જૂનાગઢ, તા.૭
જૂનાગઢ જિલ્લા ખોડલધામ સમિતિ દ્વારા આજે રક્તતુલા અને જ્ઞાનતુલા દ્વારા કરાયેલા સન્માન બાદ કાગવડ ખોડલધામના પ્રણેતા નરેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં દોઢ કરોડની વસતી હોય અને તેની કોઈ કિંમત ન થાય તો પછી સમય પ્રમાણે વર્તવું પડે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો અમને અધિકારો આપવામાં નહી આવે તો કોઈ પણનું સ્થાન છીનવી લઈશું.
- નવરાત્રીમાં દરેક જિલ્લામાંથી કાગવડ સુધીની પદયાત્રા
જૂનાગઢના શ્રીનાથનગર વિસ્તારમાં શિવમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા જાહેર સન્માન બાદ પ્રતિભાવ આપતા તેમણે કહ્યું હતું કે, કાગવડમાં લાખ્ખો લોકો એકત્ર થયા હતાં. છતા એક પણ, અણબનાવ બન્યો ન્હોતો. આ બાબત જ લેઉવા પટેલ જ્ઞાતિના શિસ્ત અને સંયમની સાબિતિ આપે છે. કાગવડના માધ્યમથી સમાજને કોઈ પણ જાતના ભેદભાવ વગર સંગઠીત બનાવવો છે. ખોડલધામના મુદ્દે કોઈ રાજકારણ નહી થાય. પરંતુ છેવાડાના માનવીને ઉપયોગી થવાની ભાવના તેમા છૂપાયેલી છે. ભાવિ આયોજન રજુ કરતા તેમણે કહ્યું હતું કે, નવરાત્રિમાં દરેક જિલ્લામાંથી કાગવડ સુધીની પદયાત્રા યોજાશે અને ખોડલધામ ખાતે
મહાઆરતી યોજાશે. જૂનાગઢ જિલ્લા ખોડલધામ સમિતિના કન્વીનર ડો.જી.કે. ગજેરા, સહકન્વીનર હરસુખભાઈ વઘાસિયા અને ડો.મગનભાઈ પોશિયાની આગેવાની હેઠળ જિલ્લાભરના આગેવાનો અને જ્ઞાતિજનો દ્વારા નરેશ પટેલનું ફૂલહાર પહેરાવી સન્માન કરાયું હતું. સાથે સાથે ૩૦૦ બોટલ લોહીથી રક્તતુલા અને એક હજાર કરતા વધારે પુસ્તકોથી જ્ઞાનતુલા પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરની દોમડિયા વાડી ખાતે જિલ્લા ખોડલધામ સમિતિના કાર્યાલયને ખૂલ્લુ મૂકવામાં આવ્યું હતું.
યુવાનોને રક્તદાન માટે ના પાડવી પડી !
જૂનાગઢ : જૂનાગઢના આજના કાર્યક્રમ માટે જિલ્લાભરમાં તાલુકાઓ અને મુખ્ય ગામડાઓમાં યોજાયેલી મિટીંગોના પગલે આજે સવારે રક્તદાન માટે યુવાનોએ લાઈનો લગાવી દીધી હતી. આશરે એકાદ હજાર જેટલા યુવાનો રક્તદાન માટે આવી પહોંચ્યા હતાં. જો કે રક્તતુલા માટે ફક્ત ૩૦૦ બોટલ રક્તની જ જરૂરિયાત હોય બાકીના યુવાનોને ના પાડવી પડી હતી.