મોરબી તા. ૩
મોરબીમાં સર્વોદય એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત ગ્રાન્ટેડ સાયન્સ કોલેજમાં વિદ્યાર્થી વિકાસ ફી મુદે વિદ્યાર્થીઓના હિતમાં ટ્રસ્ટી મંડળ સામે બંડ પોકારનાર સાયન્સ કોલેજના પ્રિન્સીપાલને ટ્રસ્ટી મંડળે ગેરશિસ્તના બહાના હેઠળ સસ્પેન્ડ કરી દીધાની ઘટનાના વિદ્યાર્થી આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા અને આજે સવારે કોલેજના મેદાનમાં ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓ એકઠા થઈને પ્રિન્સીપાલને પરત ફરજ પર લેવા માટે ટ્રસ્ટી મંડળ સમક્ષ રજુઆત કરવા ગયા હતા.
· મોરબીની સાયન્સ કોલેજમાં સસ્પેન્ડ કરાયેલા
· ટ્રસ્ટી મંડળ ગેરહાજર હોવાથી રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ કોલેજના તાળા બંધી કરી
પરંતુ ટ્રસ્ટી મંડળ ગેરહાજર હોવાથી વિદ્યાર્થીઓ ઉશ્કેરાયા હતા અને વિદ્યાર્થી સંગઠનોના નેજા હેઠળ વિદ્યાર્થીઓએ કોલેજને તાળા બંધી કરીને ઉગ્ર દેખાવો કરતા વાતાવરણ તંગ બની ગયું હતું. જો કે બનાવને પગલે પોલીસે ઘટના સ્થળે દોડી જઈને મામલો સંભાળી લીધો હતો. વિદ્યાર્થી સંગઠનોએ પ્રિન્સીપાલને પરત ફરજ પર નહી લેવાઈ તો જલદ આંદોલન છેડવાની ચીમકી આપી છે.
સર્વોદય એજકયુકેશન ટ્રસ્ટ સંચાલિત મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન પાછળ આવેલી એમ.એમ. સાયન્સ કોલેજના પ્રિન્સીપાલ ડો.પી.કે.પટેલને બે દિવસ પહેલા સર્વોદય એજયુકેશન ટ્રસ્ટના માનદ મંત્રી પ્રદિપભાઈ વોરાએ ગેરશિસ્ત અને ગેરવર્તણુકના બદલ સસ્પેન્ડ કરી દીધાના ઓર્ડરની બજવણી કરી હતી. વિદ્યાર્થી હિતેચ્છું ગણાતા પ્રિન્સીપાલને અચાનક ટ્રસ્ટી મંડળે બરતરફ કરી દેતા વિદ્યાર્થી આલમમાં રોષ ભભુકી ઉઠયો હતો. વિદ્યાર્થીઓએ પ્રિન્સીપાલને ગેરશિસ્ત નહીં પરંતુ વિદ્યાર્થી વિકાસ ફી ના મામલે ટ્રસ્ટી મંડળ સામે બંડ પોકારવાથી ટ્રસ્ટી મંડળે સસ્પેન્ડ કર્યાનું જણાવ્યું હતું.
ટ્રસ્ટી મંડળ દ્રારા અપાયેલા સસ્પેન્ડ ઓર્ડર અંગે કોલેજના પ્રિન્સીપાલ ડો. પી.કે.પટેલે જણાવ્યું હતું કે, કોલેજના સંચાલક ટ્રસ્ટ મંડળ દ્રારા ગયા વર્ષે છાત્રોના વિકાસની ફી ના નાણા ગેરકાયદેસર રીતે કોલેજના ખાતામાંથી ટ્રસ્ટના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા અને ચાલુ વર્ષે પણ ટ્રસ્ટી મંડળ વિદ્યાર્થીઓ પાસેથી વિકાસ ફાળા પેટે ઊંચી ફી ઉઘરાવી તે ટ્રસ્ટ ખાતામાં જમા લેવાની પેરવી કરી રહયું હોય જેનો સખત વિરોધ કર્યો હતો અને વિદ્યાર્થીઓના હિત માટે ટ્રસ્ટી મંડળ સામે બંડ પોકારવા બદલ ગેરશિસ્તના બહાના હેઠળ સસ્પેન્ડ કરી દેવાયાનું જણાવ્યું હતું. સામા છેડે ટ્રસ્ટી મંડળે પ્રિન્સીપાલ તેમના કાર્યકાળ દરમિયાન અનેક નાણાકીય વહીવટનો હિસાબ ટ્રસ્ટને ન આપ્યો હોવાથી નાણાકીય ગેરરીતિ આચરવા બદલ આ પગલું લેવાનું જણાવ્યું હતું.
પ્રિન્સીપાલ અને ટ્રસ્ટી મંડળના આક્ષેપો અને પ્રતિ આક્ષેપો વચ્ચે આજે સવારથી પ્રિન્સીપાલના સમર્થનમાં કોલેજે ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓ એકઠા થયા હતા.અને વિદ્યાર્થીઓ પ્રિન્સીપાલને પરત ફરજ પર લેવા માટે ટ્રસ્ટી મંડળ સમક્ષ રજુઆત કરવા ગયા હતા. પરંતુ ટ્રસ્ટી મંડળ ગેરહાજર હોવાથી વિદ્યાર્થીઓ વિફર્યા હતા. રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ કોલેજને તાળા બંધી કરીને ટ્રસ્ટી મંડળ વિરૂધ્ધ હાય હાય ના નારા લગાવીને સુત્રોચ્ચાર કર્યા હતા.
તેમજ ઉગ્ર દેખાવો કરતા તંગદીલી વ્યાપી ગઈ હતી. બનાવને પગલે પોલીસ દોડી ગઈ હતી અને આંદોલન કરતા વિદ્યાર્થીઓને સમજાવીને મામલો થાળે પાડયો હતો.
આજે વિદ્યાર્થીઓના પ્રતિક ઉપવાસ
સાયન્સ કોલેજના પ્રિન્સીપાલને સસ્પેન્ડ કરવાની ઘટનાના વિદ્યાર્થીઓમાં ઘેરા પ્રત્યાઘાતપાડયા હતા અને જો પ્રિન્સીપાલને ફરજ પર પરત નહીં લેવાય તો શનીવારે સવારે કોલેજના મેદાનમાં યુવા કોંગ્રેસના પુષ્પરાજસિંહ જાડેજાએ વિદ્યાથીઓને સાથે રાખી પ્રતિક ઉપવાસ કરવાની જાહેરાત કરી છે. વિદ્યાર્થીઓના આંદોલન સામે ટ્રસ્ટી મંડળ નમતું જોખે છે કે કેમ તેના પર સૌની મીટ મંડરાયેલી છે.