અમદાવાદ, તા. ૩
અપેક્ષા પ્રમાણે ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિએ સિન્ડિકેટની ચૂંટણીનું જાહેરનામું આજે બહાર પાડયું ન હતું. જેને કારણે કોગ્રેસ પ્રેરિત સિન્ડિકેટ સભ્યો અને એનએસયુઆઇના કાર્યકરો આજે બપોરે ચૂંટણી યોજવાની માંગણી સાથે ભાજપ સરકાર હાર ભાળી ગઇ હોવાથી ચૂંટણી યોજતી ન હોવાના આક્ષેપ કરીને નારા અને સુત્રોચ્ચાર કરતા મોટી સંખ્યામાં યુનિવર્સિટીમાં આવી પહોંચ્યા હતા.
- ચૂંટણી યોજવાની માગણી સાથે કોંગ્રેસના સભ્યો-એનએસયુઆઇ કાર્યકરોની ધમાલ
તેમણે ચૂંટણી યોજવાની માંગણી કરતુ આવેદનપત્ર કાર્યકારી રજીસ્ટારને આપ્યુ હતુ. તેઓ પરત જતા હતા ત્યારે કુલપતિની ગેરહાજરીમાં તેમની કાર્યાલયમાં ભાજપ પ્રેરિત સેનેટ-સિન્ડિકેટ સભ્યો બેઠા છે તેવું બહાર આવતા તેમણે કુલપતિ કાર્યાલયને બહારથી બંધ કરી દઇને ભાજપના સભ્યોને અંદર પુરી દેતા ઉશ્કેરાહટ ફેલાય ગયો હતો. થોડો સમય પછી કાર્યલયનો દરવાજો ખોલીને કાર્યકરો અંદર પહોંચી ગયા હતા અને તેમણે સતત બેથીઅઢૂ કલાક ધાંધલ ધમાલ મચાવી હતી. છેવટે યુનિ. પોલીસ આવી પહોંચતા તેમણે બંને પક્ષના કાર્યકરોને સમજાવીને બહાર કાઢયા હતા અને કાર્યાલયને બંધ કરાવતા મામલો થાળે પડયો હતો.
ગુજરાત યુનિવર્સિટી સિન્ડિકેટની સમય મર્યાદા તા. ૨૯ ઓગસ્ટે પુર્ણ થાય છે. આ પહેલા ચુંટણી યોજવાનો વિગતવાર કાર્યક્રમ તા. ૯ મે, ૨૦૧૨ના રોજ મળેલી સિન્ડિકેટની બેઠકમાં નક્કી કરાયો હતો. જે પ્રમાણે તા.૩ ઓગસ્ટે સિન્ડિકેટની ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવાનું હતુ.ં પરંતુ કાર્યકારી કુલપતિ ડો.મુકુલ શાહે જાહેરનામું બહાર ન પાડતા કોગ્રેસના સિન્ડિકેટ સભ્યો અને એનએસયુઆઇના કાર્યકરો આજે બપોરે ૧૨ કલાક આસપાસ કોઇને ગંધ ન આવે તે રીતે મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. તેમણે નારેબાજી અને સુત્રોચ્ચાર કરીને ચૂંટણી યોજવાની માંગણી કરતું આવેદનપત્ર કાર્યકારી રજીસ્ટાર બળદેવ પટેલને આપ્યું હતું. સિનિયર સિન્ડિકેટ સભ્ય નરહરિ અમીન સહિતના સભ્યોએ ચૂંટણી સમયસર યોજવી તે યુનિવર્સિટીના રજીસ્ટારની ફરજ હોવાથી ચુંટણીનો કાર્યક્રમ જાહેર કરવાની ભારપુર્વક માંગણી કરી હતી. માંગણી કર્યા પછી સભ્યો પરત ફરી રહ્યા હતા ત્યારે ભાજપ પ્રેરિત ચાર સિન્ડિકેટ-સેનેટ સભ્યો ગિરીશ ચૌધરી, ગૌતમ શાહ, હર્ષદ પટેલ, કૌશિક જૈન કુલપતિની ગેરહાજરીમાં તેમની કાર્યાલયમાં બેઠા છે તેવી તેમને ખબર પડી હતી. કુલપતિની ગેરહાજરીમાં તેમની કાર્યાલય પર ભાજપના સભ્યોનો કબ્જો તેવી લાગણી કોગ્રેસના સભ્યોમાં ફેલાતા તેઓ સમસમી ઉઠયા હતા. ઉશ્કેરાયેલા કોગ્રેસ અને એનઅસયુઆઇના કાર્યકરોએ કુલપતિ કાર્યાલયને બહારથી બંધ કરી દેતા ચાર સભ્યો અંદર પુરાયા હતા. એનએસયુઆઇના કાર્યકરોએ વીસ મિનીટ સુધી દરવાજો બંધ રાખીને બહાર 'વીસી ઓફિસ કે બીજેપી ઓફિસ' કુલપતિ કાર્યાલય ભાજપનું કાર્યલય' તેવા સુત્રો પોકાર્યા હતા.
