Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 05:46:04 AM IST
 

અછતના અસરગ્રસ્તોથી સચિવાલય ઉભરાયું

Aug 08, 2012 Ahmedabad > Ahmedabad City
 
comment     E-Mail     Print    
 
Viewed: 709
Rate: 0
Rating:
Bookmark The Article

ગાંધીનગર, તા. ૭

ગુજરાતમાં ચોમાસાની મોસમ દરમિયાન ખરીફ પાકનું વાવેતર તબક્કાવાર જ થયું છે અને વિતેલા સપ્તાહ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છુટોછવાયો હળવાથી ભારે વરસાદ થયા સિવાય ક્યાંય નોંધપાત્ર, સાર્વત્રિક વરસાદ ન થતાં એક સપ્તાહમાં માંડ ત્રણ લાખ હેક્ટરમાં જ ખેડૂતોએ વાવેતર કર્યું છે. આમ, ખરીફ મોસમમાં હવે એરંડા સિવાયના તમામ વાવેતરનો સમય પૂરો થતાં રાજ્યમાં કુલ વાવેતર ૬૫ ટકાથી વધે એવા કોઇ સંજોગો જણાતા નથી. બીજી તરફ વાવેતર થઇ ચૂકેલા વિસ્તારોમાં પાકને બચાવવા વીજળી ઉપરાંત પાણીની માંગ વધી છે અને આનો પડઘો છેક સચિવાલય સુધી પડયો હતો. એટલું જ નહીં ગત સપ્તાહમાં વિતરિત કરાયેલા ૨૦ લાખ કિલો ઘાસનો જથ્થો પૂરો થઇ જતાં તેમજ નવા વિસ્તારોમાં પણ ઘાસચારાની માંગણી સાથે આજે સચિવાલયમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના ખેડૂતોના ધાડેધાડા ઉતરી પડયા હતા અને ધારાસભ્યોને ઘેરી લઇને મંત્રી પાસે પાણી અપાવવાની ખાતરી મેળવવા કલાકો સુધી ધામા નાખ્યા હતા.

  • પાક બચાવવા તેમજ પાણી-ઘાસની માગણી સાથે ધાડેધાડાં ઊમટયાં
  • સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો, ગ્રામજનોની રજૂઆત

સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસનું વાવેતર નોંધાપત્ર થાય છે. પરંતુ આ વખતે નબળા ચોમાસાના લીધે કપાસનું ૮૧ ટકા અને મગફળીનું ૭૧ ટકા જ વાવેતર થયું છે. આ પાકને બચાવવા માટે જ્યાં સ્થાનિક સોર્સ છે ત્યાંથી પાણી મેળવવા માટે ખેડૂતો દોડાદોડ કરી રહ્યા છે. આકાશમાં રોજ સવારે કાળા ડિબાંગ વાદળો ચઢી આવે છે અને બપોર સુધીમાં ફરીથી આકાશમાં વાદળો ઘટી જાય છે. તડકો નીકળી આવે છે. આ સ્થિતિમાં આજે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓ ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લો, પાટણ, સાબરકાંઠા તથા કચ્છના કેટલાક તાલુકામાંથી મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો પોતાના લોક  પ્રતિનિધિઓને લઇને જળસંપત્તિમંત્રી નીતિન પટેલ તેમજ પ્રભારીમંત્રીઓ સમક્ષ રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા. તેના લીધે બ્લોક નંબર એક જાણે કીડીયારાની જેમ ઉભરાઇ ગયું હતું. બ્લોક નંબર ૧માં એક જ કલાકમાં અઢી હજાર લોકોએ એન્ટ્રી મેળવી હતી.

પાટણ જિલ્લાના સમી હારિજથી આવેલા ખેડૂતોએ રોષ પૂર્વક રજૂઆત કરી કે અમારા વિસ્તારમાંથી સુજલામ સુફલામ કેનાલ પસાર થાય છે. એટલી મોટી કેનાલહોવા છતાં એમાં પાણી છોડવામાં આવતુ નથી. આ કેનાલમાં પાણી છોડવામાં આવે તો અમારો પાક બચી જાય એટલું જ નહીં પીવાનું પાણી મળે છે, પરંતુ મુંગા ઢોરને પીવડાવવા પાણી નથી. ઘાસચારો નથી. આની માગણી કરવા અમે આવ્યા છીએ.

સુરેન્દ્રનગરના લોકોએ તો એમના મંત્રી, બે ધારાસભ્યોને લઇને આવી પહોંચ્યા હતા. ઓછામાં ઓછા ત્રણસોથી વધુનું ધાડુ રજૂઆત કરવા આવી પહોંચ્યું હતું. તેમણે તો પોતાના વિસ્તારમાં પાણી તેમજ સિંચાઇને લગતા ટૂંકા અને મધ્યમ ગાળાના કામોની જ રજૂઆત કરી હતી. આ માગણીઓને અછતની પેટા કમિટીના ચેરમેન વજુભાઇ વાળાએ સ્વીકારી હતી. જોકે, તેની જાહેરાત અછત જાહેર થાય ત્યારે જ કરવામાં આવે તેવી શક્યતા છે.

રાજ્યમાં વાવેતરની છેલ્લી સ્થિતિ

ગાંધીનગર : ખરીફ ૨૦૧૨નો સામાન્ય વાવેતર વિસ્તાર ૮૭.૯૭ લાખ હેક્ટર છે, પરંતુ ૬ ઓગષ્ટ ૨૦૧૨ની સ્થિતિએ ૫૭.૨૩ લાખ હેક્ટર એટલે કે ૬૫ ટકા વિસ્તારમાં જ વાવેતર થઇ શક્યું છે. એમાંય ડાંગર, બાજરી, તલ જેવા મહત્ત્વના પાકોનું વાવેતર સાવ ઓછું થયું છે. કપાસનું વાવેતર ૮૧ ટકા અને મગફળીનું વાવેતર ૭૧ ટકા જ થયું છે. જોકે, સમયસર વરસાદના અભાવે મગફળીનો ૭૦ ટકા પાક બળી જાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. સરકારે ગત સપ્તાહમાં ૪૫ લાખ હેક્ટર વાવેતરમાંથી ૨૩.૫ લાખ હેક્ટર વાવેતર બળી જાય તેવી ચિંતા કેન્દ્રીય મંત્રીઓ સમક્ષ રજૂ કરી હતી. ખરીફ ધાન્ય પાકોમાં ૬૩ ટકા, કઠોળનું ૫૧ ટકા, તેલિબિયાં પાકોનું ૫૪ ટકા તેમજ અન્ય પાકોનું ૭૫ ટકા વાવેતર થયું છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com