ટોકિયો, તા. ૬
જાપાને સોમવારે વિશ્વના સૌપ્રથમ અણુબોમ્બ હુમલાનો સામનો કરનાર હિરોશિમાના વિનાશની ૬૭મી વરસીના પ્રસંગે આ હુમલાનો ભોગ બનનારાઓને શ્રદ્ધાંજલિ આપી હતી. હિરોશિમા ખાતે ૧૯૪૫ના હુમલાના એપી સેન્ટર નજીક પીસ પાર્કમાં અંદાજે ૫૦,૦૦૦ લોકો એકત્ર થયાં હતાં, જેમાં અણુહુમલાનો આદેશ આપનાર અમેરિકન પ્રમુખ હેરી ટ્રુમેનના પૌત્ર ક્લિફ્ટન ટ્રુમેન ડેનિયલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ હુમલાના વિરોધમાં સોમવારે માત્ર જાપાન જ નહીં સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર કાર્યક્રમો યોજાયા હતા, જેમાં આ હુમલામાં માર્યા ગયેલાં લોકોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી, ઉપરાંત વિશ્વમાં પરમાણુ શસ્ત્રો તેમજ પરમાણુ ટેકનોલોજીની વિનાશકતા અંગે જાગૃતિ લાવવાના કાર્યક્રમો પણ યોજાયા હતા.૧૯૪૫ની ૬ઠ્ઠી ઓગસ્ટે અમેરિકાએ હિરોશિમા પર કરેલા હુમલામાં સંપૂર્ણ શહેરનો નાશ થયો હતો અને અંદાજે ૧,૪૦,૦૦૦ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ હુમલાના બે જ દિવસ બાદ ૯મી ઓગસ્ટે અમેરિકાએ વધુ એક શહેર નાગાસાકી પર અણુહુમલો કર્યો હતો, જેમાં ૮૦,૦૦૦થી વધુ લોકો હુમલાનો ભોગ બન્યાં હતાં. જાપાનમાં સોમવારે યોજાયેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આ બંને હુમલામાં પ્રત્યક્ષ રીતે ભાગ લેનાર રડાર ઓપરેટર જેકોબ બેસરના પૌત્ર અરી બેસરે પણ ભાગ લીધો હતો.
આ વિનાશ બાદ છેક ૬૫ વર્ષે અમેરિકાએ હિરોશિમામાં યોજાયેલા ર્વાિષક શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં તેમના પ્રતિનિધિ અમેરિકન એમ્બેસેડરને મોકલ્યા હતા અને આ વિનાશ બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. આ હુમલાને કારણે જ આજે જાપાન પરમાણુ શસ્ત્રોથી મુક્ત કરવામાં જ નહીં પરંતુ પરમાણુ ટેકનોલોજીનાં જોખમો અંગે વિશ્વને જાગૃત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.
અણુ હુમલો શા માટે?
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપમાં જર્મનીના પરાજય અને તેના વિજયની કોઈ સંભાવના નહીં હોવા છતાં જાપાને શરણાગતિ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો અને તેણે સાથી રાષ્ટ્રો સમક્ષ તેનું યુદ્ધ વધુ જલદ બનાવ્યું હતું. એપ્રિલ-૧૯૪૫થી જુલાઈ-૧૯૪૫ દરમિયાન જાપાનના હુમલામાં સાથી દળોએ જેટલા સૈનિકો ગુમાવ્યાં હતાં તેટલાં તો તેણે પેસિફિક સમુદ્રમાં ત્રણ વર્ષના યુદ્ધમાં પણ નહોતાં ગુમાવ્યાં, પરિણામે સાથી દળો માટે જાપાન વધુ ઘાતક સાબિત થઈ રહ્યું હતું. અમેરિકન દળોના એક અહેવાલ અનુસાર અમેરિકા જાપાન સાથે પરંપરાગત શસ્ત્રોથી યુદ્ધ કરે તો તેણે ૧૦ લાખ સૈનિકો ગુમાવવા પડી શકે છે. લશ્કરના મોટાપાયે વિનાશને અટકાવવા અને યુદ્ધનો વહેલી તકે અંત લાવવા માટે આખરે અમેરિકન પ્રમુખ ટ્રુમેને અણુહુમલાનો આદેશ આપ્યો હતો.
વિજ્ઞાને વર્ષો વર્ષ અપ્રતિમ પ્રગતિ સાધી છે ત્યારે માનવજાતને તેના વિનાશકારી સ્વરૃપનો પરચો પણ મળ્યો છે. આજથી ૬૭ વર્ષ પહેલાં અમેરિકાએ જાપાનનાં બે શહેરો હિરોશિમા અને નાગાસાકી પર બે અણુ બોમ્બ ઝીંકીને તેને નકશો બદલી નાખ્યો હતો. જાપાન હજુ પણ એ વિનાશમાંથી બહાર આવી શક્યું નથી અને તેની અસર હજુ પણ આ શહેરોનાં જીવન પર દેખાય છે.



