વડોદરા તા. ૭
જમીન દલાલની હત્યાનો આરોપી ભાગી જવાના પ્રકરણમાં હેડ ક્વાર્ટરની જાપ્તા પોલીસ માત્ર દારૂની એક બોટલ અને રૂ. ૫ હજારમાં વેચાઈ ગઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. આરોપી સંજય રાજપૂત જાપ્તા પાર્ટી સાથે બૂટલેગરની પત્નીના ઓમકારપુરા ગામમાં આવેલા ઘરે ગયો હતો. જ્યાંથી તે ભાગી ગયો હતો. પોલીસે આ બનાવમાં દારૂની બોટલ આપનાર બુટલેગર, રિક્ષા ચાલક અને સંજયના ભાઈની ધરપકડ કરી હતી.
- પોલીસે બૂટલેગર અને સંજયના ભાઈની ધરપકડ કરી
- જમીન દલાલની હત્યાનો આરોપી ભાગી જવાના પ્રકરણમાં ઘટસ્ફોટ
નોંધનીય છે કે, અલકાપુરીના એક હેર સલૂનમાં ગત વર્ષે જમીન દલાલ દિનેશ પાનેરીની કરપીણ હત્યા કરવાના કેસમાં સંજય રાજપૂતને વડોદરા મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે રખાયો હતો. સંજયની સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. તેથી ગત તા. ૧લીએ સવારે સાડાઆઠ વાગે પ્રતાપનગર હેડ ક્વાર્ટરના એ.એસ. આઈ પન્નાલાલ બારિયા, હે.કો અનિલ જોષી અને કોન્સ્ટેબલ ગોવિંદ નાનજીભાઈએ જેલમાંથી સંજયનો કબજો મેળવ્યો હતો.
ત્યારબાદ તેને સયાજી હોસ્પિટલના વોર્ડ નં.૧૫ માં સારવાર અર્થે લઈ ગયા હતા. દરમિયાન પન્નાલાલ અને ગોવિંદ અન્ય એક આરોપીને છોડવા સેન્ટ્રલ જેલમાં ગયા હતા. બીજી તરફ હે.કો અનિલ આરોપી સંજયને રિક્ષામાં બેસાડી અકોટા પોતાના ઘરે લઈ ગયો હતો. તેમની પાછળ એક્ટીવામાં દારૂની બોટલ લઈને રીના બાબુભાઈ ઉર્ફે બીશન ત્રિલોકસીંગ બિસ્ટ (ઉં.વ.૨૮) પણ પહોંચી હતી. રીનાએ સંજયને દારૂની બોટલ આપી હતી. તે પછી ઘરમાં અનિલ અને સંજયના નાના ભાઈ કૌશિકે સાથે બેસી દારૂની મહેફિલ સજાવી હતી.દારૂની મહેફિલ બાદ સંજયે બહારથી જમવાનું મંગાવીને અનિલને જમાડયો બાદ તેઓ સયાજી હોસ્પિટલમાં આવ્યા હતા. આ વખતે સાથે આવેલી રીનાના સોખડા રોડ પર ઓમકારપુરા ગામમાં આવેલા ઘરે જવાની સંજયની ઇચ્છા પન્નાલાલ અને અનિલ પૂરી કરી હતી.
રીના પણ તેમની પાછળ એક્ટિવા લઈને આવી પહોંચી હતી. જેમાં પન્નાલાલ અને દારૂના નશામાં ધૂત અનિલ આગળના રૂમમાં બેઠા હતા. આ તકનો લાભ લઈ સંજય પાછલા બારણેથી ભાગી ગયો હતો. રીનાને દારૂની બોટલ આપનાર બૂટલેગર વિજય ઉર્ફે લાલો જગદીશ પારેખ અને હે.કો અનિલ સાથે દારૂની મહેફિલ જમાવનાર સંજયના ભાઈ કૌશિક રાજપૂતની રાવપુરા પોલીસે ધરપકડ કરી હતી.
જેલમાંથી જ સંજયે ભાગી જવાનો પ્લાન ઘડયો હતો
આરોપી સંજય પોલીસ જાપ્તામાંથી ભાગી ગયો તેના થોડા દિવસ પહેલા બૂટલેગરની પત્ની રીના બિસ્ટ તેને મળવા જેલમાં ગઈ હતી. જેલમાં મુલાકાત દરમિયાન સંજયે રીનાને કહ્યું કે, પોલીસ જાપ્તાવાળા મને લઈને સયાજી હોસ્પિટલમાં જવાના છે, ત્યારે તેમને દારૂની એક બોટલ આપવાની છે, સંજયે પ્લાન મુજબ મિત્ર રાજેશ ઉર્ફે રાજુ પ્રહલાદ કહારને ઓટોરિક્ષા લઈ સયાજી હોસ્પિટલમાં બોલાવ્યા હતા. હોસ્પિટલમાંથી રાજેશ હે.કો અનિલ અને સંજયને રિક્ષામાં અકોટા લઈ જઇ પરત સયાજીમાં લાવ્યો હતો અને ત્યાંથી સોખડા ગયા હતો.
લાંચ રિશ્વત વિરોધીધારાની કલમનો ઉમેરો કરાયો
માત્ર દારૂની એક બોટલ અને રૂ. ૫ હજારમાં વેચાઈ ગયેલી જાપ્તા પાર્ટીની પોલીસની આ હરકતને પગલે ફરી એકવાર પોલીસ તંત્રને કાળી ટીલ્લી લાગી છે. શરૂઆતમાં તો જાપ્તા પાર્ટીએ આરોપી સંજય સયાજીમાંથી ભાગી ગયો હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું. જો કે, પી.આઈ. આલ્સિકાએ તેમની કડકાઈથી પૂછપરછ કર્યા બાદ તેમણે આરોપી સંજય સયાજીમાંથી નહીં પણ સોખડાના ઓમકારપુરા ગામેથી ભાગ્યો હોવાની કબૂલાત કરતાં પોલીસે જાપ્તા પાર્ટી પાસેથી સંજય હપ્તા પેટે આપેલા રૂ. ૫ હજાર કબજે લીધા હતા. પોલીસે આરોપી પોલીસ કર્મચારીઓ વિરુદ્વ લાંચ રિશ્વત વિરોધીધારા હેઠળ ગુનો દાખલ કર્યા હતો.