કેલિડોસ્કોપ - મોહમ્મદ માંકડ
'અરેબિયન નાઇટ્સ' એની વાર્તાઓને કારણે પ્રખ્યાત છે. 'અલાદ્દીન અને જાદુઈ ચિરાગ,' 'અલીબાબા અને ચાલીસ ચોર,' 'સિંદબાદની સાત સફર' જેવી અનેક વાર્તાઓ ખૂબ જાણીતી છે. 'અરેબિયન નાઇટ્સ' તો વાર્તાઓનો ખજાનો છે અને દરેક વાર્તા રસિક, એકબીજાથી ચડિયાતી અને વાચકને જકડી રાખે એવી હોય છે.
આવી લાંબી વાર્તાઓ ઉપરાંત બોધપ્રદ, રમૂજી અને માનવ સ્વભાવનો પરિચય કરાવનારી અનેક ટૂંકી વાર્તાઓ પણ એમાં છે. આવી પચાસેક વાર્તાઓમાંની ત્રણ વાર્તાઓ આપણે જોઈએ.
બળદ, ગધેડો અને એમનો માલિક
એક વાર સાંજે આખો દિવસ કામ કરીને થાકીને બળદ પાછો ફર્યો ત્યારે ગધેડાને નિરાંતે ચંદી આરોગતો જોયો. એણે કહ્યું, "દોસ્ત તારે મજા છે. માલિક જ્યારે કામ હોય ત્યારે તને ગાડીમાં જોડે છે બાકી તું ખાઈ પીને મજા કરે છે. મને તો દરરોજ ખેતરમાં માલિક કોઈ ને કોઈ કામમાં જોતરે છે. સાંજે કોઢમાં પાછો ફરું ત્યારે થાકીને લોથ થઈ ગયો હોઉં છું. એક દિવસનો પણ આરામ મને મળતો નથી."
ગધેડાએ કહ્યું, "હું તને આરામ મળે એવો રસ્તો બતાવું. કાલે તને ખેતરમાં કે વાડીમાં કામે જોતરે ત્યારે ચાલતાં ચાલતાં પડી જજે. તને ઊભો કરવા માટે માલિકનો સાથી (નોકર) મારશે છતાં ઊભો ન થઈશ. બહુ મારે પછી ઊભો થજે, પણ થોડું ચાલીને વળી પડી જજે. આવું ત્રણેક વાર કરીશ એટલે એ સાથી માનશે કે તું માંદો થઈ ગયો છું. તને ઘરે લઈ આવશે અને માલિકને વાત કરશે. તારી તબિયત સારી થાય ત્યાં સુધી માલિક તને કામે નહીં લઈ જવાનું નોકરને કહેશે. આમ થોડા દિવસ તને આરામ મળી જશે."બળદ રાજી થયો અને ગધેડાનો એણે આભાર માન્યો.
પરંતુ, એમના કમનસીબે એ વખતે માલિક હાજર હતો અને જાનવરોની ભાષા એ જાણતો હતો. એટલે બીજે દિવસે જ્યારે બળદે બીમાર હોવાનો ઢોંગ કર્યો અને નોકર બપોરે એને ઘરે લઈ આવ્યો ત્યારે માલિકે એને કહ્યું, "બળદને આરામ કરવા દે પણ એના બદલે ગધેડાને ખેતરે લઈ જા અને એને જોતરીને કામ પૂરું કર."
તે દિવસે બળદને તો આરામ મળ્યો, પણ ગધેડાની વલે થઈ ગઈ. સાંજે એ આવ્યો ત્યારે લથડતા પગે કોઢમાં જઈને બળદને એણે કહ્યું, "દોસ્ત મારી શિખામણ મને જ ભારે પડી. હવે કાલે તું સાજો થઈ જજે, જેથી મારે વૈતરું ન કરવું પડે."
પરંતુ બીજે દિવસે પણ બળદે બીમાર હોવાનો ઢોંગ ચાલુ રાખ્યો, ગધેડાને બીજા દિવસે પણ કામે જવું પડયું, પણ બળદ જેટલું કામ એ ખેંચી ન શક્યો છતાં સાંજે પાછો આવ્યો ત્યારે મરવા જેવો થઈ ગયો હતો. આંખમાં આંસુ સાથે એણે બળદને સાજા થઈ જવાની વિનંતી કરી.
