સુરત, તા. ૭
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ બી.એ., બી.કોમ. તેમજ એમ.એ અને એમ.કોમ.ના એક્ષટર્નલ પ્રવેશમાં બહારની યુનિવર્સિટીમાંથી આવતા વિદ્યાર્થીઓના પ્રવેશમાં આસાની કરી દીધી છે અને હવે પ્રોવિઝનલ એલિજીબીલીટી સર્ટિફિકેટને આધારે પણ પ્રવેશ મળશે. અત્યાર સુધી આ પ્રથા જ ચાલુ હતી પરંતુ બે વર્ષ પૂર્વે તત્કાલિન કુલપતિ બી.એ. પ્રજાપતિએ નિયમમાં ફેરફાર કરીને પહેલા માઈગ્રેશન સર્ટિફિકેટ લાવવાની જોગવાઈ કરી દેતા વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા.
- બહારના વિદ્યાર્થીઓ પીઈસીને આધારે પણ પ્રવેશ મળી શકશે
આ સંદર્ભમાં વિદ્યાર્થીઓ દ્વારા કુલપતિ ડો. દક્ષેશ ઠાકર સમક્ષ વ્યાપક રજૂઆત કરાતા યુનિવર્સિટીએ પ્રોવિઝનલ સર્ટિફિકેટના આધારે પ્રવેશ આપવા તેમજ ત્યાર બાદ માઈગ્રેશન સર્ટિફિકેટ રજૂ કર્યા બાદ ફાયનલ એલિજીબીલીટી સર્ટિફિકેટ આપવાનો નિર્ણય કર્યો છે.
વાસ્તવમાં છેલ્લા ત્રણ વર્ષથી યુનિવર્સિટીમાં એક્ષટર્નલ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા એક નાની યુનિવર્સિટી કરતા પણ વધારે એટલે કે, ૨૭૦૦૦થી ઉપર પહોંચી ગઈ છે. ત્રણ વર્ષ પૂર્વે આ સંખ્યા ૧૮૦૦૦ની હતી જે ત્યાર બાદ વધીને ૨૨૦૦૦ ઉપર પહોંચી હતી અને ગત વર્ષે તો ૨૭૦૦૦ વિદ્યાર્થીઓ એક્ષટર્નલમાં નોંધાયા હતા. આ સંખ્યા ચાલુ વર્ષે વધીને ૩૦૦૦૦ને પાર થવાની સંભાવના છે.
આ વિદ્યાર્થીઓમાં પ્રતિ વર્ષ બે હજાર જેટલાં વિદ્યાર્થીઓ અન્ય યુનિવર્સિટીઓમાંથી નર્મદ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવતા હોય છે જેને આ સુધારાને કારણે મોટો ફાયદો થાય એમ છે.