Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 01:39:45 PM IST
 

ચાલો આપણે 'ઝીરો'બનીએ (સમાજતરંગ)

Aug 03, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 715
Rate: 0
Rating:
Bookmark The Article

સમાજતરંગ - આરતી ઓઝા

બધું ખાલી ભાસે ત્યારે આપણું મન મૂંઝવણ અનુભવે છે. સમય પસાર થતાં કંઇક રસ્તો નીકળતાં આંશિક રાહતનો અનુભવ કરવા લાગીએ છે. રાહતની અનુભૂતિ શરૂ થયા બાદ શાંતિથી તન્મય બની વિચાર કરીશું તો ધ્યાનમાં આવશે કે આપણી કઠીન પરિસ્થિતિ વખતે નિર્માણ થયેલ માનસિકતામાં કોઇક વ્યક્તિએ આપણને 'શૂન્ય' બની સ્થાનવિશેષ પર રહી ખબર પણ ન પડે તેવી રીતે સધિયારો આપ્યો હતો.

શૂન્યની શોધ ભારતના ઋષિમુનિઓની વિશ્વને અનુપમ ભેટ છે. વિજ્ઞાનનો વિકાસ આ શોધના આધારે સંભવ બન્યો છે. આ ઝીરોને લઇને માનવ સમુદાયમાં અનેકવિધ માન્યતા જોવા મળે છે. 'શૂન્યમાંથી સર્જન' કરનાર વ્યક્તિની વાહવાહ થાય તો બીજી તરફ 'મીડું વાળ્યું' ની નાલેશી પણ વ્યક્તિએ સહન કરવી પડે તેવી મજા 'ઝીરો' ની જોવા મળે છે.

મનુષ્ય ગણતરી વગર ન ચાલી શકે તેવા જમાનામાં આપણે સૌ જીવી રહ્યા છીએ. ગણતરી માંડીએ ત્યારે 'ઝીરો' વગર ચાલે ખરું ? આ વાસ્તવિકતા હોવા છતાં શૂન્ય માટે સાધારણ સ્વરૂપે નકારાત્મક લાગણી જોવા મળતી આવી છે.

આધુનિક યુગમાં ભાષા, ભોજન તેમજ ભાવનામાં જે રીતે પરિવર્તન અનુભવી શકાય છે. તેવી જ રીતે શૂન્ય માટેનો દૃષ્ટિકોણ પણ બદલાયેલો જોવા મળે છે.

ઝીરોની માંગમાં વધારો

આપણે ટી.વી. સામે બેઠાં હોઇએ કે હાથમાં અખબાર-મેગેઝિન લઇને બેઠા હોઇએ. ઝીરો શબ્દ વગર એક કલાક બેઠાં હોય તેવું યાદ આવે છે ખરું ? આતંકવાદ, માઓવાદ, નક્ષલવાદ વગેરે ઘટનાક્રમમાં 'ઝીરો ટોલરન્સ' ની વાત આપણે અનેક વખત સાંભળી છે.

નાણાકીય જગતમાં ખાસ કરીને બેંકીગ ક્ષેત્રમાં 'ઝીરો એન.પી.એ.' આ શબ્દ સમૂહ અવશ્ય વાંચવા મળે છે. આર્થિક પડકારજન્ય સ્થિતિમાં આપણે સૌ જીવી રહ્યા છીએ ત્યારે 'ઝીરો બેલેન્સ' સાથે સેવિંગ્ઝ ખાતુ ખોલાવી શકવાની લલચામણી ઓફર આપણે ઠુકરાવતા નથી.

પર્યાવરણની રક્ષા અંગે જાગૃતિ ક્રમશઃ વધતી જાય છે ત્યારે 'ઝીરો પોલ્યુશન પ્રોડક્ટ' ની માંગ વધતી જોવા મળે છે. નફા-નુકસાનની વાતમાં માંગનારની રકમ શૂન્ય હોય તો?

કરીના કપૂરની વાત આવે અને 'ઝીરો ફીગર' ની વાત આપોઆપ આવી જાય તે આજના જમાનામાં ઝીરોની બોલબાલા વ્યક્ત કરે છે.

ટૂંકમાં વિચાર કરીએ તો ધ્યાનમાં આવશે કે જે કંઇ ખરાબ છે. સાત્વિક નથી અથવા ભારરૂપ છે તેને 'ઝીરો' રાખવાના પ્રયાસમાં આપણે સૌ લાગી પડીએ છીએ.

સ્થાનનું મહત્ત્વ

એકલા શૂન્યનું કંઇ જ મૂલ્ય નથી. પરંતું શૂન્યનું સ્થાન અનુસાર મહત્ત્વ વધતું જાય છે. આ જ શૂન્યની વિશેષતા છે. શૂન્યની આ વિશેષતા ફક્ત આંકડાની માયાજાળ પૂરતી જ મહત્ત્વ ધરાવે છે ?

