ટ્રેન્ડ - માનુષી ચોક્સી
આજની આધુનિક યુવતીને હાથમાં કંગન પહેરવા કદાચ ન ગમે પણ બ્રેસલેટ તો દરેક માનુનીની મનગમતી જ્વેલરી છે. બ્રેસલેટમાં જુદાં જુદાં મટીરિયલ્સમાં આવતી અવનવી ડિઝાઇન ખરેખર મનમોહક હોય છે. પર્લથી માંડીને મેટલ, ડાયમંડ વગેરેમાં આવતાં બ્રેસલેટ ઓકેઝનલી તેમજ કેઝ્યુઅલ લુકમાં ચાર ચાંદ લગાવે છે.
બ્રેસલેટ એવા પ્રકારની જ્વેલરી છે જે તમે કોઇ પણ પરિધાન સાથે મેચ કરી શકો છો. જો તમે વધુ જિન્સ ટીશર્ટ કે કૂરતા જ પહેરવાનું પસંદ કરતા હો તો સિમ્પલ ડિઝાઇનમાં આવતા એક સરવાળાં મોટાં મોતીનાં અથવા ટ્રાન્સપરન્ટ પર્લનાં બ્રેસલેટ પસંદ કરી શકો છો. જિન્સ-ટીશર્ટ સાથેના આ પ્રકારના પર્લનાં બ્રેસલેટ અને તેવા જ પર્લની લાંબી માળા ગળામાં સ્ટાઇલિશ લુક આપે છે.
* જો તમે સાડી કે સલવાર કમીઝ જ પહેરવાનું પસંદ કરતા હો તો ડાયમંડનાં કે મેટલનાં બ્રેસલેટ પસંદ કરી શકો છો. જેવા કલરનાં પરિધાન હોય તેવા જ રંગના ડાયમંડનું બ્રેસલેટ અથવા તો બધા જ કલર સાથે મેચ કરતા મલ્ટિ કલરના ડાયમંડનું બ્રેસલેટ પણ પસંદ કરી શકાય. સાડીમાં મેચ થાય તેવાં બ્રેસલેટ વિથ બેંગલ્સ પણ આવે છે જેમાં કોમ્પેક્ટ મોડલમાં સાથે રિસ્ટવોચ હોય છે. બ્રેસલેટમાં જડિત આકર્ષક કલર સાથે જુદા જુદા આકારમાં કંડારેલા ડાયમંડ હાથની સુંદરતામાં વધારો કરે છે.
* મેરેજ પાર્ટી, પ્રોફેશનલ ફંક્શન વગેરેમાં પહેરવા માટે ટેનિશ બ્રેસલેટ વધુ રિચ અને આકર્ષક લુક આપે છે. ટેનિશ બ્રેસલેટમાં ડાયમંડ, ક્રિસ્ટલ યુઝ કરવામાં આવે છે જેમાં ક્રિસ્ટલના મટીરિયલમાં ખાસ કરીને હાર્ટ શેપ, સ્ટાર, ફ્લાવર વગેરેની ડિઝાઇન ગૌર્જિયસ લુક આપે છે. ટેનિશમાં રૂબી ડાયમંડનો ઉપયોગ પણ કરવામાં આવે છે. ગોલ્ડ બ્રેસલેટમાં રૂબી ડાયમંડનું મેચિંગ પ્રસંગમાં ક્લાસી લુક આપે છે.
* જિન્સ કૂરતા, સલવાર કમીઝ એમ દરેક ડ્રેસ સાથે મેચ થતાં પાનદોરા બ્રેસલેટ પણ આજકાલ ઇન ટ્રેન્ડ છે. પાનદોરામાં પાનદોરા લેધર બ્રેસલેટ, પાનદોરા ગોલ્ડ અને પાનદોરા ચેમ એમ અનેક પ્રકાર જોવા મળે છે. પાનદોરા લેધરમાં કલાત્મક દોરીની ગૂંથણી હોય છે અને તેમાં જુદાં જુદાં મટીરિયલનાં મોતી જેવાં કે મેટલ પ્લાસ્ટિક, ક્રિસ્ટલ વગેરેને પરોવવામાં આવે છે, જે સિમ્પલ અને સોબર લુક આપે છે. ગોલ્ડ પાનદોરામાં ગોલ્ડ અથવા મેટલની ધાતુમાં અવનવી ડિઝાઇન જોવા મળે છે. પાનદોરા ચેમ એ કોલેજિયન, ટીનેજર્સમાં ફેવરિટ છે. તેમાં અલગ અલગ શેપ અને આકારમાં થોડા થોડા અંતરે લટકણ આવે છે. લટકણમાં આવતી ક્રોસ, ઓમકાર, સ્વસ્તિક વગેરેની ડિઝાઇન ટ્રેન્ડી લુક આપે છે.