આણંદ, તા.૩
આણંદની ડીએસપી ઓફિસમાં સીટ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સામરખાના શખ્સે ઉમરેઠના એક જ જ્ઞાતિબંધુના પુત્રને પીએસઆઈની પરીક્ષા પાસ કરાવી આપવા માટે રૂ.૧૨ લાખ લઈને છેતરપીંડી આચરતા ઉમરેઠના શખ્સે ઉમરેઠ પોલીસ મથકે સીટ ક્લાર્ક સામે ગત તા.૧૯મી જુનના રોજ વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો નોંધાયો હતો.જેમાં આરોપી નવલદાન ગઢવીને ગતરાત્રીના સુમારે એલસીબી પોલીસે જામનગરમાંથી ઝડપી પાડી ઉમરેઠ પોલીસના હવાલે કર્યો છે.
- પીએસઆઈની પરીક્ષા પાસ કરાવી આપવા લીધેલા રૂપિયા લીધા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે ઉમરેઠ આઈટીઆઈ કોલેજની બાજુમાં રહેતા અંબાદાન કાનજીભાઈ ગઢવીના પુત્ર ધર્મેન્દ્રસિંહ ૨૦૧૦માં પીએસઆઈની પરીક્ષા આપી હતી.આ દરમ્યાન અંબાદાન ગઢવીના સગા થતાં અને આણંદની ડીએસપી કચેરીમાં સીટ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અને સામરખામાં રહેતા નવલદાન નાથુજીભાઈ ગઢવી સાથે મુલાકાત થતાં તેઓએ પોતાના પુત્રએ પીએસઆઈની પરીક્ષા આપી હોવાની વાત કરી હતી જેથી નવલદાન ગઢવીએ જણાવ્યું હતું કે મારે ડાયરેક્ટ ડીજી સાથે સારી ફરાર ડીએસપી ઓળખાણ છે તમારા પુત્રને જો પીએસઆઈની પરીક્ષામાં પાસ કરાવવી આપવી હોય તો હું ગોઠવણ કરી આપીશ પરંતુ રૂ.૧૨ લાખ આપવા પડશે તેમ જણાવતાં અંબાદાન નવલદાનની વાતોમાં આવી ગયા હતા અને પૈસા આપવા માટે તૈયાર થઈ ગયા હતા.આ વાતચીત થયા બાદ અંબાદાને બે થી ત્રણ વખત થઈને કુલ રૂ.૧૨ લાખ આપી દીધા હતા.
દરમ્યાન પરીક્ષા લેવાઈ ગયા બાદ પરિણામ આવતા જ અંબાદાન ગઢવીનો પુત્ર ધર્મેન્દ્રસિંહ નાપાસ થયો હતો.જેથી અંબાદાને નવલદાન ગઢવી પાસે પોતાના પૈસા પરત માંગતા નવલદાન ગઢવીએ પૈસા પાછા આપવાનું જણાવ્યું હતું પરંતુ છેલ્લા કેટલાંક સમયથી નવલદાન ગઢવીએ વાયદાઓ કરતાં અંબાદાન વારંવારની ઉઘરાણીથી ત્રાસી ગયા હતા જેથી તેઓએ કડક હાથે ઉઘરાણી કરતાં નવલદાન ગઢવીએ રૂ.૭ લાખના બે ચેક આપ્યા હતા.જે ચેકો બેંકમાં જમા કરાવતા બંન્ને ચેકો પરત ફર્યા હતા.
જેથી પોતાની સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત થઈ હોવાનું જણાતા અંબાદાન ગઢવીએ ઉમરેઠ પોલીસ મથકે ગત તા.૧૯મી જુનના રોજ નવલદાન નાથુજીભાઈ ગઢવી સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ઈપીકો કલમ ૪૦૬,૪૨૦ મુજબનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી જેમાં આરોપી નાસતો ફરતો હતો જેને શોધવા માટે એલસીબી પોલીસે સઘન તપાસ કરતાં અવારનવાર પોતાની પુત્રીને ત્યાં જામનગર જતો હોવાનું જાણવા મળતાં પોલીસે વોચ રાખી હતી અને ગતરોજ તેને રક્ષાબંધનના દિવસે જ જામનગરમાંથી ઝડપી લીધો હતો જેને ઉમરેઠ પોલીસના હવાલે કરી દેતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.જેને કોર્ટમાં રજુ કરી ઉમરેઠ પોલીસે રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.