સુરત તા. ૭
મુંબઇમાં ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં યોજાનારા ઇન્ડિયા ઇન્ટરનેશનલ જ્વેલરી શો (આઇઆઇજેએસ)માં આ વખતે પહેલીવાર પાકિસ્તાન, મલેશિયા, કોરિયાના પ્રદર્શનકારો ભાગ લેશે. જ્વેલરી શોમાં ડાયમંડ, જ્વેલરીના ૧૫૯૦ જેટલા સ્ટોલ્સ હશે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી)ના આધિકારિક વર્તુળોએ જણાવ્યું હતું કે જ્વેલરી શોને લઇ પ્રદર્શનકારો, વેપારીઓ, ઉત્પાદકોમાં સારો ઉત્સાહ છે. આંતરરાષ્ટ્રીય સ્તરના જ્વેલરી શો માટે આ વખતે ૩૦ ટકા વધુ રજિસ્ટ્રેશન મળ્યા છે.
- મુંબઇમાં ૨૩થી ૨૭ ઓગસ્ટ દરમિયાન યોજાનારા જ્વેલરી શોમાં ૧૫૯૦ સ્ટોલ્સ હશે
વધતી જતી સ્પર્ધામાં દેશની જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝને બદલાતા ટ્રેન્ડની સાથે કન્ઝ્યુમર માર્કેટમાં જગ્યા બનાવવા તેમજ નવા માર્કેટ સર કરવા માટેના પડકારો ઊભા થયા છે. ભારતીય જ્વેલરી ઉદ્યોગને પ્રોત્સાહન માટે જીજેઇપીસી દ્વારા ઇન્ડિયા ઇન્ટરનેશનલ જ્વેલરી શોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે જીજેઇપીસી દ્વારા ૨૩થી ૨૭ ઓગસ્ટ દરમિયાન મુંબઇમાં ગોરેગાંવ ખાતે આવેલ એક્ઝિબિશન હોલમાં આઇઆઇજેએસનું આયોજન કરવામાં આવ્યું છે.
જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે ડિઝાઇન અને નવા ક્રિએશનમાં ભારતની કલા કારીગરીને પ્રોત્સાહન મળે તેમજ ભારતીય કારીગરોની ક્રિએટિવિટી અંગે માહિતી ઉપલબ્ધ થાય તે ઉદ્દેશ્ય સાથે આ શોનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ ડિઝાઇનર જ્વેલરી બ્રાંડ તથા ઉત્પાદકો દ્વારા આકર્ષક ઘરેણાંઓની વિશાળ શ્રેણી શોમાં રજૂ કરવામાં આવશે. આ પ્રદર્શન અને શોમાં ભારત ઉપરાંત યુએસએ, જાપાન, હોંગકોંગ, ઇઝરાયેલના પેવેલિયન જોવા મળશે.
જીજેઇપીસીના ચેરમેન રાજીવ જૈને જણાવ્યું હતું કે શોને લઇ ડાયમંડ, જ્વેલરીના ઉત્પાદકો, વેપારીઓમાં સારો ઉત્સાહ છે. આ વખતે પહેલીવાર જ્વેલરી શોમાં પાકિસ્તાન, મલેશિયા, કોરિયા, ઇટલીના પ્રદર્શનકારો ભાગ લેશે. શો માટે આ વખતે ૩૦ ટકા વધુ રજિસ્ટ્રેશન મળ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.