Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 10:15:03 PM IST
 

ભાઇ – બહેનના પવિત્ર પ્રેમનું પર્વ : રક્ષાબંધન

Aug 01, 2012 Supplements > Shraddha
 
comment     E-Mail     Print    
 
Viewed: 3223
Rate: 3.0
Rating:
Bookmark The Article

કવર સ્ટોરી – તુપ્તિ ભટ્ટ  

તહેવાર આપણી ભારતીય સંસ્કૃતિની ઊજળી પરંપરા છે, જેનાથી સાંસારિક સંબંધો પ્રેમ અને વિશ્વાસ સાથે નવપલ્લવિત થાય છે. રેશમના તાંતણાથી સંબંધોને વધુ પાવન અને સુદૃઢ બનાવતો રક્ષાબંધનનો તહેવાર પણ ભાઈ-બહેનના પાવન પ્રેમનું પ્રતીક છે. રક્ષાબંધન સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી હોવાથી આ તહેવારનું આધ્યાત્મિક દૃષ્ટિએ પણ અનેરું મહત્ત્વ છે. રક્ષાબંધનના તહેવારનાં પ્રતીકાત્મક મૂલ્યોને જો સમજવામાં આવે તો આ રેશમની દોર સંબંધોની સાથે જીવનને પણ પાવનકારી બનાવીને કૃતાર્થ કરી જાય છે

નાનકડી રેશમની દોરીથી મનમાં રહેલા અગાધ પ્રેમની અભિવ્યક્તિ કરતા રક્ષાબંધનના તહેવારનું સદીઓથી અનેરું માહાત્મ્ય રહેલું છે. આ રેશમી દોરીએ સ્નેહના તાંતણે માત્ર લૌકિક સંબંધોને જ નથી બાંધ્યા, પણ આ તાંતણે તો પ્રેમના મનોહારી રૂપને સમજનાર શ્રીકૃષ્ણ પણ બંધાયા હતા. મહાભારતના યુદ્ધ વખતે શ્રીકૃષ્ણએ રક્ષાબંધનનો તહેવાર મનાવીને પાંડવો અને તેમની સેનામાં આત્મવિશ્વાસ જગાવીને વિજય તરફ કૂચ કરવા પ્રેરિત કર્યા હતા. તો ચાલો આજે આપણે પણ રક્ષાબંધનના તહેવાર પાછળ રહેલા આધ્યાત્મિક દૃષ્ટિકોણને સમજીએ.

પૌરાણિક મહત્ત્વ

રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ માસની પૂર્ણિમાએ મનાવવામાં આવે છે. રક્ષાબંધનના તહેવારનું ધાર્મિક મહત્ત્વ એટલે પણ છે કે મહાભારતમાં કે પુરાણમાં બનેલી અમુક ઘટના શ્રાવણી પૂનમના દિવસે જ બની હતી. બલિ રાજાની કથા, ઇન્દ્ર-ઇન્દ્રાણીની કથા તેમજ મહાભારતમાં પણ રક્ષાબંધનના પર્વનો ઉલ્લેખ જોવા મળે છે.

