નવી દિલ્હી 7, ઓગષ્ટ
ભારતીય ક્રિકેટ બોર્ડે મંગળવારે કહ્યું હતું કે ક્રિકેટર દરેક શ્રુંખલામાં ભાગ લેવા માટે બંધાયેલો નથી અને જો કોઈ ખેલાડી વિશ્રામ લેવા માંગતો હોય તો બીસીસીઆઈ જરૂરથી તેને આરામ માટેની સુવિધા આપશે.
બીસીસીઆઈ ઉપાધ્યક્ષ અને આઈપીએલના ચેરમેન રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે, ફિટનેશ પર અમે સૌથી વધારે ધ્યાન આપીએ છીએ. ખેલાડી ગમે તેટલો સિનીયર હોય પરંતુ તે વિશ્રામ લેવા માંગતો હોય તો તે બોર્ડ અથવા પસંદગી સમિતીનો સંપર્ક કરી શકે છે. તેને જરૂરથી વિશ્રામ આપવામાં આવશે.
ભારતીય ટીમનો આ સત્રનો કાર્યક્રમ ઘણો વ્યસ્ત છે. ટીમ શ્રીલંકા પ્રવાસથી પાછી આવ્યા બાદ ન્યૂજીલેંડ સામે બે ટેસ્ટ મેચ અને ત્યારબાદ ફરીથી ટી-20 વિશ્વકપ રમવા માટે શ્રીલંકા જશે. તે પછી તરત ઓક્ટોંબરમાં દક્ષિણ આફ્રિકામાં ચેમ્પિયન લીગ ટી-20 ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે.