ભાવનગર, તા.૭
ભાવનગર એસ.ટી.નિયામકના વહીવટ સામે કર્મચારી મંડળે બાંયો ચડાવી તબક્કાવાર આંદોલનનો બૂંગિયો ફૂંક્યો છે. કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરી ફરજ બજાવી વિરોધ કરવા સાથે આજે મંગળવારથી મંડળની આગેવાની હેઠળ પ્રતીક ઉપવાસ આંદોલન છેડયું છે. જેમાં ચારેક ડઝન જેટલાં આગેવાનો, કર્મચારીઓએ જોડાઈને વિભાગીય નિયામક કિન્નાખોરી દાખવતા હોવાનો આક્ષેપ કરી સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો. આવતીકાલ બુધવારે પણ પ્રતીક ઉપવાસ, સૂત્રોચ્ચાર કરવામાં આવશે.
- અધિકારીઓને બહાર તગેડી નિયામકની બીએમએસના આગેવાનો સાથે બેઠક યોજી આંદોલન તોડવાની પેરવીનો મંડળનો આક્ષેપ
ભાવનગર એસ.ટી.કર્મચારી મંડળ દ્વારા ડિવિઝનલ કન્ટ્રોલરના મનસ્વી વહીવટ સામે તબક્કાવાર આંદોલન છેડવામાં આવ્યું છે. જેમાં કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવાયા બાદ આજે મંગળવારે પ્રતીક ઉપવાસ આંદોલન છેડયું છે. રિશેશના સમયે કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ તકે મંડળના અગ્રણી હિમાંશુ ઓઝા, હરદેવસિંહ ગોહિલ, કાર્તિક પાઠક, દિલીપસિંહ ગોહિલ વગેરેએ ટેલીફોનીક વાતચીતમાં આક્ષેપ કર્યો હતો કે, વિભાગીય નિયામક સોલંકી કર્મચારી મંડળ સામે વહાલાદવલાની નીતિ અપનાવી પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આંખ આડા કાન ધરતાં હોય છે. આજે કર્મચારીઓએ માંડવો નાખી ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે, છતાં વિભાગીય નિયામકે છાવણીની મુલાકાત લેવાની સ્ટાફ પ્રત્યે માનવતા દાખવી નથી. આજે મંડળના ચારેક ડઝનથી વધારે કર્મચારીઓએ પ્રતીક ઉપવાસ કર્યા હતા.
કર્મચારી મંડળના હિમાંશુ ઓઝાએ આક્ષેપમાં જણાવ્યું કે, આજે ડી.સી.સોલંકીએ વિભાગના તમામ ડેપો મેનેજર અને સ્થાનિક શાખા અધિકારીઓની બેઠક બોલાવી હતી. જો કે, બેઠકમાંથી અધિકારીઓને બહાર તગેડી બીએમએસના રજા રિપોર્ટ મુક્યા વગર આવેલા આગેવાનો સાથે મિટીંગ કરી આંદોલનને તોડવાની પેરવી કરી હતી.
તેમણે ઉમેર્યું કે, વિભાગીય નિયામકે મંડળના આગેવાનોને બોલાવ્યા હતા. જો કે, મળવા નહિ જઈ અમદાવાદના સીએલઓ, ભાવનગર વિભાગના કેરટેકરની મધ્યસ્થીમાં યુનિયનના અગ્રણીઓ બેઠક કરી ચર્ચા કરશે તેમ લેખિતમાં નિયામકને જણાવ્યું હતુ. તેમણે આવતીકાલ બુધવારે પણ આંદોલન ચાલુ રહેનાર હોવાનું જણાવ્યું હતુ. આ બાબતે વિભાગીય નિયામક સોલંકીનો ફોન પર સંપર્ક કરતાં ફોન સતત બીઝી રહ્યો હતો.
એસ.ટી.કર્મી આંદોલનને અન્ય પાંચ ડિવિઝનનો ટેકો
ભાવનગર એસ.ટી.નિયામક સામે કર્મચારી મંડળે છેડેલા આંદોલનના પગલે નિગમના અમરેલી, રાજકોટ, જૂનાગઢ, સૂરત અને વડોદરા એમ પાંચ વિભાગના યુનિયનના આગેવાનો દ્વારા અમદાવાદ સ્થિત ચીફ લેબર ઓફિસરને ફેક્સ કરી ભાવનગર વિભાગના આંદોલનનો નીવેડો લાવવાની તાકીદ કરી હતી. વહેલી તકે ઉકેલ લાવવામાં નહિ આવે તો આગામી તા.૧૬/૮ થી ઉક્ત પાંચ ડિવિઝનના કર્મચારી મંડળના અગ્રણીઓએ ભાવનગર વિભાગના આંદોલનને ટેકો આપી વર્ક ટુ રૂલ હેઠળ આંદોલન છેડવાની ચેતવણી ઉચ્ચારી હોવાનું વિશ્વસનીય વર્તુળોમાંથી જાણવા મળ્યું હતુ.