બલિ રાજાની કથા

 રક્ષાબંધન સાથે અનેક દેવી-દેવતાઓની કથા જોડાયેલી હોવાથી આ તહેવારનું ધાર્મિક દૃષ્ટિએ પણ વિશેષ મહત્ત્વ છે. સ્કંદપુરાણ, પદ્મપુરાણ અને વામન અવતારની કથામાં રક્ષાબંધન પ્રસંગ સંબંધિત કથાઓ છે. ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કરી બલિ રાજાના અભિમાનને આ દિવસે જ ચકનાચૂર કરી દીધું હતું, તેથી આ તહેવાર બળેવને નામે પણ ઓળખાય છે. આ કથા મુજબ દાનવેન્દ્ર રાજા બલિએ જ્યારે ૧૦૦ યજ્ઞા પૂર્ણ કરીને રાજ્યને પોતાના નામે કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ઇન્દ્ર અને બીજા દેવતાઓએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી, ત્યારબાદ ભગવાને વામન અવતાર ધારણ કરીને રાજા બલિ પાસે ભિક્ષા માગી. ગુરુની મનાઈ હોવા છતાં પણ તેને ત્રણ ડગલાં ભૂમિ દાન કરી દીધી. ભગવાને ત્રણ પગલાંમાં આકાશ, પાતાળ અને ધરતી માપી લીધી અને બલિ રાજાને પાતાળમાં ઉતારી દીધો. આ રીતે ભગવાન વિષ્ણુ દ્વારા બલિ રાજાનું અભિમાન ચકનાચૂર થઈ ગયું, તેથી આ દિવસ બળેવના નામે પણ ઓળખાય છે. જ્યારે બલિ રાજા રસાતળ ગયા તો તેમણે તેમની ભક્તિના બળે ભગવાન પાસે રાત-દિવસ તેમની સામે રહેવાનું વચન માગી લીધું. ભગવાન વિષ્ણુ પણ વચન આપી બંધાઈ ગયા અને બલિ રાજા પાસે જ રહી ગયા. વિષ્ણુ ભગવાન ઘરે ન આવતાં લક્ષ્મીજી પરેશાન થઈ ગયાં ત્યારે નારદજીએ જણાવ્યું કે વિષ્ણુ ભગવાનને બલિ રાજાએ સદાય તેમની સામે રહેવાનું વચન માગીને પોતાની પાસે જ રાખી લીધા છે. ત્યારબાદ નારદજીએ વિષ્ણુ ભગવાનને લાવવાનો માર્ગ પણ બતાવ્યો. લક્ષ્મીજીએ નારદજીના બતાવેલ માર્ગ પ્રમાણે બલિ રાજાને રાખડી બાંધી અને રાખડીના ઉપહાર અને આશીર્વાદના બદલામાં વિષ્ણજીને માગી લીધા. કહેવાય છે કે જે દિવસે લક્ષ્મીજીએ બલિ રાજાને રાખડી બાંધી તે દિવસે શ્રાવણી પૂર્ણિમા હતી. આ રીતે દેવી-દેવતાની જીવનકથા પણ રેશમના તાંતણે ગૂંથાયેલી છે.

ઇન્દ્ર અને ઇન્દ્રાણીની કથા

ભવિષ્ય પુરાણમાં પણ રક્ષાબંધનના સંદર્ભે એક બીજી કથા પ્રસિદ્ધ છે. દેવો અને દાનવોના યુદ્ધમાં દેવતાઓ હારવા લાગ્યા. ત્યારે દેવતાઓ તેમની પરેશાનીનો ઉકેલ મેળવવા માટે દેવરાજ ઇન્દ્ર પાસે ગયા. દેવતાઓને ભયભીત જોઈને ઇન્દ્રાણીએ તેમના હાથ પર રક્ષાસૂત્ર બાંધી દીધું, તેનાથી દેવતાઓનો આત્મવિશ્વાસ વધી ગયો અને તેમણે દાનવો પર વિજય પ્રાપ્ત કરી લીધો. કહેવાય છે કે તે જ દિવસથી યુદ્ધમાં જતા યોદ્ધાને રાખડી બાંધવાની પ્રથા પણ શરૂ થઈ. એટલે જ રાજપૂત જ્યારે યુદ્ધ લડવા માટે જતા હતા ત્યારે ઘરની સ્ત્રીઓ તેમને રેશમી દોરી બાંધી, વિજય તિલક કરીને રણભૂમિમાં તેમની રક્ષા થાય અને વિજય મળે તેવી પ્રાર્થના કરતી.

