નવી દિલ્હી, તા. ૪
- બિનજરૂરી મેસેજ ૧૯૦૯ ઉપર મોકલો
- નોન-રજિસ્ટર્ડ ટેલિમાર્કેટિંગ કંપનીઓ પાસેથી દરેક કોર્મિશયલ જીસ્જી પર રૂ.૫૦૦ વસૂલવા વિચારણા
- કોઈ કંપની સામે ૧૦ કેસ થયા હોય તો કંપનીનું કનેક્શન રદ થવાની શક્યતા
- અણગમતા મેસેજથી છુટકારો મેળવવા ટ્રાઈએ ટેલિમાર્કેટિંગ કંપનીઓ સામે લાલ આંખ કરી
દિવસભર મોબાઇલમાં આવતા બિનજરૂરી એસએમએસથી કંટાળી ગયેલાં લોકો માટે આ સમસ્યાનું સમાધાન ટૂંક સમયમાં જ થઈ શકશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ હવે એક નવી વ્યવસ્થા ગોઠવવાની દરખાસ્ત રજૂ કરી છે, જે મુજબ ટેલિમાર્કેટિંગ કંપનીઓ દ્વારા મોકલાતા બિનજરૂરી મેસેજને ફોરવર્ડ કરતાં જ તેમને દંડની મોટી રકમ ચૂકવવી પડશે.
એસએમએસ મોકલીને મોબાઇલ યૂઝર્સને પરેશાન કરનારા ટેલિમાર્કેટર્સ સામે આ નવી વ્યવસ્થા વડે સખત કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાઇએ એક પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેમાં એસએમએસ મોકલીને વપરાશકારોને પરેશાન કરતા રજિસ્ટર્ડ અને નોન-રજિસ્ટર્ડ ટેલિમાર્કેટિંગ કંપનીઓ પર મોટી પેનલ્ટી લગાવવાની વ્યવસ્થા છે. ટ્રાઇએ આ પ્રસ્તાવમાં એક સૂચન કર્યું છે કે, મોબાઇલ યૂઝર્સને કોર્મિશયલ મેસેજ મોકલનારી નોન-રજિસ્ટર્ડ ટેલિમાર્કેટિંગ કંપનીઓ પાસેથી પ્રતિ એસએમએસ ૫૦૦ રૂપિયા વસૂલવામાં આવશે, તેમ છતાં કંપની એસએમએસ મોકલવાનું બંધ નહિ કરે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, જો કોઈ કંપની સામે આવા ૧૦ કેસ થઈ જશે તો પ્રસ્તાવ મુજબ માર્કેટિંગ કંપનીનું ફોન-કનેક્શન રદ કરી દેવામાં આવશે.
મોબાઇલ યૂઝર્સ આવી કંપનીઓ સામે સરળતાથી ફરિયાદ કરી શકશે, તે માટે બિનજરૂરી મેસેજને ૧૯૦૯ પર ફોરવર્ડ કરવાનો રહેશે, ત્યાર બાદ મેસેજ મોકલનારી કંપની સામે કાર્યવાહી કરવામાં આવશે એટલું જ નહિ, મોબાઇલ યૂઝર્સ ઇચ્છે તો ઇન્ટરનેટનાં માધ્યમથી અથવા ઈ-મેઇલથી પણ ફરિયાદ નોંધાવી શકે છે.
શી અસર થશે ?
ટ્રાઇ કહે છે કે, આ પ્રોજેક્ટ પાછળ મોબાઇલ યૂઝર્સે મળતા બિનજરૂરી એસએમએસને રોકી શકાશે. જોકે તેનાથી બેંક માટે મુશ્કેલી ઊભી થશે, કારણ કે આરબીઆઇના નિર્દેશ અનુસાર બેંક તેના ગ્રાહકોને દરેક ટ્રાન્ઝેક્શનની માહિતી મેસેજ દ્વારા આપે છે.