ભુજ, તા. ૭
રાપરના તાલુકાના બાલાસર ગામે રહેતા યુવાને ગત મોડીરાત્રિના દારૂના નશામાં પોતાના ઘેર આવી જાતે પોતાના શરીરે કેરોસીન છાંટી દીવાસળી દેતાં આખા શરીરે ગંભીર રીતે દાઝી જતાં તેને ગંભીર હાલતમાં ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
જ્યાં આજે રાત્રિના ૮.૧૦ મિનિટે યુવાને સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.
રાપરના તપાસનીશ પોલીસકર્મી સરદારસિંહ પારગીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાપરના બાલાસર ગામે રહેતા રાણુભા જોરૂભા વાઘેલા (ઉ.વ.૪૦) ગતરાત્રિના ૧૧ વાગ્યાના અરસામાં દારૂના નશામાં ચૂર થઈ પોતાના ઘેર આવ્યો હતો. તેમના પત્ની બાજુમાં રાણુભાના નાના ભાઈના ઘેર ગઈ હતી, ત્યારે રાણુભાએ નશાયુક્ત હાલતમાં પોતાનાં ઘેર જાતે કેરોસીન છાંટી જાતે આખા શરીરે દાઝી જતાં ભુજ રિફર કરાયો હતો જયાં આજે રાત્રે તે મૃત્યુ પામ્યો હતો. મૃતક યુવાનના ત્રણ ભાઈઓ છે અને તેઓ ખેતીવાડી કરી રહ્યા છે.
ભુજની જનરલ હોસ્પિટલમાં મૃત્યુ પામનાર આ યુવાનની આજે મોડી સાંજે પી.એમ. સહિતની કાર્યવાહી હાથ ધરાઇ હતી.