વલસાડ તા.૦૪
ટ્રેન મારફતે દારૂની હેરફેર કરતા વાપીના કુખ્યાત બુટલેગર ટોળકીનો માલ પકડાઇ જવાની ઘટનામાં ભિલાડમાં ગીફ્ટ આર્ટીકલની દુકાનમાં નોકરી કરતાં યુવાને પોલીસને બાતમી આપી હોવાની શંકા રાખીને આજે મળસ્કે ૩-૦૦ વાગ્યાના સુમારે ા ૧૦ થી ૧૫ બુટલેગરોએ બળજબરીથી ટ્રેનમાં અપહરણ કરી જઇ સતત માર માર્યા બાદ વલસાડ સ્ટેશને આર.પી.એફ. પોલીસ ચોકી પાસે ફેંકી દઇ ભાગી છુટયા હતા.
- ટ્રેનના શૌચાલયમાં દારૂના પોટલા સાથેના સંદેશમાં પ્રસિધ્ધ થયેલા સમાચારની બાતમી આપી હોવાની શંકા રાખી હુમલો
- કલગામ હનુમાનજી મંદિરે જવા નીકળેલા યુવાનને ભિલાડ સ્ટેશનેથી ઊંચકી લીધો હતો
- વલસાડ સ્ટેશને આરપીએફ પોલીસ ચોકી પાસે ફેંકીને ભાગી છુટયા
ગંભીર રીતે ઇજા પામેલ યુવાનને વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. વલસાડ રેલ્વે પોલીસે યુવાનની ફરિયાદને આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઘટનાની પ્રાપ્ત વિગતોનુસાર, ક્યુ.આર.ટી. પોલીસે બે દિવસ પહેલાં કરમબેલે સ્ટેશનેથી દારૂનો જથ્થો પકડયો હતો. તેમજ ગત તા. ૩-૮-૧૨ ના સંદેશ અખબારમાં વિરાર-શટલ ટ્રેનમાં દારૂના પોટલાની હેરફેરના ફોટા સાથે પ્રસિધ્ધ થયેલા સમાચારથી રોષે ભરાયેલા બુટલેગરોએ પોલીસ તથા મીડિયાને બાતમી આપનારા ઇસમોની ભાળ મેળવવા હવાતિયા મારી રહ્યા હતા.દરમિયાન ઉંમરગામ તાલુકાના ભિલાડના એમ.જી. કોલોની, રૂમ નં. ૩૦૮માં રહેતો અને ભિલાડની એક ગીફ્ટ આર્ટીકલની દુકાનમાં નોકરી કરતો નેવિલ જોસેફ મેસી નામનો યુવાન રાબેતા મુજબ શનિવાર નિમિત્તે કલગામ સ્થિત હનુમાનજી મંદિરે દર્શનાર્થે તેના મિત્રો ચિરાગ, હાર્દિક અને કનૈયા સાથે જવા મળસ્કે ભિલાડ સ્ટેશને પહોંચ્યો હતો.
તે દરમિયાન લગભગ ૩-૦૦ વાગ્યાના સુમારે સ્ટેશન પર આવી પહોંચેલ સુરત તરફ જતી વિરમગામ પેસેન્જર ટ્રેનમાં આવી પહોંચેલા વાપીના કુખ્યાત બુટલેગર સંજય બિહારી, કનુ દારૂવાલા તથા સુનીલના ૧૦ થી ૧૫ જેટલા ગુર્ગાઓ પૈકી કોઇકે સ્ટેશન પર પોતાના મિત્રોની રાહ જોઇ ઉભેલા નેવીલ તરફ અંગુલીનિર્દેશ કરતાં જ માથાભારે ઇસમો નેવીલ તરફ ધસી ગયાં હતા અને તે કંઇ સમજે તે પહેલાં જ તેના માથામાં લોખંડની એન્ગલ ઝીંકી દઇ અર્ધબેભાન બનાવી દીધા બાદ ટ્રેનમાં અપહરણ કરી ગયાં હતાં. અને છેક વલસાડ સુધી લાકડાંના સપાટા માર મારતાં નેવીલ એક સમયે બેભાન થઇ ગયો હતો. તેને હોશમાં લાવીને ફરી માર મારીને વલસાડ સ્ટેશન પર આર.પી.એફ. પોલીસ ચોકી પાસે ફેંકીને ભાગી છુટયા હતાં.
ઘટનાને પગલે અધમૂઓ થઇ ગયેલ નેવીલે આર.પી.એફ. પોલીસને હકીકત બયાન કરતાં તેને સવારે ૭-૦૦ વાગ્યે વલસાડ સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. બીજી તરફ, નેવીલના માલિક રાજેશ ઓમપ્રકાશ જયસ્વાલને જાણ થતાં તેઓ તેમના મિત્રો સાથે સિવિલ હોસ્પીટલમાં ધસી ગયાં હતા. જે અંગે વલસાડ રેલ્વે પોલીસને જાણ થતાં પી.એસ.આઇ. મહીડાએ હોસ્પીટલમાં સારવાર લઇ રહેલા નેવીલનું નિવેદન લીધા બાદ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
. બુટલેગરોના ભયંકર અત્યાચારનો ભોગ બનેલ નેવીલ મેસી ગીફ્ટ આર્ટિકલની દુકાનમાં નોકરી કરતો હોઇ, ચીજવસ્તુઓ માટે મુંબઇ અપ-ડાઉન કરે છે. જેથી બુટલેગરોના નજરમાં આવી ગયો હોવાનું મનાય છે.