બ્રેકિંગ વ્યૂઝ - રાજ ગોસ્વામી
દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો એવા રાજનેતાઓ માટે લાલબત્તી સમાન છે, જેમણે યુવાનીમાં આવાં અનેક ગુલ ખીલાવ્યાં છે
"હું એમનું નાજાયજ સંતાન નથી. એ (એન.ડી. તિવારી) મારા નાજાયજ પિતા છે." આ એક વિધાન સાથે રોહિત શેખરે પિતૃત્વના મામલે તિવારી સાથે ચાલતા જંગને યોગ્ય પરિપેક્ષ્યમાં મૂકી દીધો. રોહિતને આવું કહેવાનો અધિકાર એટલા માટે છે કે રોહિત 'નારાયણ દત્ત તિવારી મારા પિતા છે' એવી સચ્ચાઈ છેલ્લાં પાંચ વર્ષથી બયાન કરતો હતો અને તિવારી લગાતાર એનો ઇનકાર કરતા હતા. આખરે ગયા સપ્તાહે તિવારીના ડીએનએ ટેસ્ટથી સાબિત થઈ ગયું કે મીડિયા જેને તિવારીના નાજાયજ પુત્ર તરીકે ઓળખતું હતું એ ૮૭ સાલના કોંગ્રેસી નેતા એન.ડી. તિવારીનો જ પુત્ર છે!
તિવારીનું આ પિતૃત્વ એવા વખતે જ સાબિત થયું છે જ્યારે એ આંધ્રપ્રદેશના રાજ્યપાલપદેથી રાજભવનમાં રૂપલલનાઓનાં પડખાં સેવવાના કૌભાંડના પગલે ૨૦૦૯થી રાજકીય વનવાસ ભોગવી રહ્યા છે. કોંગ્રેસમાં સેક્સ સ્કેન્ડલની નવાઈ નથી, પણ ૮૭ વર્ષના તિવારી એક તરફ ઉજ્જ્વલા શર્મા (જેના પેટે રોહિત શેખર અવતર્યો હતો) નામની ઓલ ઇન્ડિયા યંગ વિમેન કોંગ્રેસની જનરલ સેક્રેટરી સાથે રંગીન રાતો ગુજારી હોવાનો બેહિચકિચાહટ ઇનકાર કરી રહ્યા ત્યારે બીજી તરફ આંધ્રના રાજભવનમાં એમનાથી અડધી ઉંમરની રૂપલલનાઓ સાથે બેશર્મીથી રાતો ગરમ કરતા હતા.
ત્રણ વખત ઉત્તર પ્રદેશ અને એક વખત ઉત્તરાખંડના મુખ્યમંત્રી રહી ચૂકેલા નારાયણ દત્ત તિવારી નૈતિક લડાઈ તો હારી જ ગયા હતા, હવે કાનૂની લડાઈ પણ ગુમાવી ચૂક્યા છે. "ઉજ્જ્વલા મારી મહેબૂબા નથી અને રોહિત મારું ફરજંદ નથી." તિવારીની એવી દલીલ અદાલતોમાં છેલ્લાં પાંચ વર્ષથી પડઘાયા કરતી હતી. છેલ્લે દિલ્હી ઉચ્ચ ન્યાયાલયે તિવારીના ડીએનએ સેમ્પલ જબરદસ્તી કરીને લેવાનો આગ્રહ કરતાં ઉજ્જ્વલા અને રોહિતની ન્યાયની લડાઈ ઠેકાણે પડી. બુઢ્ઢા ખુંસટ તિવારીની ટ્રેજેડી કહો કે કોમેડી, ડીએનએ ટેસ્ટનું પરિણામ જાહેર કરવા સામેના એમના કાનૂની દાવપેચ પણ નિષ્ફળ રહ્યા.
સંતાન ક્યારેય નાજાયજ ન હોઈ શકે. એના પિતા (કે માતા) સાથેનો એનો સંબંધ કાનૂનની મંજૂરીના દાયરાની બહાર છે. હિન્દુ મેરેજ એક્ટ અને સક્સેશન એક્ટ જેવા કાનૂનોમાં કથિત નાજાયજ સંતાનો બાબતે આ સ્પષ્ટ છે. રોહિત શેખરની ન્યાયિક જીત એવા અનેક લોકો માટે મુસીબત સાબિત થઈ શકે છે, જેમણે માસૂમ સંતાનોના જૈવિક પિતા હોવા છતાં એક બૂરી યાદની જેમ એમને ભુલાવી દીધાં છે.
રોહિત શેખરના મામલે આવેલો ચુકાદો પિતૃત્વ વિવાદમાં ઉદાહરણરૂપ સાબિત થશે. આ ચુકાદા પછી રોહિત શેખરે કહ્યું હતું કે, "આ લાંબી લડાઈમાં હું જે તકલીફમાંથી પસાર થયો છું એને શબ્દોમાં બયાન કરવી મુશ્કેલ છે." એન.ડી. તિવારી ઘણા સમય સુધી લોહીના નમૂના આપવાથી કતરાતા હતા. અંતે કોર્ટના હુકમ પછી દહેરાદૂનમાં તિવારીના નિવાસ 'અનંતવન'માં જિલ્લા મેજિસ્ટ્રેટની હાજરીમાં ડોક્ટરોએ બ્લડ સેમ્પલ લીધું હતું.
