નવી દિલ્હી, 8 ઓગસ્ટ
- દિલ્હીમાં દેહવેપારની હાટડી પરથી માતાએ દીકરીને મુક્ત કરાવી
- આંધ્રની યુવતીને એક મહિલા નોકરીની લાલચ આપી દિલ્હી લાવી હતી
- કસ્ટમરના સ્વાંગમાં ગયેલા ભાઈએ બહેનને શોધી કાઢી
દિલ્હીના રેડલાઇટ એરિયા જીબી રોડ પરના એક કોઠામાં કેદ દીકરીને તેની માતાએ પોલીસની મદદથી આઝાદ કરાવી છે. બહેનની શોધ માટે ભાઈ પણ કસ્ટમર બનીને દિલ્હીના ઘણા કોઠાઓમાં ગયો હતો, જેમાંના એક કોઠામાં પોતાની બહેન સાથે મુલાકાત બાદ તેણે તેની માતાનાં માધ્યમથી પોલીસને જાણ કરી હતી. કોઠો ચલાવનારાઓ સામે પોલીસે દેહવેપાર કરાવવો, બળાત્કાર અને અપહરણ માટેની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે.
એડિશનલ પોલીસ કમિશનર (સેન્ટ્રલ) દેવેશચંદ્ર શ્રીવાસ્તવના જણાવ્યાનુસાર, આંધ્રપ્રદેશની એક વૃદ્ધ મહિલાએ દિલ્હીના કમલા માર્કેટ પોલીસમથકમાં આવીને એસએચઓ પ્રમોદ જોશીને જણાવ્યું કે તેમની ૨૭ વર્ષીય દીકરી સંગીતાને (નામ બદલ્યું છે) જીબી રોડ પરના કોઠા નં. ૫૨૧૧ના ફર્સ્ટ ફ્લોર પર ગોંધી રાખવામાં આવી છે. મહિલાની આ રજૂઆતનાં પગલે પોલીસે કોઠા પર છાપો મારીને સંગીતાને ત્યાંથી મુક્ત કરાવી હતી. તેણે પોલીસને આપેલાં નિવેદનમાં જણાવ્યું હતું કે, તેનો પરિવાર આંધ્રપ્રદેશના એક ગામમાં છૂટક ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવે છે. ગત મહિને એક મહિલા તેમનાં ગામમાં આવીને તેના પરિવારને મળી હતી. તેણે દિલ્હીમાં તેની ઘણી ઓળખાણો હોવાનું અને સંગીતાને દિલ્હીમાં નોકરી અપાવવાનું કહ્યું હતું. આ મહિલા પર વિશ્વાસ રાખીને સંગીતાનાં મા-બાપે દીકરીને તેની સાથે દિલ્હી મોકલી હતી.
દિલ્હી પહોંચ્યા બાદ તે મહિલાએ સંગીતાને નોકરી અપાવવાના બદલે જીબી રોડ પરના કોઠા પર તેને રૃ. ૨૦,૦૦૦માં વેચી દીધી હતી અને કોઠાની માલિકણ સંગીતા પાસેથી બળજબરીપૂર્વક દેહવેપાર કરાવતી હતી. એકવાર સંગીતા પાસે આંધ્રનો કસ્ટમર આવ્યો હતો, જેને તેલુગુમાં વાત કરતો સાંભળીને સંગીતાએ તેને પોતાની આપવીતી કહી હતી અને આ અંગે તેના પરિવારને જાણ કરવા વિનંતી કરી હતી, તે મુજબ તે કસ્ટમરે સંગીતાના પરિવારને જાણ કરતાં તેનો પરિવાર સ્તબ્ધ રહી ગયો હતો. સંગીતાની માતા અને તેનો ભાઈ તાબડતોબ દિલ્હી પહોંચ્યાં હતાં. બીજી તરફ કોઠાની માલિકણને શંકા જતાં તેણે સંગીતાને બીજા કોઠામાં શિફ્ટ કરી દીધી હતી. તેનો ભાઇ કસ્ટમરના સ્વાંગમાં દિલ્હીના કોઠાઓમાં ફરી વળતાં છેવટે સોમવારે કોઠા નંબર ૫૨૧૧માંથી તેને તેની બહેન મળી આવી હતી. સંગીતાને મળ્યા બાદ બહાર આવીને તેના ભાઇએ તેની માતાને જાણ કરતાં તે કમલા માર્કેટ પોલીસમથકે પહોંચી હતી ત્યાર બાદ પોલીસે સંગીતાને છોડાવીને નારી નિકેતન ખાતે મોકલી આપી હતી અને આરોપીઓ સામે દેહવેપાર, બળાત્કાર અને અપહરણના ગુના દાખલ કર્યા હતા, જોકે પોલીસે હજુ આરોપીઓની ધરપકડ કરી નથી.
પરિણીત મહિલાઓ બળાત્કારનાં ખોટા આરોપો પુરુષો પર મૂકતી હોય છે : હાઈકોર્ટ
મહિલા કંઈ બોલે તે પહેલાં જ વૃદ્ધે બ્લૂ ફિલ્મ શરૂ કરી દીધી હતી
કેબિનેટનો નિર્ણય : પુરુષ પર બળાત્કાર કરનાર મહિલા પર પણ કાર્યવાહી થશે