વર્કિગ વુમન - કલગી મહેતા
દરેક સ્ત્રીને એવી ઇચ્છા હોય છે કે પરિવારની દરેક જરૂરિયાતની પૂર્ણિ કરે, પરંતુ તેના માટે સમૃદ્ધિની જરૂર પડે છે અને સમૃદ્ધિ માટે સફળતાની. તો ચાલો જાણીએ કે પ્રોફેશનલ લાઇફમાં સફળ થવા માટેની આપણી કાર્યપદ્ધતિ કેવી હોવી જોઈએ.
* તણાવમુક્ત રહો
તમે વિચારતા હશો કે શું તણાવમુક્ત રહેવાથી સફળતા મળી જાય છે, પણ સફળતા તરફ ગતિ કરવા માટે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ હોવું જરૂરી છે. તાજેતરમાં અમેરિકા રિસર્ચ ઇન્સ્ટિટયૂટ દ્વારા થયેલા રિસર્ચમાં એ વાત બહાર આવી છે કે પુરુષો કરતાં મહિલા વધુ તણાવમાં જીવે છે. તણાવયુક્ત મન, મગજ સાથે તમે તમારી ક્ષમતાને પૂરતો ન્યાય નથી આપી શકતાં. મનોવિજ્ઞાન મુજબ આપણે શ્રેષ્ઠતાને ત્યારે જ સાબિત કરી શકીએ છીએ જ્યારે આપણી ક્ષમતાનો સો ટકા ઉપયોગ થાય. ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ ત્યારે જ શક્ય બને જ્યારે તમે તણાવરહિત મગજ સાથે ઉત્સાહ, ઉમંગથી કામ કરો.
* લગન સાથે ઉમંગ પણ જરૂરી
જો તમે દરેક પ્રોફેશનલ કામને એન્જોય કરશો તો તમને ક્યારેય થાક નહીં લાગે અને કામ કરવાની શક્તિ, સામર્થ્યમાં પણ વધારો થશે. ટૂંકમાં, સફળતા માટે જોશ અને હોશ બંને જરૂરી છે.
* સમયની કિંમત કરો
સમયસૂચકતાનું પાલન કરવું સફળતા માટે જરૂરી છે. તેમાં પણ વર્કિગ વુમન માટે તો ટાઇમ મેનેજમેન્ટ ફરજિયાત બની જાય છે. જો ઘર અને ઓફિસને મેનેજ કરવા માટે થોડું વ્યવસ્થિત ટાઇમ મેનેજમેન્ટ કરવામાં આવે તો તમને તમારા વિકાસ માટે અને પ્રોફેશનલ લાઇફને ઉન્નત માર્ગે લઈ જવાનો સમય મળશે.
* પોઝિટિવ થિન્કિંગ
કોઈ પણ વર્કને હાથમાં લો ત્યારે સકારાત્મક વિચારસરણી સાથે તેનો પ્રારંભ કરો. આપના કામનો ઉત્સાહ પણ વધી જશે તેમજ કાર્ય સુંદર રીતે પાર પાડી શકશો.
* હારની શક્યતાઓને ખત્મ કરો
શક્ય હોય ત્યાં સુધી નિષ્ફળતાની શક્યતાનાં બધાં જ દ્વાર બંધ કરી દો જેથી સફળતાનો માર્ગ આપોઆપ મોકળો બનશે. આ રીતે નિષ્ફળતાની શક્યતાઓને ખત્મ કરી દો. મંત્ર પર વર્ક કરીને સફળતા અને તેના દ્વારા સમૃદ્ધિને પ્રાપ્ત કરીને ફેમિલીની જરૂરિયાતની પૂર્ણિ કરી શકાય છે.