એન. ડી. તિવારી જ્યારે યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે કોંગ્રેસની જ કાર્યકર ઉજ્જ્વલા શર્મા સાથે ઇશ્ક ફરમાવતા હતા. ઉજ્જ્વલા યુવા કોંગ્રેસની જ મહિલા વિંગમાં મહામંત્રી હતી. એના પિતા શેરસિંહ હરિયાણાના સાંસદ હતા અને ઇન્દિરા ગાંધીની સરકારમાં કેન્દ્રીય રાજ્યમંત્રી હતા. ઉજ્જ્વલાની કેફિયત પ્રમાણે તિવારી એના ઘરે આવનજાવન કરતા હતા અને એમાંથી જ સંબંધ વિકસ્યો હતો. તિવારીની ઇશ્કબાજી કોઈનાથી છૂપી ન હતી. બંને વચ્ચે કયા કારણસર માથાકૂટ થઈ અને તિવારીને રોહિત મારો દીકરો નથી એવું કહેવા સુધીની નોબત કેમ આવી ગઈ, એની કોઈને ખબર નથી, પણ એટલું નક્કી છે કે તિવારીની રંગીન મિજાજી જગજાહેર છે. પત્રકાર ખુશવંત સિંહ લખે છે કે "૮૭ વર્ષેય લાલ ટમાટર જેવા દેખાતા તિવારી ખાસ્સા હેન્ડસમ હતા અને સ્ત્રીઓમાં લોકપ્રિય હતા."
એવું નથી કે રોહિત શેખર એવો એક જ યુવાન છે, જેની મા રાજકારણીઓની બેવફાઈ અને બેશર્મીનો ભોગ બની હોય. ભારતીય રાજનીતિમાં એવા અનેક ચહેરા છે, જેમણે એમનાં નાજાયજ સંતાનોને એમની વાસ્તવિક ઓળખ છતી કરતા અટકાવી રાખ્યાં છે. ખાદી અને સત્તાની આડમાં છુપાયેલા એવા રાજકારણીઓમાંથી તિવારી પહેલા શખ્સ છે, જેની હકીકત એ સમયે દુનિયા સમક્ષ જાહેર થઈ છે જ્યારે એ પોતે કબરમાં પગ લટકાવીને બેઠા છે.
ભારતનાં ૨૮ રાજ્યો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશમાં કેટલાય રાજનેતા છે જેમનાં નાજાયજ સંતાનોને રાજનેતાનાં પુત્ર કે પુત્રી હોવાની સામાજિક માન્યતા મળી નથી અને એમના વર્તમાનથી લઈને ભવિષ્ય સુધીનો ખર્ચો રાજનેતા એ શર્તે ઉઠાવી રહ્યા છે કે એ ક્યારેય એવું નહીં કહે ફલાણો નેતા એનો પિતા છે. દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો આવા રાજનેતાઓ માટે લાલબત્તી સમાન છે, જેમણે યુવાનીમાં આવાં અનેક ગુલ ખીલાવ્યાં છે.
સર્વોચ્ચ અદાલતની સીનિયર વકીલ પિન્કી આનંદ કહે છે કે, "લીવ ઇન રિલેશનશિપમાંથી પેદા થયેલાં સંતાનોના વારસાઈ હક્ક બાબતે કાનૂન સ્પષ્ટ નથી, પરંતુ આ (તિવારીના) કેસમાં પિતૃત્વ સાબિત કરવાની લડાઈ હવે એ દિશામાં જાય તો નવાઈ નહીં." એમ તો રોહિત શેખરે પણ કહ્યું છે કે, "મારી લડાઈ અહીં પૂરી થતી નથી અને હું ભરણપોષણ માટે કોર્ટે જઈશ."
નિષ્ણાતો કહે છે કે આ કાયદાઓ એ સમયના છે, જ્યારે સંતાનની જાયજતા માત્ર એની મા સુધી જ સીમિત હતી અને પિતૃત્વ નક્કી કરવાની ડીએનએ ટેસ્ટ જેવી વૈજ્ઞાનિક સુવિધા ઉપલબ્ધ ન હતી. એમ તો ચૂંટણી લડવા માટે ઉમેદવારીપત્ર ભરતી વખતે જ એની સાથે પ્રત્યેક ઉમેદવારને ડીએનએ રિપોર્ટ જોડવાનું ફરજિયાત કરી દેવું જોઈએ. એમ તો આતંકવાદનાં વધતાં જોખમ સામે દેશમાં બાયોમેટ્રિક્સ સુવિધા લાગુ કરવાનું સુરક્ષા એજન્સી ઘણા સમયથી કહી રહી છે.
આપણા રંગીન રાજનેતાઓના સંબંધોને કાનૂનનાં વસ્ત્રો પહેરાવવામાં અદાલતોનો સમય બરબાદ થાય એમાં અકલમંદી નથી. રાજસ્થાનની લાપતા ગાયક ભંવરીદેવીના સંદર્ભમાં પણ આવી જ ગૂંચ ચાલી રહી છે. એન.ડી. તિવારી જેવા રંગીન નેતાઓના ભૂતકાળની તપાસ કરવામાં આવે તો આવા અનેક રોહિત શેખર અને અનેક ભંવરીદેવીઓની પ્રતિષ્ઠા ઠેકાણે પડે. તિવારી સંત છે એવું ત્યારેય કોઈ માનતું ન હતું. મુશ્કેલી એ હતી કે એમને હવસી સાબિત કરવાનો કોઈ રસ્તો ન હતો. તિવારીની હેસિયત ત્યારેય બધાને ખબર હતી અને એટલે જ ત્યારે આ જોડકણું લોકપ્રિય થતું હતું.
મૈં નારાયણ દત્ત તિવારી હૂં
મૈં સંજય કી સવારી હૂં
ના નર હૂં, ના નારી હૂં
ઇન્દિરા કા પુજારી હૂં
તિવારીની આ હેસિયત ૮૭ વર્ષે સાબિત થઈ, એમાં એમનું તો નહીં, દેશનું ઘણું અહિત થયું છે.
goswami_raj@yahoo.co.in