અમદાવાદ,તા.૭
શહેરના સરસપુર વિસ્તારમાં આવેલી શારદાબેન હોસ્પિટલમાં બોંબ મુકાયાનો ફોન પોલીસ કંટ્રોલ રૂમમાં આવતા પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું. આ અંગે બોંબ ડીસ્પોઝલ સ્કોવ્ડ અને પોલીસ કાફલાએ બે કલાક સુધી હોસ્પિટલમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.પણ, કોઇ વાંધાજનક ચીજવસ્તુ ન મળતા તંત્રને રાહત થઇ હતી. શહેરકોટડા પોલીસે આ અંગે જાણવા જોગ નોંધ કરીને ફોન કરનાર અંગે તપાસ હાથ ધરી છે.
- હોસ્પિટલમાં બોંબની અફવાથી દોડધામ
અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમમાં મંગળવારે સાંજે સવા છ વાગ્યાના સુમારે કોઇ અજાણ્યા નંબર પરથી ફોન
આવ્યો હતો કે શારદાબેન હોસ્પિટલમાં બોંબ રખા હે. બચાના હે તો બચા લો.. ત્યારબાદ ફોન કરનારે ફોન કાપીને સ્વીચ ઓફ કરી દીધો હતો. એક તરફ તહેવારોની સિઝન છે અને બીજી તરફ હાઇએલર્ટ છે. ત્યારે બોંબ મુકાયાનો ફોન આવતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા હતા અને તેમણે તાત્કાલિક બોંબ ડીસ્પોઝલ સ્કોવ્ડના કાફલાને સ્થળ પર રવાના કરી દીધો હતો. તેમજ શહેરકોટડા પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો.
હોસ્પિટલમાં અચાનક પોલીસ કાફલા અને બીડીએસની ટીમને જોઇને દર્દીઓ અને સ્ટાફમાં ભય ફેલાઇ ગયો હતો. બીડીએસ અને ડોગ સ્કોવ્ડ સહિત પોલીસ કાફલાએ હોસ્પિટલના પાર્કિગ, ઓપીડી, ઇન્ડોર તેમજ અન્ય જગ્યાએ બે કલાક સઘન તપાસ કરવામાં આવી હતી. પણ કોઇ વાંધાજનક ચીજવસ્તુ ન મળતા પોલીસ અને હોસ્પિટલ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસે બોંબ મુકાયાનો ફોન કરનાર અંગે તપાસ હાથ ધરી છે.