માલિકે જ્યારે બળદ અને ગધેડા વિશે અને ખેતરમાં થયેલાં કામ વિશે જાણ્યું ત્યારે નોકરને એણે કહ્યું, "આ બંને જાનવર નકામા છે. બળદને કસાઈવાડે આપી દે જેથી એનું ચામડું આપણને કામમાં લાગે અને ગધેડાને કતલખાને લઈ જજે જેથી એનાં હાડકાં થોડાં ઘણાં ઉપયોગી થઈ શકે."
બીજે દિવસે બળદ અને ગધેડાએ માલિકના હુકમ વિશે જાણ્યું ત્યારે ડાહ્યાડમરાં થઈને, પૂંછડી હલાવતાં, માલિકના પગ ચાટવા લાગ્યાં. એ જોઈને માલિક હસી હસીને ગોટો વળી ગયો.
વાર્તા હજી લાંબી છે,પરંતુ એનો સાર એ છે કે જુઠ્ઠાણું કાયમ ચાલતું નથી. ક્યારેક એનો અંત કરુણ આવે છે તો ક્યારેક રમૂજી પણ આવે છે.
બે ઠગની વાર્તા
બકરીનું કૂતરું ઠરાવીને એક બ્રાહ્મણ પાસેથી બકરું પડાવી લેનાર ત્રણ ઠગની વાત જેવી જ આ બે ઠગની વાર્તા છે.
એક ભોળિયો માણસ પોતાના ગધેડાને દોરીને બજારમાંથી પસાર થતો હતો એ વખતે બે ઠગે એને જોયો. એક ઠગે બીજાને ઇશારો કર્યો એટલે એ પેલા માણસની પાછળ પાછળ ચાલવા લાગ્યો અને પેલાનું ધ્યાન નહોતું ત્યારે ગધેડાને છોડીને એનો ગાળિયો પોતાના ગળામાં ભરાવી દીધો. બીજા ઠગે ગધેડો લઈને બીજી બાજુ ચાલવાનું શરૂ કર્યું. જ્યારે પહેલા ઠગે જોયું કે એનો સાથીદાર ઠીક ઠીક દૂર પહોંચી ગયો છે ત્યારે એ ઊભો રહી ગયો જેથી ગાળિયો ખેંચાય. વળી ચાલવા લાગ્યો, વળી ઊભો રહ્યો. ગધેડાના માલિકે પાછળ ડોક ફેરવીને જોયું તો ગધેડાના બદલે માણસને જોઈને હેરત પામી ગયો. થોડો ડરી પણ ગયો.
તરત જ પહેલા ઠગે કહ્યું, "માલિક, તમે ડરો નહીં. મારી વાત સાંભળો. હું એક યુવાન માણસ છું. મારી યુવાનીના કારણે હું અનેક પ્રકારનાં દૂષણોનો ભોગ બન્યો હતો અને મારી વિધવા માતા સાથે ખરાબ વર્તાવ કરતો હતો, પરંતુ મારી માતા એ સહન કરી લેતી હતી. એક વાર મેં એટલો શરાબ પીધો કે શું કરતો હતો એનું પણ મને ભાન ન રહ્યું અને જેમતેમ બોલવા લાગ્યો. મારી માતાથી એ સહન ન થયું. એણે શાપ આપ્યો, "ગધેડા તું શું કરે છે એનું તને ભાન છે?" એના મોઢામાંથી એ વેણ નીકળ્યાં એ સાથે જ હું ગધેડો બની ગયો અને હોંચી હોંચી કરતો ઘરમાંથી ભાગ્યો.
પછી મારી મા કદાચ રોજ અફસોસ કરતી હશે અને ખુદા પાસે દુઆ માગતી હશે. આજે આટલા વખતે ખુદાપાકે એની દુઆ સાંભળી, એટલે ફરી હું ગધેડામાંથી માણસ બની ગયો છું.
પેલા ભોળિયાએ એની વાત સાચી માની અને એને છોડી મૂક્યો, "જા ભાઈ, તારી માતાની સેવા કરજે."