યોગેશ્વર પણ બંધાયા રેશમના તાંતણે

મહાભારતની કથામાં પણ રક્ષાબંધનના પર્વનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે મહાભારતનું યુદ્ધ નિશ્ચિત થઈ ગયું ત્યારે યુધિષ્ઠિર બહુ ચિંતિત હતા. તેમણે ભગવાન શ્રીકૃષ્ણને પૂછયું કે, 'હું બધાં જ સંકટોને પાર કેવી રીતે કરી શકું?' ત્યારે ભગવાન કૃષ્ણએ તેમની સેના માટે રક્ષાબંધનનો તહેવાર ઊજવવાની સલાહ આપી. ભગવાને કહ્યું હતું કે, 'આ રેશમની દોરીમાં એવી તાકાત છે કે જે દરેક મુશ્કેલીમાં તમારું રક્ષણ કરશે.આ જ ભાવના સાથે યુદ્ધમાં લડવા જતાં અભિમન્યુને કુંતી રક્ષાસૂત્ર બાંધે છે. દ્રૌપદીના ભ્રાતપ્રેમને દર્શાવતો એક બીજો પણ હૃદયસ્પર્શી પ્રસંગ છે, જેમાં શ્રીકૃષ્ણ અને દ્રૌપદીના પ્રેમની ઝાંખી થાય છે. જ્યારે મહાભારતમાં શિશુપાલવધમાં સુદર્શન ચક્રને લીધે શ્રીકૃષ્ણ ભગવાનની આંગળી કપાઈ જાય છે ત્યારે દ્રૌપદી તરત જ પોતાની સાડીના છેડાથી પાટો બાંધી દે છે. કહેવાય છે કે આ દિવસે પણ શ્રાવણી પૂનમનો પાવન દિવસ જ હતો, તેથી જ શ્રીકૃષ્ણ ભગવાન દ્રૌપદીની સાડીની એ પટ્ટીમાં જેટલા તાંતણા હતા તેટલાં ચીર પૂરીને વસ્ત્રાહરણ વખતે તેની લાજ રાખે છે.

ઐતિહાસિક મહત્ત્વ

રાખડીના આ તાંતણાએ ઇતિહાસમાં સમર્પણ અને બલિદાનની ભાવનાને પણ ઉજાગર કરી છે. ચિત્તોડની રાજમાતા કર્માવતીએ મુગલ બાદશાહ હુમાયુને રાખડી મોકલી ભાઈ બનાવ્યો હતો અને તે પણ સંકટના સમયે બહેન કર્માવતીની રક્ષા માટે ચિત્તોડ આવી પહોંચ્યો હતો. કહેવાય છે કે મેવાડની મહારાણી કર્માવતીને બહાદુરશાહ દ્વારા મેવાડ પર હુમલાની પૂર્વસૂચના મળી હતી. રાણી લડવા માટે અસમર્થ હતી, તેથી તેણે મુગલ નરેશ હુમાયુને રક્ષા મોકલી અને રાજ્યની રક્ષા માટે પણ પ્રાર્થના કરી. હુમાયુ મુસલમાન હોવા છતાં પણ તેણે રાખડીની લાજ રાખી અને બહાદુર સાથે યુદ્ધ કરીને તેની બહેન કર્માવતીની અને મેવાડની રક્ષા કરી. સિકંદરની કથા સાથે પણ આ રક્ષાસૂત્રનું માહાત્મ્ય જોડાયેલું છે. સિકંદરની પત્નીએ તેના પતિનો હિન્દુ શત્રુ પુરુવાસને રાખડી બાંધી અને પતિને ન મારવાનું વચન લીધું હતું અને પુરુવાસે પણ રણભૂમિમાં બહેને બાંધેલ રક્ષાસૂત્રનું સન્માન કરતાં સિકંદરને જીવતદાન આપ્યું હતું.

પર્વની પ્રાદેશિક વિશેષતા

દરેક પ્રદેશની આગવી પરંપરા તેમજ લાક્ષણિકતા હોય છે. આ વિશેષતા તહેવારની ઉજવણીમાં પણ જોવા મળે છે. મહારાષ્ટ્રમાં રક્ષાબંધનને નાળિયેરી પૂનમ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે મરાઠી લોકો વરુણ દેવતાની પૂજા કરે છે અને નાળિયેર વરુણ દેવતાને અર્િપત કરે છે. આ દિવસે મહારાષ્ટ્રમાં સમુદ્રની પૂજા કરીને સમુદ્રને નાળિયેર અર્પણ કરવામાં આવે છે, તેથી દરિયાકિનારો નાળિયેરથી ભરાઈ જાય છે.

