પરંપરા - કૃણાલ શાસ્ત્રી
શિવજીને રુદ્રાક્ષ પ્રિય છે, તેથી શિવજીના ભક્તોએ રુદ્રાક્ષ પણ ધારણ કરવો જોઈએ. સુતપુરાણી મહારાજને ઋષિમુનિઓએ રુદ્રાક્ષ સંબંધી પ્રશ્ન પૂછયો ત્યારે જવાબમાં સુતપુરાણીએ રુદ્રાક્ષની ઉત્પત્તિ વિષે કથા વર્ણવી કે, મહાદેવ ત્રિપુરાસુરનો નાશ કરવા માટે અઘોરાસ્ત્રનું ચિંતન કરવા માટે ધ્યાનમાં બેઠા. તે સમયે એમના નેત્રમાંથી જલબિંદુ ભૂમિ પર પડયું. તે જલબિંદુમાંથી રુદ્રાક્ષના વૃક્ષનું સર્જન થયું. તમામ દેવતાઓ પણ રુદ્રાક્ષને ધારણ કરે છે.
રુદ્રાક્ષ ત્રણ પ્રકારના રંગના છે. સફેદ, લાલ અને પીળો.
બ્રાહ્મણોએ સફેદ રંગનો રુદ્રાક્ષ ધારણ કરવો. ક્ષત્રિયોએ લાલ રંગનો રુદ્રાક્ષ ધારણ કરવો તથા વૈશ્યોએ પીળા રંગનો રુદ્રાક્ષ ધારણ કરવો. શિવમહાપુરાણમાં એકથી લઈને ચૌદમુખી રુદ્રાક્ષનું વર્ણન કરવામાં આવ્યું છે તે આ પ્રમાણે છે.
* એક મુખી રુદ્રાક્ષ પરતત્ત્વનું સ્વરૂપ છે.
* બે મુખી રુદ્રાક્ષ અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે.
* ત્રણ મુખી રુદ્રાક્ષ ત્રિદેવોનું સ્વરૂપ છે.
* ચાર મુખી રુદ્રાક્ષ બ્રહ્માજીનું સ્વરૂપ છે.
* પાંચ મુખી રુદ્રાક્ષ શિવજીનું સ્વરૂપ છે.
* છ મુખી રુદ્રાક્ષ ર્કાિતક સ્વામીનું સ્વરૂપ છે.
* સાત મુખી રુદ્રાક્ષ કામદેવનું સ્વરૂપ છે.
* આઠ મુખી રુદ્રાક્ષ અષ્ટવિનાયકનું સ્વરૂપ છે.
* નવ મુખી રુદ્રાક્ષ નવદુર્ગાનું સ્વરૂપ છે.
* દશ મુખી રુદ્રાક્ષ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે.
* અગિયાર મુખી રુદ્રાક્ષ એકાદશ રુદ્રનું સ્વરૂપ છે.
* બાર મુખી રુદ્રાક્ષ દ્વાદશ આદિત્યનું સ્વરૂપ છે.
* તેર મુખી રુદ્રાક્ષ કામદેવનું જ સ્વરૂપ છે.
* ચૌદ મુખી રુદ્રાક્ષ ચૌદ વિદ્યાઓનું સ્વરૂપ છે. ચૌદમુખી રુદ્રાક્ષ એ ચૌદભુવનનું સ્વરૂપ પણ ગણાય છે.
ઋષિમુનિઓએ સુતપુરાણી મહારાજને પ્રશ્ન કર્યો કે, કેટલા રુદ્રાક્ષ શરીર પર ધારણ કરવા તે વિસ્તારથી સમજાવો. જવાબમાં સુતપુરાણી મહારાજે કહ્યું,
* ગળા માટે ૩૨ મણકાની માળા ધારણ કરવી.
* કાન માટે ૬ રુદ્રાક્ષના મણકાનું કુંડળ બનાવી માળા ધારણ કરવી.
* મસ્તક માટે ૪૦ રુદ્રાક્ષના મણકાની માળા બનાવી ધારણ કરવી.
* બાજુમાં ૧૨ રુદ્રાક્ષના મણકાની માળા ધારણ કરવી.
ધારો કે આ બધી જગ્યાએ ધારણ ન કરી શકીએ તો ૧૦૮ મણકાની માળા બનાવી ગળામાં ધારણ કરવી.
મૃત્યુ સમયે કદાચ ગંગાજળ પ્રાપ્ત ન થાય તો રુદ્રાક્ષ મુખમાં મૂકવાથી પણ જીવાત્માની સદ્ગતિ થાય છે. જેટલું ગંગાજળનુ મહત્ત્વ છે તેટલું જ રુદ્રાક્ષનું મહત્ત્વ છે.