કોલકાતા, તા. ૨૯
આઇપીએલમાં બે વખતની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સને હરાવીને પહેલી વાર ટાઇટલ જીતનારી કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ની ટીમના વિજયને આજે આખાય કોલકાતાએ વધાવી દીધો હતો. દક્ષિણ કોલકાતામાં હાઝરા ક્રોસિંગથી રાઇટર્સ બિલ્ડિંગ સુધીના ટીમના વિજય સરઘસમાં ૫૦,૦૦૦થી વધુ લોકોે કેકેઆરની ટીશર્ટ પહેરી હાથમાં પર્પલ રંગના ઝંડા સાથે રસ્તા પર ઊમટી પડયા હતા. ધોમધખતા તડકામાં પણ ટીમના પ્રશંસકોએ ખુલ્લા વાહનમાં લોકોનું અભિવાદન કરી રહેલા ખેલાડીઓનું પુષ્પવર્ષાથી સ્વાગત કર્યું હતું.
- કેકેઆરના વિજય સરઘસમાં ૫૦,૦૦૦થી વધુ લોકો ઊમટયા
- પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ ખેલાડીઓને ગોલ્ડ મેડલ આપ્યા
- ઇડનગાર્ડન ભારત-પાકિસ્તાનની મેચ હોય તેમ ખીચોખીચ ભરાયું
આ દરમિયાન, શાહરુખ અને ગંભીરના વિશાળ કદનાં પોસ્ટર પણ જોવા મળ્યાં હતાં. જોકે વિજય સરઘસમાં ટીમનાં માલિક શાહરુખ ખાન અને અભિનેત્રી જુહી ચાવલા ગેરહાજર રહ્યાં હતાં. ટીમના ખેલાડીઓ રાઇટર્સ બિલ્ડિંગ પહોંચ્યા બાદ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ ટીમના કેપ્ટન ગૌતમ ગંભીર સહિતના ખેલાડીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કર્યા હતા. ત્યાર બાદ ટીમ ઐતિહાસિક ઇડન ગાર્ડનમાં રાજ્ય સરકાર અને બંગાળ ક્રિકેટ એસોસિયેશન દ્વારા આયોજિત ભવ્ય સમારંભમાં પહોંચી હતી. અહીં સન્માન સમારંભ ઉપરાંત બોલિવૂડ અને બંગાળી ગીતનો જલસો પણ હતો. ઇડનગાર્ડન ખાતેના સમારંભમાં મમતા બેનરજી સહિત તૃણમૂલ અને કોંગ્રેસના કેટલાક નેતાઓ પણ હાજર રહ્યા હતા.
૬૭,૦૦૦ લોકોની ક્ષમતા ધરાવતું ઇડનગાર્ડન સ્ટેડિયમ સવારથી જ ખીચોખીચ થઈ ગયું હતું. સ્ટેડિયમની બહાર 'વેલકમ અવર નાઇટરાઇડર્સ' લખવામાં આવ્યું હતું. તો સ્ટેડિયમની દીવાલો પર 'કોરેચી', 'લોરેચી', 'જીતેચી રે' (અનુક્રમે અમે કરી બતાવ્યું, અમે લડયા અને જીત્યા) જેવા બેનરો લગાવાયાં હતાં.
- દિલ્હીનો બોય કોલકાતાનો થઈ ગયો
ટીમના ખેલાડીઓ અને માલિકો ચેન્નાઈથી બે ટુકડીમાં અહીંના નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યાં હતાં. એરપોર્ટ પર પહોંચતાં જ ટીમનો કેપ્ટન ગૌતમ ગંભીરે બંગાળીમાં 'આમી કોલકાતાર છેલે - હું કોલકાતાનો દીકરો છં.' એમ કહીને સૌનાં દિલ જીતી લીધાં હતાં.
મમતાને પણ લાગ્યો આઇપીએલનો રંગ
થોડા દિવસ પહેલાં જ પેટ્રોલની કિંમતમાં ભાવવધારો પાછો ખેંચવા માટે રસ્તા પર ઊમટેલાં મમતા બેનરજી આજે રાઇટર્સ બિલ્ડિંગ પહોંચેલી ટીમ, ટીમના માલિક અને ટ્રોફી સાથે ફોટા પડાવ્યો હતો. ત્યાર બાદ તેઓ ટીમ સાથે ઇડનગાર્ડન પહોંચ્યાં હતાં. મમતા આઇપીએલના રંગમાં એવા રંગાયા હતા કે સમારંભની વ્યવસ્થામાં પોતે પણ વોલિન્ટર બની ગયાં હતાં. અહીં મમતાએ ટીમના દરેક ખેલાડીઓને બુકે તથા શાહરુખ અને જુહી ચાવલાને શોલ પહેરાવી સન્માનિત કર્યાં હતાં.
- સ્ટેડિયમમાં જશ્ન, બહાર લાઠીચાર્જ
ઇડનગાર્ડન બહાર પણ હજારો શાહરુખ અને ટીમના ચાહકો ઊમટયા હતા, પરંતુ વ્યવસ્થા ખોરવાતા પોલીસે લાઠીચાર્જ કરવો પડયો હતો. સ્ટેડિયમની બહાર ફરજ પરના એક આઇપીએસ અધિકારીએ કહ્યું હતું કે, તેમને મોટી સંખ્યામાં લોકો આવશે તેવી કલ્પના પણ નહોતી. વિજય સરઘસ અને સ્ટેડિયમમાં માનવમેદની વચ્ચે કેટલાંક બાળકો ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. સ્ટેડિયમમાં લોકો માટે મફત પ્રવેશ હતો. બિન સત્તાવાર આંકડા મુજબ આશરે એક લાખ લોકોએ આ ભવ્ય વિજય સમારંભને નિહાળ્યો હતો.