થોડા દિવસ વીતી ગયા એટલે પેલા બંને ઠગે ગધેડો વેચી નાખ્યો. (અહીં એક વાતની સ્પષ્ટતા કરવાની છે. મધ્યપૂર્વમાં અને સ્પેન વગેરે દેશોમાં ગધેડાં કીમતી ગણાય છે. એ ગધેડાં આપણાં ગધેડાં કરતાં કદકાઠીમાં મોટાં હોય છે. સારા સારા માણસો એના ઉપર સવારી કરે છે અને ગધેડાગાડીમાં મુસાફરી પણ કરે છે.)
હવે બન્યું એવું કે પેલો ભોળિયો નવો ગધેડો ખરીદવા માટે ગધેડા-બજારમાં ગયો. પોતાના ગધેડા જેવો જ ગધેડો જોઈને એ નજીક ગયો. ગધેડો પોતાના માલિકને ઓળખી ગયો, એટલે પોતાના કાન નમાવીને એ પૂંછડું હલાવવા લાગ્યો. એ જોઈને પેલા ભોળિયાએ કહ્યું, "ફરી તેં તારી મા સાથે ખરાબ વર્તન કર્યું લાગે છે. હવે હું તને ખરીદવાનો નથી. તારાં કર્યાં તું ભોગવ." એમ કહીને દૂર ચાલ્યો ગયો અને બીજો ગધેડો ખરીદ્યો.
પરંતુ એ નવો ગધેડો ઘણો જ તોફાની નીકળ્યો. તક મળે ત્યારે માલિકને જ પાટું મારવા લાગ્યો.
આ વાર્તા એક ભોળિયાની અને બે ઠગની છે, પરંતુ આજે પણ સમાજમાં ભોળિયાઓ અને ઠગોનો તૂટો નથી. જો એમ ન હોય તો જે ધર્માચાર્યો અને રાજકર્તાઓ લોકો ઉપર શાસન કરી રહ્યા છે એ કરી શકે ખરા? ધર્માચાર્યો તો રાજકર્તાઓ કરતાં પણ લોકો ઉપર વધુ પકડ ધરાવે છે. આધુનિક સમયમાં જાણે ભોળિયાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
ત્રીજી વાર્તા પણ મજાની છે.
સ્ત્રીની વાત માનવી નહીં!
ઈરાનનો બાદશાહ ખુશરૂ મચ્છીનો બહુ શોખીન હતો. એક વાર એક માછીમાર એક મોટી ભાગ્યે જ જોવા મળતી માછલી લઈને બાદશાહ પાસે આવ્યો. માછલી જોઈને ખુશરૂ એટલો ખુશ થયો કે, ખજાનચીને બોલાવીને માછીમારને ચાર હજાર દિરહમ (ઈરાનના સિક્કાઓનું ચલણ) આપવાનું કહ્યું. એ વખતે એની બેગમ શીરીન પણ ત્યાં બેઠી હતી. ચાર હજાર સિક્કા લઈને માછીમાર સહેજ દૂર ગયો એટલે બેગમે બાદશાહને કહ્યું, "એક માછલી માટે ચાર હજાર દિરહમ આપવા એ તો ઉડાઉપણું જ કહેવાય. એ માછીમારની વાત સાંભળીને ગમે તે માણસ, ગમે તે વસ્તુ લઈને મોટી આશાએ આપની પાસે આવશે. આ રીતે પૈસા ઉડાવશો તો ખજાનો ખાલી થઈ જશે."
બાદશાહને બેગમની વાત ઠીક લાગી. એટલે બેગમે કહ્યું, "માછીમારને પાછો બોલાવીને પૂછો કે માછલી નર છે કે માદા? જો એ કહે કે નર છે તો કહેજો કે નરની કિંમત આટલી બધી ન હોય. જો કહે કે માદા છે તો કહેજો કે માદાની કિંમત તો નર કરતાં પણ ઓછી હોય."
