સુરત, તા. ૩
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સેનેટ ચૂંટણીમાં કુલ ૩૩ બેઠકો માટે ૮૦ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. ફોર્મ ભરવાના આજે અંતિમ દિવસે ચાર બેઠકો ઉપર ઉમેદવારો બિનહરીફ રહેવાની સંભાવના છે. જ્યારે બાકીના તમામ સંવર્ગની વિવિધ બેઠકો ઉપર ચૂંટણી થશે. જેમાં ટીચર્સ અને અધ્યાપકો, ડોનર તેમજ રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટની પણ તમામ બેઠકો ઉપર બેથી ત્રણ ઉમેદવારો રેસમાં ઊતર્યા છે.
- ફોર્મ માન્ય ઠરે તો ચાર ઉમેદવારો બિનહરીફ જાહેર થશે
ફોર્મ માન્ય ઠરે તો ચાર ઉમેદવારો મેનેજમેન્ટમાં ટીચરમાં પ્રા. વિનોદ પટેલ, આર્કિટેકચર ટીચરમાં મહેશ નાગેચા, લો ટીચરમાં કમલેશ પટેલ તેમજ આર્કિટેકચરમાં નોંધાયેલા સ્નાતકોમાં ભરત શેઠ બિનહરીફ ચૂંટાયેલા જાહેર થવાની સંભાવના છે. આ ઉપરાંત એન્જિનિયરિંગમાં અત્યાર સુધી સિટિંગ સિન્ડિકેટ સભ્ય સંજય દેસાઈનું એક માત્ર ફોર્મ હતું પરંતુ આ બેઠક ઉપર પણ બીજા બે ઉમેદવારો દોઢિયા રઘુવીરસિંહ તેમજ રવિ ભટ્ટે પણ આજે છેલ્લી ઘડીએ ફોર્મ ભરતા આ બેઠક ઉપર પણ ચૂંટણી યોજાવાની સંભાવના છે. અલબત્ત, હવે અંતિમ ચિત્ર આગામી તા. ૬ઠ્ઠીના રોજ ફોર્મ પાછા ખેંચવાના દિવસે કેટલા ઉમેદવારો રેસમાંથી ખસી જાય છે એની ઉપર બધો દારો મદાર રહ્યો છે.
મહત્ત્વની ચૂંટણીઓમાં સાયન્સમાં હોશંગ મિરઝા સામે ચેમ્બર પ્રમુખ પરેશ પટેલ અને કિશોર પટેલ રેસમાં રહ્યા છે. જ્યારે હોમિયોપેથીમાં સિટિંગ સિન્ડિકેટ સભ્ય ડો. ઘનશ્યામ રાવળ સામે ડો. વિપુલ શાસ્ત્રી મેદાનમાં છે. તો બિલાડીના ટોપની માફક એકાએક ફૂટી નીકળેલા દાતાઓની બે બેઠક ઉપર અનુજ શાહ, દિનકરરાય નાયક, કશ્યપ મહેતા, નૈષધ દેસાઈ અને મહેન્દ્ર ચૌહાણ મેદાનમાં રહેતા આ બેઠક ઉપર મતોનું ધ્રુવીકરણ થવાની સંભાવના છે. જ્યારે મેડિકલ ટીચર અને નોંધાયેલા સ્નાતકોની બેઠકો ઉપર પણ બેથી વધારે ઉમેદવારો રહેતા આ બેઠકની ચૂંટણી પણ રસાકસીપૂર્ણ બની રહેશે.
આજના દિવસને અંતે ભરાયેલા ફોર્મ મુજબ હાઈસ્કૂલ ટીચરની બે બેઠક માટે સાત ઉમેદવારો રેસમાં છે. જ્યારે હેડમાસ્તરની બે બેઠક માટે દસ, નગરપાલિકા પ્રમુખની એક બેઠક સામે બે, ડોનરમાં પાંચ, આર્ટ્સ અને સાયન્સની બે બેઠકો સામે બબ્બે કોમર્સમાં એક બેઠક સામે બે, મેડિકલ ટીચરની બે બેઠક સામે પાંચ, શિક્ષણમાં એક બેઠક સામે ચાર, રૂરલ સ્ટડીઝમાં એક બેઠક સામે બે ઉમેદવારો રેસમાં ઊતર્યા છે.
જ્યારે નોંધાયેલા સ્નાતકોના વર્ગની એક એક બેઠક સામે આર્ટ્સમાં આઠ, સાયન્સમાં ત્રણ, મેડિસિનમાં ત્રણ, લોમાં સાત, આઈ.ટી.માં ૩, કમ્પ્યુટર સાયન્સમાં બે, કોમર્સમાં છ, એજ્યુકેશનમાં સિટિંગ સિન્ડિકેટ સભ્ય કિરીટસિંહ વાસદિયા સહિત ચાર, મેનેજમેન્ટમાં એક, રૂરલ સ્ટડીઝમાં બે, માધ્યમિક શિક્ષકોની બે બેઠક સામે સાત અને માધ્યમિક સ્કૂલ હેડમાસ્તરની બે બેઠક સામે દસ ઉમેદવારો રેસમાં ઊતર્યા છે. તમામ ફોર્મની આવતી કાલે ચકાસણી થશે.
માધ્યમિક શિક્ષકોએ પણ શક્તિ પ્રદર્શન કર્યું
સેનેટની ચાલુ વર્ષે હાઈ પ્રોફાઈલ બની રહેલી ચૂંટણીમાં માધ્યમિક શિક્ષકો અને હેડમાસ્તરોની બેઠકના ઉમેદવારોએ પણ આજે શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ બંને વર્ગની બબ્બે બેઠકો પૈકી માધ્યમિક શિક્ષકની બેઠક ઉપર સાત અને હેડ માસ્તરમાં દસ ઉમેદવારોએ ફોર્મ ભરતાં બળવાખોરોનો રાફડો ફાટી નીકળ્યો છે. અલબત્ત, સંઘ સર્મિથત સત્તાવાર ઉમેદવારોના ફોર્મ ભરતી વેળા શિક્ષક અને આચાર્ય સંઘના ત્રણસોથી વધુ સભ્યો હાજર રહ્યા હતા અને શક્તિ પ્રદર્શન કર્યું હતું. જેમાં રાજેશ દેસાઈની ઉમેદાવીર પ્રસંગે માજી સાંસદ પ્રવીણભાઈ નાયક અને ધારાસભ્ય કિશોર વાંકાવાળા તેમજ કુમાર કાનાણી સહિત મોટી સંખ્યામાં કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યા હતા.