નવા કુલપતિ જ ચૂંટણી યોજશે : કાર્યકારી કુલપતિ
સિન્ડિકેટની ચૂંટણી યોજવા કોગ્રેસે માંગણી કરી છે ત્યારે કાર્યકારી કુલપતિએ ડો. મુકુલ શાહે એવી જાહેરાત કરી છે કે હું કાર્યકારી કુલપતિ છું. ચૂંટણી યોજવી તે નવા કુલપતિનો અધિકાર છે. તેઓ આવીને ચૂંટણી યોજશે. કોઇપણ સંજોગોમાં મારા કાર્યકાળ દરમિયાન ચૂંટણી યોજાશે નહીં.
કોંગ્રેસ પછી એબીવીપીના કાર્યકરો આવ્યા !
યુનિ.માં રજૂઆત કર્યા બાદ કોગ્રેસના કાર્યકરો જતા રહેતા તરત જ એબીવીપીની કાર્યકરો ભાજપના આગેવાન અમિત ઠાકરની આગેવાનીમાં આવી પહોંચ્યા હતા.તેમણે કુલપતિની તરફેણમાં સુત્રોચ્ચાર અને નારાબાજી કરી હતી. સતત ૩૦ મિનીટ સુધી તેમણે પણ યુનિવર્સિટીમાં સુત્રો બોલીને વાતાવરણ ઉગ્ર બનાવ્યુ હતું.
કુલપતિ રહસ્યમય રીતે ગાયબ
એનએસયુઆઇ - કોગ્રેસના કાર્યકરો આવવાને છે તેની જાણ કાર્યકારી કુલપતિ ડો. શાહને થઇ હતી. આથી તેઓ કાર્યકરો આવે તે પહેલા જ યુનિવર્સિટીમાંથી ગાયબ થઇ ગયા હતા. આજે આખો દિવસ તેઓ યુનિવર્સિટીમાં આવ્યા ન હતા. તેમનો મોબાઇલ ફોન આખો દિવસ બંધ આવતો હતો. મિડીયાને પણ તેમનો સંપર્ક કરવા તેમના આસિસ્ટન્ટની મદદ લેવી પડી હતી.
ચૂંટણી તેના સમયે આવશે : ભાજપના સિન્ડિકેટ સભ્યો
ચૂંટણી યોજવા બાબતે કોગ્રેસની ધાંધલ ધમાલ બાબતે ભાજપના સભ્યો વતી પ્રતિભાવ આપતા સિન્ડિકેટ સભ્યો ગૌરાંગ ચૌધરીએ જણાવ્યું હતુ કે ગાળાગાળી અને ધમકી આપવી તે કોગ્રેસની માનસિકતા છે. તેમની આવી ધમાલ તેમની નિરાશાનો સંકેત છે. ચૂંટણી તેના યોગ્ય સમયે આવશે જ. કાર્યકારી કુલપતિ ડો. શાહના અત્યારના કાર્યકાળમાં પુર્વ કુલપતિ પરિમલ ત્રિવેદી કરતા સ્થિતિ સારી છે, ત્રિવેદીના સમયમાં વિદ્યાર્થીઓને અંદર આવવા પણ મળતું ન હતું.