બાદશાહે માછીમારને બોલાવીને પૂછયું, તો માછીમારે ત્રણ વાર ઝૂકીને જવાબ આપ્યો, "જહાંપનાહ આ એક એવી માછલી છે જેમાં એક જ માછલીમાં નરમાદા હોય છે. એટલે તો એ વિરલ ગણાય છે."
એનો જવાબ સાંભળીને બાદશાહ એટલો ખુશ થઈ ગયો કે બીજા આઠ હજાર સિક્કા આપવાનો હુકમ કરી દીધો. બેગમ ખસિયાણી પડી ગઈ.
હવે બન્યું એવું કે માછીમાર બાર હજાર સિક્કા લઈને જતો હતો ત્યારે એની થેલીમાંથી મહેલના ચોગાનમાં એક સિક્કો નીચે પડી ગયો. માછીમારે સિક્કાની થેલી નીચે મૂકી અને સિક્કો શોધવા લાગ્યો અને એ મળ્યો એટલે થેલીમાં મૂકીને ચાલવા લાગ્યો. એ જોઈને બેગમે બાદશાહને કહ્યું, "આવા કંજૂસને તમે એક માછલીના બાર હજાર દિરહમ આપી દીધા? એને પાછો બોલાવો અને કહો કે, તારા જેવો કંજૂસ એક સિક્કાને પણ લાયક નથી."
બાદશાહ પોતાની બેગમને અત્યંત ચાહતો હતો. એને નારાજ કરવાની ઇચ્છા નહોતી. અને એની વાત સાવ ખોટી નહોતી. માછીમારને એણે તરત જ પાછો બોલાવ્યો અને કહ્યું, "કંજૂસ, તું એટલો તુચ્છ છે કે તું મનુષ્ય કહેવડાવવાને પણ લાયક નથી. તારી પાસે બાર હજાર સિક્કા હતા એમાંથી એક ઓછો થયો હોત તો તને કઈ મોટી ખોટ જવાની હતી? અને જે ગરીબ માણસને એ સિક્કો મળ્યો હોત એ કેટલો રાજી થાત! તારી કિંમત ખરેખર એક સિક્કાની જ છે. એ એક રાખીને બાકીના પાછા આપી દે. જા ફરી મને તારું મોં ન બતાવીશ."
માછીમારે બાદશાહનાં કદમ ચૂમીને જવાબ આપ્યો, "જહાંપનાહ, આપની વાત સાચી છે. ખરેખર મારી કિંમત તો એક કોડીની છે એક સિક્કા જેવી પણ નથી, પરંતુ ભોંય પર પડી ગયેલો સિક્કો શોધીને લઈ લીધો એનું કારણ જુદું હતું. મારે મન એ સિક્કો અમૂલ્ય હતો, કારણ કે એની એક બાજુએ આપ નામદારની છબી કોતરેલી છે અને બીજી બાજુએ આપનું પવિત્ર નામ કોતરેલું છે. મેં એમ માન્યું કે એના ઉપર ચાલનારનો પગ ભૂલથી પણ પડી જશે તો આપના પવિત્ર નામની તોહિન થશે, એટલે એ સિક્કો શોધીને મેં ઉઠાવી લીધો. છતાં, આપની આજ્ઞા હોય તો બધા સિક્કા આપનાં ચરણોમાં જ છે."
એનાં વેણ સાંભળીને બાદશાહ એટલો ખુશ થયો કે થોડી વાર તો બોલી જ ન શક્યો. પછી ખજાનચીને બોલાવીને બીજા ચાર હજાર સિક્કા માછીમારને આપવાની આજ્ઞા કરી અને પોતાના ખાસદારને બોલાવીને આજ્ઞા કરી કે, આખા રાજમાં ઢંઢેરો પિટાવી દો કે, કોઈએ સ્ત્રીની વાત માનવી નહીં, નહીં તો એકના બદલે ત્રણ ભૂલ કરવી પડશે."
આજે જમાનો ફરી ગયો છે. આજે સ્ત્રીઓ અગત્યના હોદ્દાઓ ભોગવે છે. છતાં સામાન્ય માણસો તો 'સ્ત્રીની બુદ્ધિ પાનીએ' એમ જ માને છે. એ માન્યતા બદલાતાં તો કદાચ વર્ષો વીતી જશે.