નવી દિલ્હી, 29 મે
લઘુમતિઓને 4.5 ટકા આરક્ષણ પર પ્રતિબંધ લગાવવાના આંધ્ર પ્રદેશ હાઇકોર્ટના આદેશને કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં પડકારશે. કાયદા મંત્રી સલમાન ખુરશીદે આજે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી હતી.
સલમાન ખુરશીદે કહ્યું કે લઘુમતિઓને રિઝર્વેશનનું મંડળ કમિશનના આધારે આપવામાં આવ્યું હતું. તેઓએ સ્પષ્ટતા કરી હતી કે સંવિધાનમાં લઘુમતિઓની પરિભાષામાં માત્ર ધર્મ જ નહીં પણ ભાષા પણ સામેલ છે. તેઓએ કહ્યું કે કેન્દ્ર સરકાર લઘુમતિઓને ઓબીસીની અંદર આરક્ષણ આપવાના વચન પર અડગ છે.
કોર્ટના જણાવ્યા અનુસાર કોટાની અંદર કોટાની વ્યવસ્થા માત્ર ધાર્મિક આધાર પર કરવામાં આવી રહી છે અને આ કાયદાને અનુરૂપ નથી. લો એન્ડ માઇનોરિટી એફેર્સ મિનિસ્ટરે કહ્યું કે સરકાર લઘુમતિઓને આરક્ષણ આપવા પર દ્રઢ છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે લઘુમતિઓને સાડા 4 ટકા આરક્ષણનું એલાન ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા કર્યું હતું.