રાજસ્થાનમાં રામરાખી, ચૂડારાખી કે લૂંબા બાંધવાનો રિવાજ છે. રામરાખી સામાન્ય રાખડીથી અલગ હોય છે. તેમાં લાલ દોરા પર પીળું ફૂલ હોય છે જે માત્ર ભગવાનને બાંધવામાં આવે છે. ચૂડારાખી ભાભીની ચૂડીઓ પર બાંધવામાં આવે છે. જોધપુરમાં રાખીના દિવસે માત્ર રાખી જ નથી બાંધવામાં આવતી, પણ બપોરે નદી કે દરિયાકિનારે ગણેશજી અને દુર્ગામાની પ્રતિમા બનાવીને ઋષિ-મુનિને તર્પણ કરવામાં આવે છે. આ ધાર્મિક અનુષ્ઠાન બાદ ઘરે યજ્ઞા કરવામાં આવે છે. રક્ષાસૂત્રને કાચા દૂધથી ધોઈ, અભિમંત્રિત કરીને પછી ભાઈના કાંડા પર બાંધવામાં આવે છે. આ ઉપરાંત તમિલનાડુ, કેરળ અને ઓરિસ્સાના દક્ષિણ બ્રાહ્મણ રક્ષાબંધનના પર્વને અવની અવિતમ કહે છે. વ્રજમાં હરિયાળી ત્રીજથી શ્રાવણ પૂર્ણિમા સુધી મંદિરમાં ઠાકોરના ઝૂલા લગાવવામાં આવે છે. રક્ષાબંધનને દિવસે ઝૂલાનાં દર્શન બંધ થઈ જાય છે.

રક્ષાબંધન અને આધ્યાત્મિક ચિંતન

રક્ષાબંધનનો આધ્યાત્મિક અર્થ છે પાવન બનવું, શુદ્ધ બનવું, બુરાઈનો ત્યાગ કરવો, તેમજ જીવનમાં દૃઢતા લાવવી. ભૌતિક રીતે આજના સમયમાં કોઈની રક્ષા કરવી મુશ્કેલ છે, કારણ કે આપણે બધાં જ જાણીએ છીએ, માનીએ છીએ, અનુભવ કરીએ છીએ કે આ નાશવંત શરીર સિવાય પણ એક ચૈતન્ય આત્મા છે જે અજર અમર છે. જેનો કોઈ નાશ કરી શકતું નથી, તો શરીરની રક્ષાનું આટલું મહત્ત્વ કેમ? આ સવાલ ચોક્કસ ઉદ્ભવે, પણ જીવનને ઉન્નત અને ઉત્કૃષ્ટ દિશા આપવા માટે શરીરના માધ્યમની પણ આવશ્યકતા હોય છે, તેથી શરીરની રક્ષાનું પણ મૂલ્ય છે. આ જીવનમાં મળતા સમયનો સદુપયોગ કરીને, શુદ્ધતાનું પાલન કરીને મનને વિકારથી દૂર રાખવા માટે રક્ષાબંધનના પ્રતીકાત્મક મૂલ્યને સમજવું પણ જરૂરી છે.

આ દિવસે બહેન ભાઈના કપાળ પર જ્યાં આજ્ઞાચક્ર હોય છે ત્યાં તિલક કરે છે. આપણી સમગ્ર પ્રવૃત્તિનું સંચાલન મગજ દ્વારા થાય છે, તેથી જો મગજમાં સદ્વિચાર આવશે તો આપોઆપ શરીર પણ સદ્પ્રવૃત્તિ તરફ વળશે. ત્યારબાદ ભાઈના કાંડા પર રાખડી બાંધવામાં આવે છે. આ રક્ષાસૂત્રથી મનુષ્ય સદ્માર્ગે ચાલવાના સંકલ્પથી બંધાઈ જાય છે અને અંતે મુખમાં મીઠાઈ આપીને મોં મીઠું કરાવવામાં આવે છે. જેનો અર્થ છે હંમેશાં મધુર વાણી રાખો અને વાણી કે વિચારથી કોઈ પર પણ દ્વેષભાવ ન રાખો. આ રીતે રક્ષાબંધનનું પર્વ મનોવિકારને દૂર રાખીને મનને દુર્ભાવોથી રક્ષણ આપવાનું કામ પણ કરે છે.

