શિવધામ - ઘનશ્યામ ગોસ્વામી
રતલામથી લગભગ સો કિલોમીટર દૂર રાજસ્થાનની સીમામાં અરણોદ નામના સ્થાન પર ગૌતમેશ્વર મહાદેવ બિરાજે છે. આ શિવલિંગની ખાસિયત એ છે કે તે ખંડિત હોવા છતાં પણ પૂજાય છે. સામાન્ય રીતે હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર જ્યારે કોઈ મૂતિ કે લિંગ ખંડિત થઈ જાય પછી તેને વિર્સિજત કરી દેવામાં આવે છે. ખંડિત મૂર્તિ અને શિવલિંગની પૂજાને ર્વિજત માનવામાં આવે છે ત્યારે આ શિવાલયનું નામ ગૌતમેશ્વર મહાદેવ કેમ પડયું અને ગૌતમેશ્વર શિવલિંગ ખંડિત કેમ છે તેની પાછળનાં રહસ્યો અને કથા પણ જાણવા જેવાં છે.
કથા
સપ્ત ઋષિઓમાં એક ગૌતમઋષિ હતા. ગૌતમઋષિને એવું વરદાન હતું કે તેઓ કોઈને ભૂખ્યા નહીં મરવા દે. એક વાર નાસિક ત્ર્યંબકેશ્વરમાં દુષ્કાળ પડયો ત્યારે સાધુ-સંતોને ભોજન કરાવવાની જવાબદારી ગૌતમઋષિ પર આવી અને ગૌતમઋષિ રોજ એક મુઠ્ઠી અનાજ વાવતા અને તેનાથી દરેક સાધુ-સંતોનું પેટ ભરાઈ જાય તેટલું અનાજ ઊગતું. બાર વર્ષ આ પ્રકારનો દુષ્કાળ રહ્યો અને ગૌતમઋષિ બાર વર્ષ સુધી સાધુ-સંતોને આશરો આપતા રહ્યા. બાર વર્ષ પછી વરસાદ થયો. ખેતરો લીલાછમ થઈ ગયા ત્યારે સાધુ-સંતોને ફરી પોતાના સ્થાને જવાની ઇચ્છા થઈ ગઈ, પણ મુશ્કેલીના સમયમાં જેમને સાથ આપ્યો હતો તે ગૌતમઋષિને છોડીને કેમ જવું એ પણ એક સવાલ હતો. ત્યારે ગૌતમઋષિ સાધુ-સંતોની વિટંબણાને સમજી ગયા અને ગૌતમઋષિએ સાધુ સંતોની વિટંબણાને ઓછી કરવા રાતે એક માયાવી ગાય બનાવી અને ખેતરમાં ખાવા માટે છોડી દીધી. જ્યારે સવારે બધાએ ફરિયાદ કરી કે આપણાં ખેતરોનો પાક તો ગાયે નાશ કરી નાખ્યો છે, તો ગૌતમઋષિએ એક કાંકરી મારીને પોતાના દ્વારા બનાવેલી માયાવી ગાયની હત્યા કરી નાખી. ગૌતમઋષિ પર ગૌહત્યા કર્યાનું પાપ આવ્યું અને આ સ્થિતિમાં બધા જ સાધુ-સંતો ગૌતમઋષિને છોડીને ચાલ્યા ગયા. ત્યારબાદ કહેવાય છે કે ગૌતમઋષિએ અહીં આવીને આ શિવલિંગની પૂજા-અર્ચના કરી તો શિવજીએ તેમને ગૌહત્યાના પાપમાંથી મુક્તિ આપી, તેથી આ શિવાલય ગૌતમેશ્વરના નામે ઓળખાયુ. જે કોઈ પણ અહીં આવીને સાચા મનથી પ્રાયશ્ચિત્ત કરે છે તેનાં તમામ પાપકર્મનો અહીં ક્ષય થઈ જાય છે અને મહાદેવ તેમને ક્ષમા આપે છે. મંદિરના પટાંગણમાં આવેલ કુંડને મોક્ષદાયી કુંડ કહેવામાં આવે છે. અહીં સ્નાન કરવાથી અને મહાદેવની પૂજા કરવાથી બધાં જ પાપમાંથી મુક્તિ મળે છે.
ખંડિત શિવલિંગનું રહસ્ય
મહંમદ ગઝનવી જ્યારે બધાં જ હિન્દુ મંદિરો પર આક્રમણ કરતો હતો ત્યારે તેણે આ ગૌતમેશ્વર મંદિર પર પણ આક્રમણ કરવાનું વિચાર્યું, પણ અહીં તેને અને તેની સેનાને મહાદેવનો અદ્ભુત ચમત્કાર જોવા મળ્યો. કથા અને માન્યતા અનુસાર જ્યારે પહેલી વાર શિવલિંગ પર પ્રહાર કરવામાં આવ્યો ત્યારે તેમાંથી દૂધની ધારા નીકળી. ત્યાર બાદ શિવલિંગ પર બીજો પ્રહાર કરવામાં આવ્યો ત્યારે તેમાંથી દહીંની ધારા નીકળી અને પછી શિવલિંગ પર જ્યારે ત્રીજી વખત પ્રહાર કરવામાં આવ્યો તો મહાદેવ ક્રોધાયમાન થઈ ગયા હતા અને શિવલિંગમાંથી અચાનક મધમાખીઓનું ઝુંડ નીકળ્યું અને શિવલિંગનો ધ્વંસ કરવા આવેલા બધા જ પર મધમાખીઓ તૂટી પડી. આ રીતે અહીં મહંમદ ગઝનવી આ શિવલિંગનો ધ્વંસ કરવામાં નિષ્ફળ ગયો હતો. મહાદેવનો આવો ચમત્કાર જોઈને તેણે પણ નતમસ્તકે મહાદેવ સામે હાર માની લીધી અને ગૌતમેશ્વર મહાદેવના મંદિરને યથાવત્ રહેવા દીધું. આ રીતે મહાદેવે સ્વયં આવીને શિવલિંગનું રક્ષણ કર્યું હોવાથી આ ખંડિત શિવલિંગની પૂજા-અર્ચનાનું અનેરું માહાત્મ્ય રહેલું છે.