મહેસાણા, તા.૭
મહેસાણામાં મોઢેરા ચાર રસ્તાથી પાલાવાસણા ચોકડી તરફ જતી રિક્ષામાં બેઠેલી મહિલા મુસાફરના બગલથેલાની ચેઈન ખોલી નજર ચુકવી રૂ. ૫૮,૦૦૦ની સોનાની ચીલઝડપ કરાઈ હતી. આ ઘટના અંગે રિક્ષાના ડ્રાયવર તેમજ અન્ય ત્રણ અજાણ્યા સહમુસાફરો વિરુધ્ધ બી ડિવિજન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કેસની વિગત અનુસાર ઊંઝા તાલુકાના ઉનાવા (લક્ષ્મીપુરા) ગામનાં પ્રજાપતિ ઈન્દુબેન મુકેશભાઈ મહેસાણામાં મોઢેરા ચાર રસ્તાથી પાલાવાસણા-બેચરાજી ચોકડી તરફ રિક્ષામાં જઈ રહ્યાં હતાં ત્યારે બાજુમાં બેઠેલા ત્રણ અજાણ્યા મુસાફરોએ તેમના બગલ થેલાની ચેઈન ખોલી બોક્સમાં મુકેલી સોનાની બે બુટ્ટી તફડાવી લીધી હતી. તા.૧૮-૬-૨૦૧૨ના રોજ સવારે ૮.૩૦ કલાકે બનેલી આ ઘટના અંગે બી ડિવિજન પોલીસ મથકમાં ગઈકાલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
મહેસાણામાં હાઈવે સ્થિત ગાયત્રી મંદિર નજીક રિક્ષામાં મહિલા મુસાફર પાસેથી ચોરી કરવાની ઘટનાનો પર્દાફાશ થયા બાદ પ્રજાપતિ ઈન્દુબેન(ઉનાવા)એ મહેસાણા બી ડિવિજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં એએસઆઈ બાબા સાહેબ આત્મારામે વધુ તપાસ હાથ ધરી છે.