યજ્ઞાપવીતનું પ્રતીકાત્મક મૂલ્ય

રક્ષાબંધનના દિવસે જે રીતે રાખડી બાંધવાનું અને બંધાવવાનું મહત્ત્વ છે તેવી જ રીતે આ જ દિવસે યજ્ઞાપવીતને બદલીને નવી યજ્ઞાપવીત ધારણ કરવામાં આવે છે. યજ્ઞાપવીત ધારણ કરવાના સંસ્કાર પાછળ પણ જીવનને કલ્યાણકારી માર્ગે વાળવાનો ઉદાત્ત ઉદ્દેશ રહેલો છે. યજ્ઞાપવીત જ્યારે બાળક થોડું સમજદાર થાય ત્યારે આપવામાં આવે છે. યજ્ઞાપવીતમાં મુખ્ય ત્રણ તાર હોય છે અને દરેક તારમાં ત્રણ તાર હોય છે. આ રીતે કુલ નવ તાર હોય છે. યજ્ઞાપવીતના મુખ્ય ત્રણ તાર ગાયત્રી મંત્રના મુખ્ય ત્રણ પદ સાથે સંબંધ ધરાવે છે અને નવ તાર તેના અક્ષર સાથે. ગાયત્રી મંત્ર સદ્બુદ્ધિનો મંત્ર છે જ્યારે ગાયત્રી મંત્રને યજ્ઞાપવીતના રૂપમાં ડાબા ખભે ધારણ કરવામાં આવે છે ત્યારે તે એક મનુષ્ય તરીકેના કર્તવ્યની સતત યાદ અપાવે છે. ડાબા ખભે ધારણ કરવા પાછળ પણ એક તર્ક રહેલો છે. ડાબી બાજુ હૃદય હોય છે. જ્યારે તમે મનુષ્ય તરીકેના કર્તવ્યને વહન કરો છો તો તમે તેને ખરા દિલથી નિભાવો એ જ ઉદ્દેશ સાથે યજ્ઞાપવીત આપવામાં આવે છે. આ રીતે યજ્ઞાપવીત ધારણ કરવાનો ઉદ્દેશ પણ મનુષ્યને માનવીય કર્તવ્યથી સભાન રાખવાનો અને સદ્પ્રવૃત્તિ તરફ ગતિશીલ કરવાનો જ છે.

યજ્ઞાપવીત ધારણ કર્યા બાદ તેને દર શ્રાવણી પૂનમે બદલવામાં આવે છે. બ્રાહ્મણો આ દિવસે ઋષિ-મુનિને યાદ કરીને સમુદ્રકિનારે કે પવિત્ર નદીકાંઠે જઈને વિધિવત્ જૂની જનોઈને ઉતારીને નવી જનોઈને ધારણ કરે છે. દર શ્રાવણી પૂનમે નવી યજ્ઞાપવીત ધારણ કરવા પાછળ પણ એક સુંદર ચિંતન જોડાયેલું છે. યજ્ઞાપવીત માનવીય ધર્મનું યોગ્ય રીતે પાલન કરવાના હેતુ સાથે ધારણ કરવામાં આવે છે, પણ બની શકે કે માનવ સહજ સ્વભાવને કારણે મનુષ્ય આખા વર્ષ દરમિયાન ક્યાંક માનવતાના ગુણો વિરુદ્ધ પણ વર્તન કરી લેતો હોય ત્યારે નવી યજ્ઞાપવીત ધારણ કરતી વખતે કરેલાં પાપકર્મ વિશે પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે અને ફરી આવી ભૂલ ન કરવાના સંકલ્પબળ સાથે જીવનને સદ્પ્રવૃત્તિ તરફ પ્રવૃત્ત કરવામાં આવે છે. આ રીતે આપણાં દરેક ધાર્મિક સંસ્કાર અને પર્વ જીવનને ઉન્નત ગતિ આપવાનો જ ઉપદેશ આપે છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com