આપણા રોજીંદા જીવનમાં ક્યારેક મનમાં ખાલીપો અનુભવીએ છીએ. કુટુંબીજનો સાથે પણ શું અને કેટલી વાત કરવી તેવી મનમાં ગડમથલ ચાલતી હોય છે. મિત્રો સાથે વાત કર્યા પછી પણ શૂન્ય મનસ્ક બની જઇએ ત્યારે કેવી હાલત થાય છે ? આ પ્રકારની પરિસ્થિતિમાં લગભગ બધા જ ક્યારેકને ક્યારેક પસાર થયા હોઇએ છીએ.

બધું ખાલી ભાસે ત્યારે આપણું મન મૂંઝવણ અનુભવે છે. સમય પસાર થતાં કંઇક રસ્તો નીકળતાં આંશિક રાહતનો અનુભવ કરવા લાગીએ છે. રાહતની અનુભૂતિ શરૂ થયા બાદ શાંતિથી તન્મય બની વિચાર કરીશું તો ધ્યાનમાં આવશે કે આપણી કઠીન પરિસ્થિતિ વખતે નિર્માણ થયેલ માનસિકતામાં કોઇક વ્યક્તિએ આપણને 'શૂન્ય' બની સ્થાનવિશેષ પર રહી ખબર પણ ન પડે તેવી રીતે સધિયારો આપ્યો હતો.

આ શૂન્યપણાના સહારાની અનુભૂતિ તાત્કાલિક નથી મળતી પરંતુ કાલક્રમે મળે છે. આથી આપણે પણ કોઇકના માટે વિશેષ સ્થાન અંતર રાખીને શૂન્ય બનવાની સદ્પ્રવૃત્તિ કરતાં રહેવી જોઇએ.

અપેક્ષા વગરનું જીવન

આજે સમાજમાં વ્યાપકરૂપે નિરાશા અને વિખવાદ જોવા મળે છે. ઘર-ઘરમાં કલેશ હોય તો સમાજમાં શાંતિ અને સમૃદ્ધિ માટેનો પુરુષાર્થ કેવી રીતે નિર્માણ થઇ શકે ?

પતિ-પત્ની, પિતા-પુત્ર, માલિક-નોકર, ઉદ્યોગપતિ-કામદાર, નેતા-કાર્યકર્તા શિક્ષક-વિદ્યાર્થી આ પ્રકારના તમામ ઘટકોના સંબંધોમાં તનાવ જોવા મળે છે. આપણે આપણાં વ્યક્તિગત જીવનમાં આ પ્રકારના તનાવનો અનુભવ કરીએ છીએ ? આ તનાવના કારણને શોધવાનો પ્રયાસ કરીએ છીએ ? કે પછી તનાવને હટાવવાના બાહ્ય ક્રિયાકલાપમાં રચ્યાપચ્યા રહીએ છીએ?

આપણી જીવનશૈલી આપણને અજાણતા જ સ્વકેન્દ્રિત બનાવી દે છે. એક વખત વ્યક્તિ સ્વકેન્દ્રિત બની જાય પછી તે બીજા મનુષ્ય માટે આત્મિયતાપૂર્ણ વ્યવહાર છોડવા લાગે છે. અપેક્ષા કે ગણતરી સાથે જ વ્યવહાર રાખવાની માનસિકતા સ્વકેન્દ્રિત વ્યક્તિની બનતી જાય છે.

અપેક્ષાના ભંગ થતાં જ મન ગ્લાનિ અનુભવે છે અને તેથી નકારાત્મકતા મનની અંદર પગપેસારો કરી બેસે છે. અપેક્ષા પૂરી ન થવી તેના કારણો કે સંજોગોનું વિશ્લેષણ કરવાની ઇચ્છાને નકારાત્મકતા ખતમ કરી નાખે છે.

અપેક્ષાઓનો ગંજ ખડકાઇ જાય અને આપણે નકારાત્મક દૃષ્ટિકોણના શિકાર બન્યા હોવાના કારણે ઊંડી નિરાશામાં ધકેલાઇ જઇએ છીએ. ગૃહસ્થાશ્રમમાં હોવાના કારણે મોહ-માયાનો ત્યાગ કરી વૈરાગ્ય લઇએ તેવો કહેવાનો ભાવાર્થ નથી.

શૂન્ય મનસ્ક સ્થિતિમાં હેરાન થવાં કરતાં શૂન્ય અપેક્ષાવાળું જીવન જીવવા માટેનો પ્રયાસ વધુ પરિણામકારી સાબિત થઇ શકશે. સુખ, શાંતિ અને સમૃદ્ધિયુક્ત જીવન જીવવાની આ જડીબુટ્ટી અપનાવીએ.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com