણ પૂરી પાડી શકતો, નથી દિમાગને આરામ. વળી, આટઆટલા ભોગ છતાં પણ ધારી સફળતાની કોઈ ગેરન્ટી નહીં અને અપેક્ષાઓનો કોઈ પાર નહીં. નાની-મોટી નિષ્ફળતા મળતાં વ્યક્તિ ડિપ્રેશનનો ભોગ બનતી હોય છે. ડિપ્રેશન નામની આ માનસિક બીમારી માટે દવાઓ અને થેરાપી ઉપલબ્ધ છે જ પરંતુ તાજેતરમાં સ્કોટલેન્ડના સંશોધનકારોએ શોધી કાઢયું છે કે ઝડપથી ચાલીને ડિપ્રેશનની બીમારી દૂર ભગાવી શકાય છે. ર્સ્ટિંલગ યુનિર્વિસટીના સંશોધકોએ 'મેન્ટલ હેલ્થ એન્ડ ફિઝિકલ એક્ટિવિટી' નામના સંશોધનપત્રમાં જણાવ્યું છે કે દસમાંથી એક વ્યક્તિ તો ક્યારેક ને ક્યારેક ડિપ્રેશનનો ભોગ બને છે, પણ જો તે નિયમિતપણે ઝડપથી ચાલે અને હળવી કસરતો કરે તો તેનું ડિપ્રેશન દૂર થઈ શકે છે. હા, રોજ કેટલું ચાલવું અને કેટલી ઝડપથી ચાલવું, ફાયદાકારક છે, એ વધુ સંશોધન માગી લે છે, પણ ચાલવાની સામાન્ય કસરત ડિપ્રેશનને તો દૂર ભગાવે છે, એટલું તો નક્કી જ છે.