ભુજ, તા.૭
ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે લાંબા મનોમંથન બાદ ભાજપથી છેડો ફાડી નાખી, ગુજરાત પરિવર્તન પાર્ટીની રચના કરવાની સાથે રાજકીય સમીક્ષકોનું માનીએ તો મતનાં સમીકરણો રાતોરાત બદલવા માંડયા છે. કચ્છનાં પરિપ્રેક્ષ્યમાં બાપા અને પૂર્વ મુખ્યપ્રધાન સુરેશ મહેતાની જુગલ જોડીથી કચ્છ ભાજપનાં કહેવાતા વટવૃક્ષના મૂળિયા હલ્યા હોવાનું પણ સ્થાનિક જાણકારો કહી રહ્યા છે. પરિવર્તનનો વાયરો ફૂંકાવાની સાથે જ જિલ્લા ભાજપનાં સંગઠન અને ચૂંટાયેલા સદસ્યો તેમજ પદાધિકારીથી લઈને પાયાનાં કાર્યકર સુધી અલગ અલગ પ્રતિભાવો અને માહોલ વર્તાઈ રહ્યો છે.
- પરિવર્તન પાર્ટીની રચનાથી ભાજપને હવે દુશ્મન કરતાં દોસ્તોની ફિકર વધી
- અસંતુષ્ટોનો દબાયેલો અવાજ મજબૂત બનશે
- પાર્ટીમાં આંતરિક અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું
- જિલ્લામાં મતનાં સમીકરણોમાં ફેરબદલ
કહીં ખુશી કહીં ગમનાં મિશ્ર માહોલમાં એકસમયમાં બાપા-મહેતા જૂથનાં વફાદારો રહેલા કાર્યકરો પણ ગેલમાં આવી ગયા છે, તો બીજીતરફ અત્યાર સુધી પક્ષમાં જેમનો અવાજ દબાયેલો રહ્યો હતો તેવા અસંતુષ્ટને પણ હવે પોતાનો અવાજ મજબૂત બનવાની આશાનો સંચાર થયો છે, ત્યારે ભૂતકાળમાં ક્યારેય જોવા ન મળ્યું હોય તેવું આંતરિક અવિશ્વાસનું મોજું ફરી વળ્યું છે કારણ કે, પક્ષની મૂળભૂત વિચારધારા અને જૂના સાથીદારોને હવે હાંસિયામાં ધકેલવાનો નિર્ણય પણ જોખમી છે અને સત્તાની બાગડોર હાથમાં આપી શકાય તેટલો વિશ્વાસ કેળવવો પણ સંગઠનનાં માંધાતાઓ માટે અસંભવ બની રહ્યો છે. કચ્છનાં રાજકારણથી સુપેરે પરિચિત એવા જાણકારોનું માનીએ તો કચ્છ ભાજપને મજબૂત કરવાથી લઈને હાલ પણ મહત્ત્વનું સ્થાન ધરાવતા કેટલાંક કદાવર નેતાઓને હંમેશા કેશુભાઈ અને સુરેશ મહેતા પ્રત્યે કુણું વલણ રહ્યું છે, પરંતુ સંજોગોના કારણે તેમની નાવમાં સવાર થઈ શક્યા નથી. ભૂતકાળમાં સંગઠનની રચનાથી લઈને સત્તા અપાવવા સુધીનાં કાર્યમાં કેશુભાઈ અને સુરેશ મહેતાની સાથે કચ્છ ભાજપનાં અનેક નેતાઓએ ખભેખભ્ભા મિલાવીને કામ કર્યું હતું અને આ બંને નેતાઓએ તેમના સત્તાયોગ દરમિયાન વફાદારોને તેમનાં લાભ પણ અપાવ્યા હતા. જો કે, પાછલા એક દાયકામાં બંને નેતા ખુદ હાંસિયામાં ધકેલાઈ ગયા બાદ હવે ફરીથી મેદાનમાં ઝંપલાવવા તૈયાર થયા છે ત્યારે ભૂતકાળનાં સાથીઓનું કુણું વલણ ભાજપ માટે ધાતક સાબિત થાય તેવી ચિંતા પક્ષનાં આગેવાનોને શરૂ થઈ ગઈ છે.
બદલાયેલી સ્થિતિમાં પક્ષનાં આગેવાનો કોઈ મોટો નિર્ણય લઈ શકે તેવા સંજોગો પણ હાલ નથી, ત્યારે હવે કચ્છમાં ભાજપે દૂધ જ નહીં છાશ પણ ફૂંકીને પીવી પડશે તેવું જાણકારો કહી રહ્યા છે. પરિવર્તન પાર્ટીની રચનાથી ભાજપને હવે દુશ્મન કરતાં દોસ્તોની ફિકર વધી ગઈ છે, જરા સરખી પણ ચૂક કે લાપરવાહીથી પરિવર્તનનાં સારથિઓ ગઢનાં કાંગરા ખેરવી શકે છે. કારણ કે, ભૂતકાળનાં સખાઓ હવે સામસામા છે ત્યારે ઘા ક્યાં અને ક્યારે મારવો એ પણ તેઓ સારી રીતે જાણે છે.